દુધરેજ ધામમાં હર્ષ સંઘવીની ગર્જના: "ગૌ-હત્યારાઓ સામે ઝીરો ટોલરન્સ, 18 ગુનેગારોને આજીવન કેદ"
સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિર ખાતે આયોજિત હોળી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. તેમણે તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત પૂજ્ય કનીરામ બાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમણે ગૌ-હત્યારાઓ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 18 થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સુરેન્દ્રનગરના શ્રી વડવાળા મંદિર, દુધરેજ ધામ ખાતે આયોજિત 'હોળી મહોત્સવ'માં સહભાગી થયા હતા. આ તકે તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા શ્રી કનીરામ બાપુ તેમજ લઘુ મહંત શ્રી નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મંત્રી તરીકે પદભાર સંભાળ્યાના બીજા જ દિવસે મેં ભગવાન વડવાળાના આશીર્વાદ લઈ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો હતો. વધુમાં તેમણે ગૌરવભેર ઉમેર્યું હતું કે, રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધાર અને નક્કર કામગીરીના કારણે છેલ્લા એક વર્ષમાં ૧૮થી વધુ ગૌ-હત્યારાઓને ૭ વર્ષથી લઈને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં થયેલી ગૌ રક્ષા સંબંધિત કામગીરી વિશે વાત કરતા જણાવ્યું કે ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવીને સરકારે ગૌભક્તોની લાગણીનું સન્માન કર્યું છે.
દુધરેજ યાત્રાધામના વિકાસ અંગે મહત્ત્વની જાહેરાત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા સાડા ચાર કરોડ રૂપિયા ઉપરાંત, બીજા બે કરોડ રૂપિયા એમ કુલ ૬.૫૦ કરોડના વિકાસકામો સરકાર દ્વારા કરવામાં આવશે. વધુમાં તેમણે ઉપસ્થિત માલધારી ભાઈ-બહેનો અને ભક્તોને આહવાન કરતાં જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરીએ અને ગૌરક્ષાની નૈતિક જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીએ.
આ તકે નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, ધારાસભ્યશ્રી પી.કે.પરમાર, અગ્રણી સર્વે શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ, હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા કલેક્ટર શ્રી કે.એસ.યાજ્ઞિક, મ્યુનિસિપલ કમિશનર શ્રી નવનાથ ગ્વહાણે, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોએ સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, ઉલટાનું જમીન અને માનવ સ્વાસ્થ્ય સુધરે છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા માનવમંદિર ખાતે હોળીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. તેમણે પર્યાવરણના જતનનો સંદેશ આપતી 'વૈદિક હોળી' ના દર્શન અને પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોળીને અસત્ય પર સત્યના વિજય અને સામાજિક સમરસતાનું પ્રતિક ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનવમંદિરમાં ભગવાનના દર્શન કરી સૌ નાગરિકોને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શાંતિગ્રામ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના નૂતન ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગુજરાત સેમિકન્ડક્ટર અને AI ક્ષેત્રે હબ બની રહ્યું છે, ત્યારે ગુરુકુલ જેવી સંસ્થાઓ સંસ્કાર સાથે આધુનિક ટેકનોલોજીનું જ્ઞાન આપી 'વિકસિત ભારત'ના નિર્માણમાં મહત્વનું યોગદાન આપશે. આ અદ્યતન ભવનમાં 4000 વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને 1500 વિદ્યાર્થીઓ માટે રહેવાની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ કોચિંગ સેન્ટરનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. 21મી સદીના પડકારોને પહોંચી વળવા માટે કૌશલ્ય અને આધ્યાત્મિકતાના સમન્વય પર ભાર મૂકતા આ કાર્યક્રમની સંપૂર્ણ વિગત અહીં વાંચો.