આગામી ખરીફ સીઝનમાં પ્રાકૃતિક ખેતી અપનાવીને ગુજરાતને ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ : આચાર્ય દેવવ્રત
મે મહિનામાં જ ૪,૨૬,૦૦૦ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી : ક્લસ્ટર્સમાં ખેડૂતોને ઘરઆંગણે અપાતી તાલીમ પદ્ધતિની સફળતા
ગુજરાતમાં મે-૨૦૨૩ સુધીમાં ૫ લાખ, ૩૭ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ઘર આંગણે જઈને પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ
આપવામાં આવી રહી છે. પ્રાકૃતિક ખેતીના પ્રણેતા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આ ખરીફ સીઝનમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે. આવો, આપણે ગુજરાતને
ઝેરમુક્ત કરવા ક્રાંતિ કરીએ.
પ્રાકૃતિક ખેતી માટે સતત પ્રયત્નશીલ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આયોજિત સમીક્ષા બેઠકમાં કૃષિ વિભાગ અને આત્માના અધિકારીઓ સાથે ગુજરાતમાં પ્રાકૃતિક
ખેતીની સ્થિતિની સમીક્ષા કરી હતી. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાય અનિવાર્ય છે. આ માટે ચાર-પાંચ ખેડૂતો ભેગા થઈને ગાય રાખે. રાજ્યની
પાંજરાપોળ અને ગૌશાળાઓ પણ સારી ગુણવત્તાવાળું જીવામૃત અને ઘનજીવામૃત પૂરતા પ્રમાણમાં તૈયાર કરીને ખેડૂતોને ઉપલબ્ધ કરાવે એ માટે પણ તેમણે આહવાન કર્યું હતું.
તાલીમ આપી રહેલા ખેડૂતો પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ બનાવે અને વધુને વધુ ખેડૂતોને પ્રેક્ટીકલ તાલીમ આપે એવું સૂચન પણ તેમણે કહ્યું હતું. પ્રાકૃતિક કૃષિ પેદાશોના
વેચાણ માટે રાજ્યમાં અત્યારે ૧૮૫ કામચલાઉ બજાર છે, અને ૨૪ કાયમી વ્યવસ્થા છે. વેચાણ વ્યવસ્થા વધુ સુદ્રઢ કરવા પણ તેમણે ભાર મૂક્યો હતો.
મે-૨૦૨૩ થી સમગ્ર રાજ્યમાં ૧૦-૧૦ ગામોના ક્લસ્ટર્સ બનાવીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરતા નિષ્ણાત ખેડૂતો દ્વારા જ ઘરઆંગણે તાલીમ આપવામાં આવી રહી છે. સાવ ઓછા ખર્ચે
અસરકારક તાલીમ આપતી આ ઝુંબેશથી સારા પરિણામો મળ્યા છે. માત્ર મે મહિનામાં જ આ રીતે ૪ લાખ, ૨૬ હજાર ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લીધી છે. અત્યાર સુધીમાં
રાજ્યમાં ૧૭ લાખ, ૭૧ હજાર ખેડૂતોને રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીની વિનામૂલ્યે તાલીમ આપવામાં આવી છે.
ગુજરાત વિદ્યાપીઠના રાંધેજા-ગાંધીનગર, દેથલી-ખેડા અને અંભેટી-વલસાડ સહિત મુન્દ્રા- કચ્છ અને સણોસરા-ભાવનગરના કૃષિ વિજ્ઞાન કેન્દ્રોમાં પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવા માટે
કિસાન માસ્ટર ટ્રેનર અને કૃષિ વિભાગ-આત્માના ટેકનીકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ આપવામાં આવી રહી છે. મે-૨૦૨૩ સુધીમાં ૧૬,૨૭૪ કિસાન અને ટેકનિકલ માસ્ટર ટ્રેનર્સને તાલીમ
આપવામાં આવી છે.
આ બેઠકમાં કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી એ. કે. રાકેશ, રાજ્યપાલશ્રીના અગ્ર સચિવ શ્રી રાજેશ માંજુ, 'આત્મા'ના ખાસ ફરજ પરના અધિકારી શ્રી દિનેશ પટેલ, ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર શ્રી ડી. એચ. શાહ, કૃષિ નિયામક શ્રી એસ. જે. સોલંકી, 'આત્મા'ના નિયામક શ્રી પ્રકાશ રબારી, વરિષ્ઠ અધિકારીઓ અને ખેડૂત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."