આધ્યાત્મિક ઉર્જાનું કેન્દ્ર 'ઉત્તરવાહિની': રામપુરાથી શહેરાવ સુધીના પવિત્ર પ્રવાહની મહત્તા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રામપુરા ઘાટથી 19 માર્ચથી 17 એપ્રિલ 2026 દરમિયાન ઉત્તરવાહિની નર્મદા પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. આશરે 14 કિલોમીટર લાંબી આ પરિક્રમાનું મહત્વ એટલું છે કે તેને કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમા જેટલું ફળ મળે છે. અહીં રામપુરા ખાતે મહાભારતકાળની પાંડવ ગુફા આવેલી છે, જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન શિવલિંગની સ્થાપના કરી હતી.
રાજપીપલા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા રામપુરા ઘાટથી શરૂ થતી નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા માત્ર ધાર્મિક યાત્રા નથી, પરંતુ શ્રદ્ધા, પૌરાણિકતા અને આધ્યાત્મિક
અનુભૂતિનો અનોખો સંયોગ છે. નર્મદા નદી સામાન્ય રીતે પશ્ચિમ તરફ વહે છે, પરંતુ અહીં તે થોડા અંતર માટે ઉત્તર દિશામાં વહે છે, જેને “ઉત્તરવાહિની” તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ ધર્મમાં ઉત્તરવાહિની નદીઓ વિશેષ પુણ્યદાયી માનવામાં આવે છે.
નર્મદા નદીને ‘માતા રેવા’ તરીકે પૂજવામાં આવે છે. માન્યતા મુજબ નર્મદાના દર્શન માત્રથી જ પાપોનો નાશ થાય છે, જ્યારે અન્ય નદીઓમાં સ્નાન જરૂરી ગણાય છે. ઉત્તરવાહિની પ્રવાહને ખાસ પવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે આધ્યાત્મિક ઊર્જાનો પ્રતિક છે. રામપુરાથી શહેરાવ સુધી નર્મદા નદીનો આ ઉત્તરવાહિની પ્રવાહ આશરે ૭ કિલોમીટર સુધી વિસ્તરેલો છે, જે યાત્રાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે.
જ્યાંથી ઉત્તરવાહિની શરૂ થાય છે તેવા રામપુરા ઘાટ નજીક આવેલી પાંડવ ગુફા પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી છે. સ્થાનિક અગ્રણી શ્રી હરેન્દ્રસિંહ ગોહિલે કહ્યું કે, માન્યતા મુજબ મહાભારતકાળ દરમિયાન પાંડવોએ અજ્ઞાતવાસ દરમિયાન અહીં નિવાસ કર્યો હતો. કહેવામાં આવે છે કે, તેમણે અહીં સાત ગુફાઓ બનાવી અને તેમાં ભગવાન શિવની સ્થાપના કરી હતી.
આજે તેમાંથી માત્ર એક ગુફા જ અસ્તિત્વમાં છે, પરંતુ તેની પવિત્રતા યથાવત છે. ગુફામાં સ્થાપિત શિવલિંગ ભક્તો માટે શ્રદ્ધાનું કેન્દ્ર છે. સ્થાનિક માન્યતા મુજબ અહીં કરવામાં આવેલા યજ્ઞની ભભૂતી ધારણ કરવાથી દુઃખ-દર્દમાં રાહત મળે છે.
એક માન્યતા એવી પણ છે કે, રામપુરા પાસે ત્રિવેણી સંગમ ખાતે નર્મદા, કીડીમંકોડી અને ગુપ્ત ગોદાવરી નદીઓનું સંગમ થાય છે. આ પવિત્ર સંગમ પરિક્રમાનો આરંભ બિંદુ છે. અહીં સ્નાન અને પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે તેવી પણ માન્યતા રહેલી છે. ઉત્તરવાહિની પરિક્રમા લગભગ ૧૪ કિલોમીટર લાંબી છે, પરંતુ તેની ધાર્મિક મહત્તા અત્યંત વિશાળ છે. આ પરિક્રમા મુખ્યત્વે રામપુરા ઘાટથી કીડીમંકોડી અને શેહરાવ ઘાટ (અંદાજે ૭ કિ.મી.), ત્યારબાદ નદી પાર કરીને તિલકવાડા ઘાટથી રેંગણ ઘાટ સુધી (અંદાજે ૭ કિ.મી.) પસાર થઈ અંતે ફરી રામપુરા ઘાટ પર
પરિક્રમા પૂર્ણ થાય છે.
માન્યતા મુજબ સમગ્ર નર્મદા પરિક્રમા લગભગ ૩૫૦૦ કિલોમીટર જેટલી લાંબી હોય છે, પરંતુ આ ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી મોટી પરિક્રમા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. ચૈત્ર માસ દરમિયાન દર વર્ષે હજારો ભક્તો અહીં આવી પરિક્રમા કરે છે અને આધ્યાત્મિક શાંતિનો અનુભવ કરે છે. નર્મદા કિનારે વસતા લોકો માટે આ નદી જીવનદોરી સમાન છે. આ વર્ષે 19મી માર્ચથી 17 એપ્રિલ-2026 દરમિયાન આ પરિક્રમા ચાલવાની છે.
“રામપુરા ઘાટ, પાંડવ ગુફા અને ત્રિવેણી સંગમ” આ ત્રણેનું સંયોજન આ વિસ્તારને માત્ર ધાર્મિક નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ વિશિષ્ટ ઓળખ આપે છે. અહીંનો દરેક પથ્થર, દરેક તરંગ અને દરેક પગલું શ્રદ્ધા અને ઇતિહાસની સાક્ષી પૂરે છે. તેથી જ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા એ માત્ર યાત્રા નથી, પરંતુ આત્માને સ્પર્શતી અનુભૂતિ છે. રામપુરાની પાંડવ ગુફા અને ત્રિવેણી સંગમ આ યાત્રાને પૌરાણિક ગૌરવ અને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે.
ગુજરાત સરકારે વર્ષ ૨૦૨૬-૨૭ માટે કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગનું રૂ. ૯૭૯ કરોડનું બજેટ રજૂ કર્યું છે. જેમાં 'સ્વદેશી મોલ', ODOP અને કારીગરો માટે ડિજિટલ સહાય જેવી મુખ્ય જાહેરાતો કરવામાં આવી છે.
મહેસાણામાં PM-RAHAT યોજના હેઠળ ગુજરાતનો પ્રથમ કેશલેસ ક્લેમ મંજૂર થયો છે. અકસ્માત પીડિત યુવાનને ₹47,300ની નિઃશુલ્ક સારવાર મળી. જાણો આ યોજનાના ફાયદા અને પ્રોસેસ.
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC) ના અમલીકરણની દિશામાં મોટો વળાંક આવ્યો છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતાવાળી ઉચ્ચ સ્તરીય સમિતિએ પોતાનો વિસ્તૃત અને આખરી અહેવાલ મંગળવારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને સોંપ્યો છે. આ અહેવાલમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મો માટે સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે.