ગુજરાત સરકારે વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સની ત્રીજી આવૃત્તિ વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) - દક્ષિણ ગુજરાતની જાહેરાત કરી છે, જે ગુજરાત સ્થાપના દિવસ 1 અને 2 મે 2026 દરમિયાન સુરતમાં ઑરો યુનિવર્સીટી ખાતે યોજાશે. આ પરિષદ સાથે, વાયબ્રન્ટ ગુજરાત રિજનલ એક્ઝિબિશન (VGRE) 1 થી 5 મે 2026 દરમિયાન તે જ સ્થળે યોજાશે, જે સમગ્ર પ્રદેશના ઉદ્યોગો, MSME, સ્ટાર્ટઅપ સંસ્થાઓ અને ઉદ્યોગસાહસિકો માટે એક ઉન્નત પ્લેટફોર્મ પ્રદાન કરશે. 12,000 ચોરસ મીટર વિસ્તારમાં સ્થાપિત થનારું આ પ્રદર્શન સવારે 10:00 વાગ્યે શરૂ થશે અને સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.
ત્રીજી VGRC કોન્ફરન્સ ટેક્સટાઇલ્સ, જેમ્સ એન્ડ જવેલરી, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ, કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ, ટુરિઝમ સહિતના મુખ્ય વિકાસ ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરશે તથા આ ઉચ્ચ-વિકાસ ક્ષેત્રોની અગ્રણી કંપનીઓ અને સંસ્થાઓ પણ ભાગ લેશે. વ્યૂહાત્મક ભાગીદારી, નીતિ સહાય અને રોકાણકારોની ભાગીદારી દ્વારા, આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગુજરાતના દક્ષિણ ક્ષેત્રોમાં સમાવિષ્ટ વિકાસ અને સસ્ટેનેબિલીટી સુનિશ્ચિત કરી ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે.
અગાઉ વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE) જે રાજકોટ ખાતે આયોજિત થયું હતું એની વાત કરીએ એ તો, 11 જાન્યુઆરી, 2026ના રોજ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન (VGRE)નું ઉદ્ઘાટન થયું હતું. આ દરમિયાન પ્રદર્શનમાં 450 થી વધુ પ્રદર્શકો, જેમાં 160 થી વધુ MSME, 60 જેટલા સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટર્સ, 62 જેટલા હસ્તકલા અને હસ્તશિલ્પ સાથે સંકળાયેલા ઉન્નત કારીગરો અને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના 70 સ્ટોલ હતા.
આ અગાઉ, ઉત્તર ગુજરાતના પ્રદેશ માટે મહેસાણામાં યોજાયેલા પ્રથમ રિજનલ એક્ઝિબિશનમાં 18,000 ચોરસ મીટર વિસ્તારમાં 410થી વધુ પ્રદર્શકો (170+ MSME સહિત), છ થીમેટિક પેવેલિયન અને 80,000થી વધુ મુલાકાતીઓને આવકાર્યા હતા.
આ VGRE 2026 દરમિયાન રિવર્સ બાયર-સેલર મીટ, ઉદ્યમી મેળા અને વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવા ખાસ કાર્યક્રમો યોજાશે, જે MSMEs, હસ્તકલા અને કુટિર ઉદ્યોગોને નવા બજારો સાથે જોડવામાં સહાયરૂપ બનશે. વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન MSME, હસ્તકલા અને કુટીર ઉદ્યોગોને પણ સેવા આપશે. આનાથી હિસ્સેદારોને નવા બજારો સાથે જોડવામાં મદદ મળશે. મુલાકાતીઓ https://vibrantgujarat.com/registration લિંક પર નોંધણી કરાવી શકે છે.
ગુજરાત સ્થાપના દિવસના અવસરે ઉજવાતી ગૌરવશાળી પરંપરાને વધુ અર્થપૂર્ણ બનાવતાં, આ વર્ષે સુરતમાં યોજાનાર વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કૉન્ફરન્સ (VGRC) રાજ્યના વિકાસયાત્રાને નવી દિશા આપવાનો સંકલ્પ વ્યક્ત કરે છે. 1 મેના આ ઐતિહાસિક દિવસે યોજાનાર આ કાર્યક્રમ ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક પ્રગતિના દ્રષ્ટિકોણને મજબૂત બનાવશે, સાથે જ “વિક્સિત ભારત@2047”ના વિઝન સાથે સુસંગત રહી પ્રાદેશિક વિકાસ, રોકાણ અને વૈશ્વિક જોડાણોને પ્રોત્સાહિત કરશે. VGRC દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રોમાં નવી તકોનું સર્જન થશે અને ગુજરાતની વિકાસગાથાને વધુ ગતિ મળશે.


