સરકાર વિધાનસભામાં વાહવાહી કરે છે, પરંતુ અનેક ખેડૂતો સહાય વંચિત: ગોપાલ ઇટાલિયા
હસનાપુર ગામમાં આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી અને વિધાનસભામાં સરકાર વાહવાહી લૂંટે છે : ઇટાલિયા
અમદાવાદ : વિધાનસભામાં ખેડૂતોના મુદ્દે રજૂઆત કરવા અંગે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે 24 ફેબ્રુઆરી, 2026ના વિધાનસભાના દિવસે નાણામંત્રીએ બજેટ સાથે પૂરક બજેટ પણ રજૂ કર્યું હતું. આજનો દિવસ પૂરક માંગણીઓ પર ચર્ચાનો હતો. ચર્ચા દરમિયાન નાણામંત્રીએ તથા સરકાર તરફના અન્ય આગેવાનોએ સરકારની વાહવાહી કરતાં નિવેદનો આપ્યા કે ભાજપ સરકારે ખેડૂતોને માવઠામાં ખૂબ સહાય આપી અને તેમને આબાદ કરી દીધા વગેરે પ્રકારની વાતો ગૃહમાં કરવામાં આવી. પરંતુ મેં મારા વિસાવદર મતવિસ્તારના ખેડૂતોના પ્રશ્નો રજૂ કર્યા. માવઠા દરમિયાન થયેલ નુકસાનમાં અનેક કિસ્સાઓમાં ફોર્મ ભરાયા નથી, કેટલાક કિસ્સાઓમાં ફોર્મની પહોંચ આપવામાં આવી નથી, તો ક્યાંક ઈરાદાપૂર્વક સરકારના ઓનલાઈન પોર્ટલમાં ખોટા આંકડા દાખલ કરવામાં આવ્યા છે. પરિણામે વિસાવદર સહિત સમગ્ર ગુજરાતના હજારો ખેડૂતોને હજી સુધી માવઠાની સહાય મળી નથી. વિસાવદરના સરદારપુર ગામના કેશુભાઈ શંભુભાઈ કાછડિયા, કુબરાવનીના અજયભાઈ પિપલિયા, ભેંસાણના મનજીભાઈ ઉડાણી, વલ્લભભાઈ કડવાભાઈ રૂપારેલિયા, ખાખરાના સુરેશભાઈ આસોદરિયા, અરણીયાના ધીરુભાઈ જીવનભાઈ ભાયાણી, મોણિયાના ગોવિંદભાઈ પંજાભાઈ ગાજીપરા સહિત અનેક ખેડૂતોને સહાય મળી નથી. હસનાપુર ગામમાં તો આખા ગામે ફોર્મ ભર્યા છતાં એકપણ ખેડૂતને નવેમ્બર-ડિસેમ્બરના માવઠાની સહાય મળેલી નથી. છતાં વિધાનસભામાં એવી વાહવાહી થાય છે જાણે ખેડૂતોને ખજાનો લૂંટાવી દીધો હોય. આ માત્ર વિસાવદરનો દાખલો છે. સમગ્ર ગુજરાતના અનેક ખેડૂતોને માવઠાની સહાય મળી નથી. આ મુદ્દે પૂરક માંગણીઓ પર ચર્ચા દરમિયાન મેં વિગતવાર રજૂઆત કરી.
ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સ્વ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે “મુખ્યમંત્રી કિસાન સહાય યોજના” જાહેર કરી હતી. આ યોજના હેઠળ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અથવા કમોસમી વરસાદ (માવઠું)થી થયેલ પાક નુકસાનનું ટૂંક સમયમાં વળતર ચૂકવવાનું હતું. પરંતુ આજદિન સુધી આ યોજના અમલમાં મુકાઈ નથી. પરિણામે ખેડૂતોને નુકસાનનું વળતર હકરૂપે નહીં પરંતુ પેકેજ સ્વરૂપે મળે છે. ખેડૂતો ભીખ નથી માંગતા, તેઓ પોતાનો અધિકાર માંગે છે. યોજનાના અમલના અભાવે ખેડૂતોને 100 ટકા વળતર મળતું નથી. હાલ પેકેજની જાહેરાત કરીને સરકાર પોતાની વાહવાહી કરે છે. ઉપરાંત, જે ખેડૂતો બીજાનું ખેતર ભાગે રાખીને ખેતી કરે છે તેમને કોઈ વળતર મળતું નથી. આ ઉપરાંત, વિસાવદર તાલુકાના ભરડિયા ગામના સરકારી દવાખાનામાં શૌચાલયના નળની ગેરવ્યવસ્થા જેવા મુદ્દા પણ વિધાનસભા સુધી લાવવા પડે છે, જે દુઃખદ છે. એક તરફ કરોડોની વાતો થાય છે અને બીજી તરફ મૂળભૂત સુવિધાઓ પણ યોગ્ય રીતે ઉપલબ્ધ નથી. વિશ્વગુરૂ બનવાની વાતો થાય છે, પરંતુ દવાખાનામાં નળ, દરવાજા અને શૌચાલયની યોગ્ય વ્યવસ્થા નથી. ભરડિયા ઉપરાંત ઘરાસણ, માટિયા, જેતલવડ સહિત અનેક ગામોના સરકારી દવાખાનાના બાંધકામ સમયસર પૂર્ણ થતા નથી. જ્યાં બાંધકામ થાય છે ત્યાં ભ્રષ્ટાચારના આક્ષેપો છે. દવાખાના જ બીમાર હોય તો દર્દીઓ ક્યાં જશે? આ મુદ્દે મેં આરોગ્ય વિભાગનું ધ્યાન દોર્યું છે.
પાણી પુરવઠા વિભાગની માંગણીઓ અંગે પણ ચર્ચા થઈ. મારા મતવિસ્તારના કરિયા, છેલણકા, મોટીમોણપરી, જામકા, હરિપુર, પરભાવાળી, પ્રદેશાતપુર, ખંભાળિયા, સામતપરા અને ભાટદામ ગામોમાં અત્યંત જર્જરિત પાણીની ટાંકી છે. નવી ટાંકી બનાવવી તો દૂર, જૂની તોડવાની કામગીરી પણ થતી નથી. હું ધારાસભ્ય બન્યો ત્યારથી કરિયા, છેલણકા, મોટીમોણપરી અને જામકા ગામની ટાંકી તોડવા અંગે કલેક્ટર, ડીડીઓ, તાલુકા વિકાસ અધિકારી અને વાસ્મુના અધિકારીઓને અનેક રજૂઆતો કરી છે, છતાં કાર્યવાહી થતી નથી. દસ ગામોની જર્જરિત ટાંકી તોડવામાં પણ વહીવટી તંત્ર નિષ્ફળ જાય છે, તો નવી ટાંકી ક્યારે બનશે એ પ્રશ્ન છે. આ ઉપરાંત સરકારે સામાન્ય વહીવટ વિભાગના નાયબ સચિવની સહીથી એક પરિપત્ર બહાર પાડ્યો છે કે વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વિપક્ષ દ્વારા કરવામાં આવતા આક્ષેપોનો જવાબ આપવા દરેક વિભાગમાંથી નાયબ સચિવ અથવા સંયુક્ત સચિવ કક્ષાના અધિકારીને નોડલ ઓફિસર તરીકે નિમવામાં આવે. એટલે હવે વિપક્ષના સવાલનો જવાબ મંત્રી નહીં, પરંતુ અધિકારી આપશે? જો અધિકારીઓ સીધા જવાબ આપતા હોત, કામ કરતા હોત, તો અમારે વિધાનસભામાં ટાંકી તોડવાના કે દવાખાનાના પ્રશ્નો ઉઠાવવાની જરૂર ન પડતી. પરંતુ અધિકારીઓ યોગ્ય પ્રતિસાદ આપતા નથી, તેથી વિધાનસભામાં પ્રશ્ન ઉઠાવવા મજબૂર થવું પડે છે.
આમ આદમી પાર્ટી ગુજરાત
સ્થાનિક સમસ્યાઓ ઉકેલવા ગયેલા AAP નેતા પર હુમલો થતા કાનૂની અને લોકશાહી લડત ચાલુ રહેશે : ગૌરી દેસાઇ
લોકોની ફરિયાદ સાંભળવા ગયેલી AAP નેતા પર પથ્થર-લાફા, કાર તોડી. મનોજ સોરઠીયા: 30 વર્ષથી કામ ન કરી શકતા ભાજપ હવે હિંસા કરે છે.
નર્મદા પરિયોજનાનું પાણી આદિવાસી વિસ્તારો સુધી પહોંચાડવાની માંગ, જંગલ વિસ્તારમાં રોડ કામો, અટકાવેલા બ્રિજ, રોડ અને રિસરફેસિંગના કામો તેમજ પ્રજાલક્ષી પ્રશ્નોને લગતા પ્રશ્નોને પુરા કરવા કરતા AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉગ્ર માંગણી.