ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેક – ગઢવીના ભાજપ પર આકરા પ્રહાર
ગીર સોમનાથમાં શિક્ષકે SIRના દબાણથી આપઘાત કર્યો, કપડવંજમાં હાર્ટ એટેકથી મોત. ઈસુદાન ગઢવીએ ભાજપ પર આરોપ લગાવ્યો – “ચૂંટણી જીતવા શિક્ષકોનો જીવ લઈ રહ્યા છે”
અમદાવાદ/ગીર સોમનાથ/ખેડા/ગુજરાત : ગીર સોમનાથમાં એક શિક્ષકે BLOની કામગીરીના ભારણને લઈને આપઘાત કરતા હોવાની સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ કરીને આપઘાત કરી લેતા અને કપડવંજમાં પણ એક શિક્ષકનું BLOની કામગીરીના ભારણથી એટેક આવી જવાથી મૃત્યુ થતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથમાં એક BLOએ સરકારે જે SIRની ટૂંક સમયમાં કરવાની કામગીરી આપી છે તેના ભારણને લઈને એક શિક્ષકે આપઘાત કર્યો છે. કપડવંજમાં પણ SIRના કામના ભરણને લઈને એક શિક્ષકને એટેક આવી જતા તે પણ મૃત્યુ પામ્યા છે. પ્રભુ એ તમામની આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના કરું છું. હું ભાજપને કહેવા માગું છું કે તમે શું કરવા માંગો છો. પાંચ કરોડ મતદારો છે એક મહિનામાં BLO બધાના ઘરે જઈ આવે એવું તમે ઇચ્છો છો. તમે એમને બધું જ કામ મુકાવી દીધું છે. આટલી બધી ઉતાવળની શું જરૂર હતી? SIRની પ્રક્રિયા તમે ત્રણ થી છ મહિના સુધી ચાલવા દો તમને શું વાંધો છે? પરંતુ તમારે ચૂંટણી જીતવાની લાહ્ય છે. ભાજપ સત્તાની ભૂખી છે અને ચૂંટણીઓ જીતવાની ભૂખી છે. ભાજપને માણસ મરે, બાળકો ભણે કે ન ભણે એનાથી કોઈ મતલબ નથી અને એના પરિણામે એક શિક્ષકે આપઘાત કર્યો છે. ઘણા બધા BLO તણાવમાં છે. ઘણા BLOઓ ઉપર ખોટી કામગીરી કરવા માટે દબાણ કરવામાં આવે છે. તમે શિક્ષકોને BLOને ઢગલા બંધ કામગીરી આપી દીધી છે. તેઓ 90 પ્રકારની કામગીરી કરે છે.
AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના દીકરાઓ પ્રાઇવેટ સ્કુલમાં અને વિદેશમાં ભણે છે અને જે જગ્યાએ ગરીબના દીકરાઓ ભણે છે એ સ્કૂલના શિક્ષકો BLO અને SIRની કામગીરીના કારણે સ્કૂલમાં હાજર નથી. શૈક્ષણિક કાર્ય અત્યારે ખોરંભે ચડી ગયું છે. એ બાળકો અત્યારે શિક્ષકને શોધે છે, શિક્ષકો મતદારોને શોધે છે અને મતદારો ચૂંટણીમાં પોતાનું નામ શોધે છે. કેવા નાટકો તમે શરૂ કર્યા છે? તમારે કેમ્પેઈન ચલાવવાની જરૂર હતી તો અલગ પ્રકારની વ્યવસ્થા હતી જ. દર વખતે ચૂંટણીના બે મહિના પહેલા જેના નામ કમી રહી ગયા હોય, જેને પોતાનું નામ એડ કરાવવું હોય એ કામગીરી કરવામાં આવે છે. આ બધા ધંધા કરીને તમને એવું લાગે છે કે તમે ગરબડ કરીને ચૂંટણીઓ જીતશો. આ ભાજપના કારણે એક મહિનામાં SIRની પ્રક્રિયા પૂર્ણ કરવાના નિર્ણયને કારણે BLOએ આપઘાત કરવો પડ્યો છે. હું તમામ BLOને વિનંતી કરું છું તમે જરા પણ ચિંતા કરશો નહીં. કદાચ એક મહિનામાં SIRની કામગીરી પૂર્ણ નહીં થાય તો આમ આદમી પાર્ટીના હજારો-લાખો કાર્યકર્તાઓ તમારી વ્હારે આવશે. તમારા ઉપર કોઈ પણ દબાણ નાખે તો અમારો સંપર્ક કરજો. આ સરકારને કોઈ પણ ભોગે ચૂંટણી જીતવાથી જ મતલબ છે.
ભાજપને ખબર છે કે ફેબ્રુઆરીમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, પાલિકા-મહાનગરપાલિકાની ચૂંટણીઓ થવાની છે એને પાછી ફેલાવવા માટે અને SIRમાં ગરબડ કરી પાછી ચૂંટણી જીતી માહોલ બનાવવામાં માહિર ભાજપ તમારા ઉપર દબાણ કરી રહી છે .પરંતુ તમે ચિંતા કરશો નહીં તમે અમારો સંપર્ક કરજો અને જો તમારા ઉપર ખોટા કાર્ય કરવાનું દબાણ કરે તો પણ અમારો સંપર્ક કરજો. મારી વિનંતી છે કે કોઈપણ શિક્ષક આવું પગલું ભરે નહીં મને ખબર છે જો કોઈ BLO હાજર થાય નહીં તો એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે. શિક્ષકના પદ પરથી ફરજ મુક્ત કરી દેવામાં આવે છે એવા લોકોની સાથે પણ આમ આદમી પાર્ટી ઉભી છે. હું ફરીથી ભાજપને કહું છું કે તમે વિચારી લો શિક્ષકો ઉપર આટલું પ્રેશર કરશો નહીં. SIRની આ કામગીરી વેકેશનમાં થઈ શકશે અત્યારે જે ચૂંટણી આવી રહી છે એને પતી જવા દો અને શિક્ષકોને જે મધ્યમ અને ગરીબ ઘરના બાળકો સરકારી શાળામાં અભ્યાસ કરે છે એમને ભણાવવા દો.
આમ આદમી પાર્ટી (AAP) ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સજ્જ છે. ઈસુદાન ગઢવીએ 12,000 બેઠકો પર મજબૂત ઉમેદવારો ઉતારવાની અને ટૂંક સમયમાં યાદી જાહેર કરવાની જાહેરાત કરી.
ગુજરાત વિધાનસભાને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે તમામ ધારાસભ્યોને ગૃહની બહાર ખસેડવામાં આવ્યા હતા. આ મામલે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ સરકાર અને ગૃહ વિભાગ સામે રોષ ઠાલવ્યો છે. તેમણે જણાવ્યું કે અગાઉ પણ હાઈકોર્ટ, શાળાઓ અને કોલેજોને આવી અનેક ધમકીઓ મળી છે, પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ થઈ નથી.
આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ ગુજરાત વિધાનસભામાં સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે 240 કરોડ ફાળવવા છતાં સરકાર ગૃહમાં ચર્ચાથી ભાગી રહી છે. ઇટાલીયાએ ધારાસભ્યોને મળતી અઢી કરોડની ગ્રાન્ટમાં અસમાનતાનો મુદ્દો ઉઠાવી, ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે અલગ ગ્રાન્ટ પદ્ધતિની માંગ કરી છે.