સંગીતકાર પ્રિતમ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે, કારણ કે કેટલાક લોકોએ તેમના તાજેતરના ગીત 'માશૂકા' (કોકટેલ 2 ફિલ્મનું ગીત) પર કોપીરાઈટનો આરોપ લગાવ્યો છે.
ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે આ ગીતની ધૂન અને 1993ના ઇટાલિયન ગીત 'સે સો અરુબાટે એ નોન્ના' વચ્ચે ઘણી સમાનતા હોવાનું જણાવ્યું છે. આ ગીત બીબી એન્ડ કોકો નામના બે કલાકારોએ ગાયું હતું.
આ વિવાદ વચ્ચે, પ્રિતમે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ મૂકીને ટીકાકારોને જવાબ આપ્યો હતો. તેમણે લખ્યું, 'મારું દરેક ગીત રિલીઝ થાય એટલે તરત જ કેટલાક લોકો 'કાલ્પનિક સમાનતાઓ' નામનો નવો પ્રકાર લઈને આવી જાય છે. એ જ લોકો, એ જ 'આનાથી પ્રેરિત' વાળી થીયરી. ભાઈઓ, તમે લોકો મારી ફ્રીમાં પબ્લિસિટી કરો છો. મારે એટલું જ કહેવું છે કે, આ યોગ્ય નથી.'
ઉલ્લેખનીય છે કે આ ગીતના વીડિયોમાં શાહિદ કપૂર અને કૃતિ સેનન મસ્તીભર્યા અંદાજમાં જોવા મળે છે અને તેમની કેમેસ્ટ્રી ગીતને વધુ એનર્જેટિક બનાવે છે.
શાહિદે ગીત વિશે વાત કરતા કહ્યું, 'માશૂકા'માં એક એવો વાઇબ છે કે જે તમને તરત જ ખેંચી લે છે. કૃતિ અને મને આ ગીતનું શૂટિંગ કરવામાં ખૂબ મજા આવી, કારણ કે અમે એકદમ હળવાશથી કામ કર્યું છે. આ ગીત સ્ટાઇલિશ, મસ્તીભર્યું અને ખૂબ જ મજેદાર છે. આ એવું ગીત છે જે તમને થોડી વાર માટે બધું ભૂલીને મોજ કરવાની પ્રેરણા આપે છે. આ ગીતમાં ઉનાળાની એનર્જી છે.'
કૃતિએ પણ આ ગીત વિશે કહ્યું, 'આ ગીત એકદમ જબરદસ્ત છે. તે મસ્તીભર્યું છે અને મને સિસિલીની યાદ અપાવે છે – સંગીત અને વિઝ્યુઅલ્સ બંને રીતે. શાહિદ અને હું એકદમ હળવાશથી મસ્તી કરી રહ્યા હતા. મને લાગે છે કે દર્શકોને આ ગીત ખૂબ ગમશે કારણ કે તેમાં એકદમ નવો અવાજ અને એનર્જી છે.'
'કોકટેલ 2' 19 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
અમદાવાદ એક્સપ્રેસ તમને દેશ અને દુનિયાના તાજા સમાચાર સૌથી પહેલા પહોંચાડે છે. રાજકારણ, મનોરંજન, ક્રિકેટ અને અન્ય ક્ષેત્રોની માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો.