પાટનગરના આંગણિયે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની શાનદાર સિંદૂર સન્માન યાત્રા સફળ
પ્રચંડ જનશક્તિ,અનેરા ઉત્સાહ અને દેશભક્તિના રંગે રંગાયું ગાંધીનગર. રાજ્યના પાટનગરમાં વડાપ્રધાનશ્રીનું ભવ્યાતિભવ્ય સ્વાગત અભિવાદન.
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ પ્રથમ વખત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પાટનગરના મહેમાન બન્યા છે, તેમના સ્વાગત સન્માનમાં યોજાયેલી સિંદૂર સન્માન યાત્રામાં હજારો મહિલાઓએ ઓપરેશન સિંદૂર બદલ વડાપ્રધાનશ્રીનું સ્વાગત અભિવાદન કરી તેમને સહર્ષ આવકાર્યા હતા.
ગાંધીનગર ખાતે યોજાયેલી આ સન્માન યાત્રામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ તથા કેન્દ્રીય મંત્રી શ્રી સી.આર પાટીલ પણ જોડાયા હતા.
રોડ શો સ્વરૂપની સિંદૂર સન્માન યાત્રાના રૂટ પર પ્રચંડ નારીશક્તિ, દેશભક્તિના ગીતો, રૂટ પર તિરંગો, વિવિધ ઝાંખીઓ, સાંસ્કૃતિક કૃતિઓ, ભારતીય સેનાના શસ્ત્રોની પ્રતિકૃતિઓએ વાતાવરણને ઊર્જાવાન અને મનમોહક બનાવી દેતા આ યાત્રા મહાઉત્સવમાં પરિણમી હતી.
સ્વર્ણિમ પાર્ક એટલે કે અભિલેખાગારથી મહાત્મા મંદિર સુધી યોજાયેલા આ દોઢથી બે કિલોમીટરના રોડ શો દરમિયાન વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડાપ્રધાનનો રોડ શો શરૂ થતાં રોડ શોના રૂટ પર હજારો મહિલાઓએ પરંપરાગત પહેરવેશ,લાલ સાડી અને સિંદુરના શૃંગાર સાથે હાથમાં તિરંગો લઈને માં ભારતીનો જયઘોષ કરતાં વડાપ્રધાન શ્રી મોદી પર પુષ્પવર્ષા કરી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું.
દેશભક્તિના ગીતોના સથવારે આગળ વધી રહેલ ઓપરેશન સિંદૂરના પ્રણેતા પર પુષ્પવર્ષા થકી રાષ્ટ્રપ્રેમ અને દેશભક્તિનો રંગ વધારે જોવા મળતો હતો. વડાપ્રધાનશ્રીની એક ઝલક જોવા માટે અને ઓપરેશન સિંદૂર માટે આભાર અભિનંદન વ્યક્ત કરવા માટે ઉમટેલા શહેરીજનોનું અભિવાદન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઝીલ્યું હતું.
અંદાજે દોઢથી બે કિલોમીટરના ભવ્ય રોડ શોમાં વિવિધ ૧૫ સ્ટેજ પર દેશપ્રેમની થીમ આધારિત અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, તિરંગો, બ્રહ્મોસ મિસાઈલ અને રાફેલ વિમાનોના ટેબ્લો, દેશભક્તિના ગીતો, ભારતીય સેનાના શોર્યને બિરદાવતા પ્લે કાર્ડ/બેનરોના પરિણામે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમની ભાવનાથી ઓતપ્રોત બન્યું હતું. વિવિધ ધર્મ, સમાજ, વર્ગો તેમજ સંસ્થાઓના લોકો સાથે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પણ આ રોડ શોના સ્વાગત કાર્યક્રમમાં સહભાગી થયા હતા.
આ રોડ શોમાં ઓપરેશન સિંદૂરની વિવિધ ઝાંખીઓ, વડાપ્રધાનશ્રી મોદી અને ભારતીય સેનાના જવાનો સાથે તેજસ અને રાફેલ ફાઈટર પ્લેન તેમજ બ્રહ્મોસ મિસાઈલનું કટ આઉટ, સિંદૂર ભરેલો ઘડો, ઓપરેશન સિંદૂરની કેપ, શાસ્ત્રીય નૃત્યો, સ્વાતંત્ર્ય વીરોના પરિવેશ ધારણ કરીને આવેલા વડોદરાના કલાવૃંદો વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. સિંદૂર સન્માન યાત્રામાં નારીશક્તિના વિવિધ સ્વરૂપના દર્શન થયા હતા. રોડ શો પૂર્ણ થયા બાદ લોકો દેશભક્તિના ગીતો પર ઝૂમી ઉઠ્યા હતા, તો ક્યાંક ગરવી ગુજરાતની આગવી સંસ્કૃતિ સમા ગરબા રમીને નાગરિકોએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખની એ છે કે, ગૃહ રાજ્ય મંત્રીશ્રી તથા જિલ્લાના પ્રભારીશ્રી હર્ષ સંઘવી પણ આ વિજયોત્સવ અંતગર્ત પદયાત્રા કરી રોડ શોમાં જોડાયેલા નગરજનોનો ઉત્સાહ વધાર્યો હતો. તથા કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવેની આગેવાનીમાં સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્રપણ આ રોડ શોની વ્યવસ્થામાં સહર્ષ જોડાયું હતું.
ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતા બાદ આગોતરી તૈયારીના ભાગરૂપે ગુજરાતના તમામ જિલ્લામાં સાંજે ૫.૦૦ કલાકે મોકડ્રીલનું આયોજન થશે.
તા.૨૯ મેથી ૧૨ જૂન દરમિયાન યોજાનારા અભિયાન દરમિયાન કૃષિ તજજ્ઞો જિલ્લાના ખેડૂતોને ખેતી વિષયક જાણકારી આપશે.
સુરતના યુવાન એન્ટરપ્રિન્યોર જેમિશ લખાણીએ વિદેશી ગેમ્સને ટક્કર મારે એવી બેટલ રોયલ સ્ટાઈલની સ્વદેશી ગેમિંગ એપ ‘સ્કારફોલ’ બનાવી.