ગીર સોમનાથ પોલીસ દ્વારા ‘સાઈબર ક્રાઈમ અવેરનેસ એન્ડ સિક્યોરિટી’ પર સેમિનાર યોજાયો
'સાઈબર વોલન્ટિયર' બની મદદ કરવા યુવાઓને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાની અપીલ, ડેટાથેફ્ટ, સેક્સટોર્શન, હેકિંગ, સાયબર બુલિંગ, ફાઈનાન્શિયલ ફ્રોડ સહિત સાઈબર ક્રાઈમ અંગે અપાયું માર્ગદર્શન, ઓનલાઈન સાઈબરક્રાઈમની ફરિયાદ અંગે હેલ્પલાઈન નં ૧૯૩૦નો કરવો સંપર્ક.
ગીર સોમનાથ : ગીર સોમનાથ પોલીસ દ્વારા સાઈબર જાગૃતતા અને સિક્યોરિટી તથા સાઈબર વોલન્ટીયર્સ પોલીસને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે અંગે રામમંદિર ઓડિટોરિયમ ખાતે ‘સાઈબર ક્રાઈમ અવેરનેસ એન્ડ સિક્યોરિટી સેમિનાર’ યોજાયો હતો. જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મનોહરસિંહ જાડેજાએ યુવાઓને 'સાઈબર વોલન્ટિયર' બની ડિજિટલ ગુનાઓ પ્રત્યે ગ્રામીણ વિસ્તારો સહિત અન્યને જાણકારી આપવા અપીલ કરી હતી તેમજ મદદનીશ પો.અધિ.શ્રી જીતેન્દ્ર અગ્રવાલે ડેટાથેફ્ટ, સેક્સટોર્શન, હેકિંગ, સાયબર બુલિંગ, ફાઈનાન્શિયલ ફ્રોડ સહિત સાઈબર ક્રાઈમ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
“સાયબર ક્રાઇમથી બચવા માટે સાવચેતી એ જ સલામતી“ સૂત્રને અનુસરતા શ્રી જીતેન્દ્ર અગ્રવાલે ડિજિટલ યુગમાં મહત્વના ડેટા માહિતીની ચોરી, વિવિધ પ્રકારની ફેક લોન એપ્લિકેશન દ્વારા ઠગાઈ, વિવિધ પ્રકારની લોભામણી જાહેરાત, લોટરીનો ઈ-મેઈલ, ફેક એપ અને વેબસાઈટ, વીડિયો કોલિંગ દ્વારા ઠગાઈ સહિત ન્યૂડ વિડિયો કોલથી સેક્સટોર્શન જેવા તમામ પ્રકારના સાયબર ફ્રોડના બનાવો તથા સાયબર સિક્યુરિટી અંગે શું શું કાળજી રાખવી તે વિશે અવગત કરાયા હતાં તેમજ આવા ગુનાઓની વિવિધ ઉદાહરણ દ્વારા સમજૂતી આપી હતી અને સાઈબરક્રાઈમથી બચવાના ઉપાયની વિસ્તૃત છણાવટ કરી હતી.
આ સેમિનારમાં ઉપસ્થિત રહેલા તમામને જણાવાયું હતું કે ડિજિટલ યુગના ફાયદાઓ સામે ગેરફાયદાઓ પણ એટલા જ છે. સોશિયલ મીડિયાના જાગૃત પ્રહરી તરીકે તેમજ દેશના નાગરિકની જવાબદારી તરીકે સાઈબર વોલન્ટિયર્સ પોલીસને મદદરૂપ થઈ શકે છે. જે માટે નેશનલ સાઈબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) https://cybercrime.gov.in/ પર લોગઈન કરી રજીસ્ટ્રેશન કરી શકાય છે. આ દરમિયાન ગીર સોમનાથ પોલીસ દ્વારા તથા ઓનલાઇન નાણાકીય છેતરપિંડીમાં ભોગ બનનારના કુલ. ૨૪,૫૫,૬૬૦/- રૂ પરત અપાવેલ તે માહિતી આપી ડિટેક્ટ કરેલ સાઈબર કેસની પણ વિગતો આપવામાં આવી હતી.
આ તકે, એસઓજી પીઆઈશ્રી એ.બી.જાડેજા, ના.પો.અધિ.શ્રી વી.આર.ખેંગાર, પ્રભાસ પાટણ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી મકવાણા સહિત પોલીસ કર્મચારીશ્રીઓ તેમજ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
"વલસાડમાં ભાજપ કાર્યકર્તા ચેતન ઠાકુરે કેક શોપમાં ધમાલ મચાવી, દુકાન માલિકને માર મારી. પોલીસે ધરપકડ કરી છે. જાણો સમગ્ર ઘટનાની વિગતો."
"અમદાવાદના ઓર્ચિડ એપાર્ટમેન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી, 27 લોકોનું સફળ રેસ્ક્યૂ. એર-કન્ડિશનરના યુનિટમાંથી શરૂ થયેલી આગે ગભરાટ સર્જ્યો. જાણો ફાયર બ્રિગેડની કામગીરી અને લેટેસ્ટ અપડેટ્સ."
"વાપી GIDCમાં અમોલી ઓર્ગેનિક કંપનીમાં થયેલા ભીષણ બ્લાસ્ટમાં એક કામદારનું મોત, એક ગંભીર રીતે ઘાયલ. પોલીસે તપાસ શરૂ કરી, સરકારી તપાસની માંગ. વધુ વિગતો જાણો."