ગરીબોના નામે ખર્ચાનો ખેલ બંધ કરવા જનતાને નિર્ણય લેવાનો સમય : ગોપાલ ઇટાલિયા
ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સસ્તા અનાજની વિતરણ વ્યવસ્થામાં થતા અતિશય ખર્ચ મુદ્દે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે "સોના કરતાં ઘડામણ મોંઘું" હોવાનો ઘાટ સર્જાયો હોવાના આક્ષેપ સાથે સરકારની નીતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
અમદાવાદ/જૂનાગઢ/ગુજરાત : ગાંધીનગર વિધાનસભામાં થયેલ પ્રશ્નોતરી મામલે મીડિયાને સંબોધતા આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે આજે ગુજરાતની વિધાનસભાના છેલ્લા દિવસે મેં સરકારને પ્રશ્ન પૂછ્યો હતો અને સરકારે મને એનો જવાબ આપ્યો છે. જેમાં બહુ જ ગંભીર ઘટના સામે આવી છે. મેં એવું પૂછ્યું છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સસ્તા અનાજની દુકાનેથી રેશન કાર્ડ ધારકોને ઘઉં આપવા માટે કયા ભાવે, કઈ એજન્સી પાસેથી કેટલા ઘઉં સરકારે ખરીદ્યા. આ જે ઘઉં સરકારે ખરીદ્યા, રાજ્ય સરકારે એ ઘઉંને હેરફેર કરવી પડે. માનો કે રાજ્ય કક્ષાએ ખરીદી કરી હોય તો જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ મોકલવા પડે, તો એની હેરફેર એટલે કે ટ્રાન્સપોર્ટેશન કરવા માટે કેટલો ખર્ચ થયો અને એ ઘઉંને તમે તાલુકા-જિલ્લામાં પહોંચાડ્યા પછી ગ્રાહકો એટલે કે ગરીબ જે લોકો અનાજ લેશે એને વિતરણ કરવા માટે કેટલો ખર્ચ થયો ? અત્યંત આશ્ચર્યજનક ગંભીર આંકડાઓ સામે આવ્યા છે. બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી, એટલે કે એક ફૂટે બાર ઈંચનો ફરક પડ્યો. ગુજરાત રાજ્યની સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ગરીબોને આપવા માટે જે ઘઉં ખરીદ્યા, એ ખરીદીની કિંમત છે પાંચ કરોડ. પાંચ કરોડ રૂપિયાના ઘઉં ખરીદ્યા. પછી એ ઘઉં અલગ અલગ જિલ્લા અને તાલુકામાં પહોંચાડવા માટે ૧૦૦ કરોડ અને વીસ લાખનો ખર્ચ કર્યો. હવે તાલુકા-જિલ્લામાં જે ઘઉં પહોંચી ગયા, એ ઘઉં ગરીબ ગ્રાહકો સુધી પહોંચાડવા માટે 57 કરોડ 71 લાખનો ખર્ચ કર્યો.
વધુમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે એટલે પાંચ કરોડના ઘઉં લીધા, સો કરોડમાં એ ઘઉં તાલુકા-જિલ્લામાં પહોંચાડ્યા અને સત્તાવન કરોડના ખર્ચે એ ઘઉં ગરીબો સુધી પહોંચાડ્યા. આવું સારું કામ ગુજરાતની ભાજપની સરકારે કર્યું છે. વિચાર કરો કે આ તો સોના કરતાં ઘડામણ મોંઘું થઈ ગયું. જો આવી રીતે જ સરકાર કામ કરતી હોય, પાંચ કરોડના ઘઉં અને એને જથ્થાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ સો કરોડ, તો પછી સીધા સીધા રૂપિયા જ ગરીબોને આપી દેતા હોય તો ગરીબોને ઘઉં-ચોખા બધું જ મફત જેમ ભાવે જાય. આ તમામ બાબતો સાબિત કરે છે કે આ સરકાર ભ્રષ્ટાચારથી ભરપૂર છે. દરેક મુદ્દાઓમાં ભ્રષ્ટાચાર કરે છે અને આ ભ્રષ્ટાચાર રોકવા માટે આવનારી સ્થાનિક ચૂંટણીમાં જનતા જાગૃત થઈ ઝાડુનું બટન દબાવે, એવી હું વિનંતી કરું છું.
અમરેલીમાં આયોજિત આમ આદમી પાર્ટીની 'વિજય વિશ્વાસ સભા' માં રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના CM ભગવંત માન એ ભાજપ સરકારના 30 વર્ષના શાસન પર આકરા પ્રહાર કર્યા છે. કેજરીવાલે ખેડૂતોના પાક નુકસાન પેકેજ, મોંઘવારી અને ભ્રષ્ટાચારના મુદ્દા ઉઠાવી પંજાબની જેમ ગુજરાતમાં પણ મફત વીજળી અને મહિલાઓને દર મહિને ₹1,000 આપવાની ગેરંટી આપી છે.
પંજાબ સરકાર દ્વારા ચલાવવામાં આવતા 'ડ્રગ્સ સામે યુદ્ધ' અભિયાન હેઠળ રાજ્યના યુવાનોમાં અભૂતપૂર્વ પરિવર્તન જોવા મળી રહ્યું છે. આ વ્યૂહરચના માત્ર તસ્કરો પર કાર્યવાહી કરવા સુધી મર્યાદિત નથી, પરંતુ વ્યસનનો ભોગ બનેલા યુવાનોને તબીબી સારવાર, કાઉન્સેલિંગ અને ત્યારબાદ રોજગાર સહાય આપીને તેમને સામાજિક મુખ્ય પ્રવાહમાં પાછા લાવવામાં આવી રહ્યા છે.
ગુજરાત વિધાનસભાના અંતિમ દિવસે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ રાજ્યની કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહાર કર્યા છે. સરકાર દ્વારા અપાયેલા જવાબ મુજબ અમદાવાદ અને સુરતમાં અંદાજે 8,000 લોકો પાસે હથિયારના લાયસન્સ છે અથવા તેમણે માંગણી કરી છે.