નવી દિલ્હી : તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ દરમિયાન પીએમ મોદી ચૂંટણી પ્રચાર માટે કામરેડ્ડી પહોંચ્યા હતા. પીએમે તેમની બેઠકમાં તેલંગાણાની BRS સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે તેલંગાણાના લોકો બીઆરએસ સરકારના નવ વર્ષના શાસનથી કંટાળી ગયા છે. તેઓ આમાંથી મુક્તિ ઈચ્છે છે. આ વખતે લહેર ભાજપની તરફેણમાં છે. પીએમએ કહ્યું, તેઓ તેલંગાણામાં પરિવર્તનની લહેર જોઈ રહ્યા છે. સભાને સંબોધતા પીએમએ કહ્યું કે લોકોએ અમારો ટ્રેક રેકોર્ડ તપાસ્યો છે. ભાજપ જે કહે છે તે પુરુ કરે છે.
ભાજપે વચન આપ્યું હતું કે અમે ટ્રિપલ તલાક ખતમ કરીશું. અમે પણ આ કર્યું. અમે કહ્યું હતું કે કલમ 370 નાબૂદ કરવામાં આવશે. મહિલાઓને અનામત મળશે. PMએ કહ્યું કે અમારી સરકારે સૈનિકો માટે વન રેન્ક વન પેન્શન પૂરું કર્યું છે. અમે રામ મંદિર બનાવવાનો સંકલ્પ લીધો હતો. આ પણ પૂર્ણ થવામાં છે. ભાજપે તેલંગાણામાં હળદર બોર્ડની રચનાની જાહેરાત કરી હતી, તે પૂર્ણ થઈ ગઈ છે.
સ્થિર અને સમૃદ્ધ તેલંગાણાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છીએ: PM
પીએમના જણાવ્યા અનુસાર, બીજેપીનું 'સંકલ્પ પત્ર' તેલંગાણા રાજ્યના ગરીબો, ખેડૂતો, મહિલાઓ, યુવાનો, પછાત વર્ગો અને દલિતોની આકાંક્ષાઓનું પ્રતીક છે. અમે વિકસિત, સ્થિર અને સમૃદ્ધ તેલંગાણાના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યા છીએ.


