એએસજી હોસ્પિટલમાં રક્તની અછત નિવારવા કલેક્ટર તંત્ર દ્વારા યોજાઇ રક્તદાન શિબિર
કુબેર ભવનમાં રક્તદાન શિબિરમાં મહેસુલી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ કર્યું રક્ત દાન, રક્તદાન પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્રની અપીલ.
વડોદરામાં આવેલી હોસ્પિટલોમાં પડતી રક્તની અછત નિવારવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અભિયાનના ભાગ રૂપે આજે સવારે કલેક્ટર કચેરી પરિસર સ્થિત કુબેર ભવનમાં રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં મહેસુલી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સહિત કર્મયોગીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.
મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી સર સયાજી જનરલ હોસ્પિટલમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના દર્દીઓ પણ સારવાર માટે આવે છે. અહીં પ્રતિદિન ૬૦થી ૭૦ બોટલ રક્તની જરૂરિયાત રહે છે. ઘણી વખત તો એક સો જેટલી બોટલ રક્તની માંગણી રહે છે. વળી, ઘણા કિસ્સાઓમાં એવું પણ બને છે કે સાવ અજાણ્યા દર્દીઓને લોહી ચઢાવવું પડે છે. આવા સંજોગોમાં સરકારી હોસ્પિટલ માટે રક્તદાન કરવું એ મહાપુણ્યનું કર્મ બની રહે છે.
ઉક્ત બાબતોને ધ્યાને રાખીને કલેક્ટર શ્રી અતુલ ગોર દ્વારા સરકારી સંકુલમાં રક્તદાન કેમ્પ યોજવાનો વિચાર પ્રસ્તુત કર્યો હતો અને તેને મહેસુલી અધિકારીઓએ ઝીલી લીધો હતો. પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓ, કલેક્ટર કચેરીના વિવિધ શાખાઓના અધિકારીઓને રક્તદાન કરવા માટેની સમયસારણી ગોઠવી આયોજન કરવામાં આવ્યું હતું. તે મુજબ સૌએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું. આઉટ સોર્સના કર્મયોગીઓ ઉપરાંત મહિલા કર્મયોગીઓ પણ સેવાના આ મહાકાર્યમાં વિશેષ સંખ્યામાં જોડાયા હતા.
રક્તદાન શિબિરમાં નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિ, અધિક કલેક્ટર શ્રી જે. જે. પટેલ, જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી કોમલ પટેલ, નાયબ કલેક્ટર શ્રી મયંક પટેલ, શ્રી વિઠાણી સહિત મામલતદારશ્રીઓ, નાયબ મામલતદારશ્રીઓએ પણ સેવાકાર્યમાં સહભાગી બન્યા હતા. કલેક્ટરશ્રીએ પોતે રક્તદાન કરી પ્રોત્સાહન પૂરૂ પાડ્યું હતું.
કલેક્ટરશ્રીએ અપીલ કરી છે કે, કોઇ દર્દીને તેમની આપત્તિના સમયમાં રક્તદાન થકી સહાય કરવી એ નાગરિકધર્મ છે. રક્તદાન પ્રવૃત્તિને જીવનશૈલીનો ભાગ બનાવવો જોઇએ. કેમકે, દર ત્રણ માસ પછી રક્તદાન કરી શકાય છે. સંસ્થા કે કંપનીનો સ્થાપના દિન, જન્મ દિન કે કોઇ પ્રસંગને સેવાકીય પ્રવૃત્તિનું માધ્યમ બનાવવા માટે રક્તદાન કેમ્પ યોજીને ઉજવણી કરી શકાય છે.
રક્તદાન શિબિર સાંજ સુધી ચાલું રાખવામાં આવી હતી. બપોરના બે વાગ્યા સુધીમાં ૮૦ બોટલ જેટલું રક્તદાન મળ્યું હતું. એસએસજી હોસ્પિટલના ડો. ફરઝાના કોઠારી, ડો. સુમિત ભરડવા, જિલ્લા આરોગ્ય તંત્રના ડો. જ્યોતિ ગોમ્બરેને વ્યવસ્થા સંભાળી હતી.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."