મેશ્વો અને ખારી નદી પર રૂ. ૧,૮૦૭ લાખના ખર્ચે નવનિર્મિત ૦૬ ચેકડેમોનું લોકાર્પણ
આ ચેકડેમોમાં ૪૧.૮૯ MCFT પાણીનો સંગ્રહ થશે, ૩૦થી વધુ ગામના ૩૫૦ હેકટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ.
દહેગામના ધારીસણા ગામ ખાતેથી જળસંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ નવનિર્મિત ૦૬ (છ) ચેકડેમોનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાએ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ધારીસણા ગામ નજીક ખારી નદી પર રૂ. ૨.૩૩ કરોડના ખર્ચે નવનિર્મિત ચેકડેમની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યું હતું.
ગાંધીનગર જિલ્લાના દહેગામ અને ગાંધીનગર તાલુકાના વિવિધ ગામોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ થાય તે હેતુથી તાલુકામાંથી પસાર થતી મેશ્વો અને ખારી નદી પર રાજ્ય સરકાર દ્વારા કુલ રૂ. ૧૮.૦૭ કરોડના ખર્ચે કુલ ૬ ચેકડેમોનું નિર્માણ કરવામાં આવ્યું છે.
આશરે રૂ. ૧૮.૦૭ કરોડના ખર્ચે નવનિર્મિત આ ચેકડેમોમાં કુલ ૪૧.૮૯ મિલિયન ક્યુબિક ફિટ (MCFT) પાણીનો સંગ્રહ થશે. જેના માધ્યમથી આસપાસના ૩૦થી વધુ ગામના ખેડૂતોના ૩૫૦ હેકટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.
આ પ્રસંગે મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, ગુજરાતના ખૂણે ખૂણે સુધી નાગરિકોને પીવાલાયક તેમજ સિંચાઈ માટેનું પાણી પહોંચાડવું એ રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાત પાણીદાર અને દુકાળ હવે ભૂતકાળ બન્યો છે.
મંત્રીશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઉનાળા દરમિયાન ગુજરાતના જે વિસ્તારોમાં હજુ પણ સિંચાઈના પાણીની સમસ્યા ઉભી થતી હશે, તેવા વિસ્તારોમાં ચેકડેમના માધ્યમથી સિંચાઈનું પાણી આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
વિગતો આપતા તેમણે કહ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદી પર ૧૪ ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ ઉપરાંત વાત્રક નદી પર પણ ચાર નવા ચેકડેમ બનાવીને આસપાસના ૧૦ ગામોને સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, મેશ્વો નદી પર એક ચેકડેમ હયાત છે. આ નદી પર આજે નવા બે ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે બે ચેકડેમનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. આટલું જ નહીં, આગામી સમયમાં મેશ્વો નદી પર બીજા ચાર નવા ચેકડેમ બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
ખારી નદી પર પણ હાલમાં ત્રણ હયાત ચેકડેમ ઉપરાંત આજે નવા ચાર ચેકડેમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ખારી નદી પર બીજા ત્રણ નવા ચેકડેમ બનાવવાનું રાજ્ય સરકારનું આયોજન છે.
આ તમામ ચેકડેમોનું કામ પૂર્ણ થતાં ગાંધીનગર અને દહેગામ તાલુકાના ૯૦ થી ૯૫ ગામોના ૫૫૦ હેક્ટરથી વધુ વિસ્તારને સિંચાઈનો લાભ મળશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
આ વેળાએ અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી હસમુખ પટેલ તેમજ દહેગામના ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર અને દહેગામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, દહેગામ નગરપાલિકાના પ્રમુખશ્રી સહિતના પદાધિકારીઓ તેમજ જળસંપત્તિ વિભાગના સચિવ શ્રી પી. સી. વ્યાસ તેમજ મુખ્ય ઈજનેર શ્રી એમ. ડી. પટેલ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે.
પંચમહાલના સાડી સમડી ગામે નકલી દાગીનાની ધોખાધડીથી 22 વર્ષીય પરિણીતાએ કૂવામાં ઝંપલાવી આપઘાત કર્યો. આ ઘટના, ધોખાધડી અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ પર શું દર્શાવે છે? વાંચો વિગતો.
"અમદાવાદમાં રિક્ષા ચાલકો માટે મીટર ફરજિયાત, પોલીસે 28,112 ચાલકો પાસેથી ₹1.56 કરોડનો દંડ વસૂલ્યો. જાણો નિયમ, કાર્યવાહી અને જનતાની પ્રતિક્રિયા."