દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે દેવદૂત બન્યા ધીરજ અને મમતા જૈન
દુબઈમાં ફ્લાઈટ રદ થતા ફસાયેલા પ્રવાસીઓ માટે જૈન દંપતીએ ફાર્મ હાઉસના દ્વાર ખોલ્યા. જાણો આ અનોખા સેવા યજ્ઞની કહાની.
(વિશેષ અહેવાલ : જ્યોતિ પટેલ)
યુદ્ધ જેવી સ્થિતિ અને ફ્લાઈટ્સ રદ થવાને કારણે ફસાયેલા સેંકડો પ્રવાસીઓ માટે ધીરજ અને મમતા જૈને પોતાના ફાર્મ હાઉસના દ્વાર ખોલી દીઈ સનાતન ધર્મના સેવા પરમો ધર્મ ના સિધ્ધાંત ને આત્મસાત કર્યો છે.
દુબઈમાં તાજેતરમાં સર્જાયેલી કટોકટી અને મિસાઈલ હુમલાના ભય વચ્ચે જ્યારે સેંકડો ભારતીય પ્રવાસીઓ એરપોર્ટ અને હોટલોમાં ફસાઈ ગયા હતા, ત્યારે રાજસ્થાનના મૂળ વતની- ભારતીય અને દુબઈ સ્થિત ઉદ્યોગપતિ ધીરજ જૈન અને તેમના પત્ની મમતા જૈને માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાના 'જૈનમ જીવિકા ફાર્મ હાઉસ'ને એક આશ્રયસ્થાનમાં ફેરવી નાખ્યું અને મુશ્કેલીમાં મુકાયેલા લોકોને નિઃશુલ્ક રહેવા-જમવાની સુવિધા પૂરી પાડી.
દુબઈમાં ફ્લાઈટ્સ રદ થવાને કારણે અને સુરક્ષાના કારણોસર ઘણા ભારતીય પરિવારો અધવચ્ચે અટવાઈ પડ્યા હતા. ઘણા પ્રવાસીઓ પાસે હોટલના બિલ ચૂકવવાના કે ખાવાના પણ પૈસા બચ્યા નહોતા. અત્યંત દયનીય કપરી પરિસ્થિતિ માં ધીરજ જૈને સોશિયલ મીડિયા અને સંપર્કો દ્વારા જાહેરાત કરી કે જે પણ ભારતીય ફસાયેલા છે તેઓ તેમના ફાર્મ હાઉસ પર આવી શકે છે. તેમણે માત્ર આશ્રય જ નહીં, પરંતુ એરપોર્ટ અને હોટલોથી લોકોને લેવા માટે પોતાની ગાડીઓ પણ મોકલી હતી.
સંવાદદાતા જ્યોતિ પટેલના જણાવ્યા મુજબ ફાર્મ હાઉસ પર ૫૦૦ જેટલા લોકો એકસાથે રોકાયા હતા. જૈન પરિવારે આ તમામ લોકો માટે રહેવા માટે ગાદલા, બ્લેન્કેટ અને પૌષ્ટિક શુદ્ધ શાકાહારી ભોજનની વ્યવસ્થા કરી હતી. વીડિયોમાં પ્રવાસીઓ ભાવુક થઈને જણાવી રહ્યા છે કે, "જ્યારે અમને કોઈ મદદ નહોતી મળી રહી, ત્યારે આ પરિવાર અમારા માટે ભગવાન બનીને આવ્યો." ફાર્મ હાઉસમાં 11 બેડરૂમ, મોટા હોલ અને વધારાના ટેન્ટ લગાવીને 500 લોકોની ક્ષમતા ઊભી કરવામાં આવી હતી.
નિઃશુલ્ક સેવા: રહેવા, જમવા કે પિક-અપ માટે એક પણ રૂપિયો લેવામાં આવ્યો નથી કે નથી કોઈની પાસેથી દાનની રકમ મેળવી. ધીરજ જૈને કોઈ પણ પ્રકારનું ડોનેશન લેવાનો પણ ઇનકાર કરી દીધો હતો.
ઘર જેવું વાતાવરણ: ફાર્મ હાઉસ પર માત્ર જમવાનું જ નહીં, પણ લોકોનો તણાવ દૂર કરવા માટે યોગ, મેડિટેશન, ઈન્ડોર ગેમ્સ અને મ્યુઝિકની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
તબીબી સહાય: ફસાયેલા વૃદ્ધો અને બાળકો માટે મેડિકલ કેમ્પ અને કાઉન્સેલિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવાઈ હતી.
કટોકટીનું વ્યવસ્થાપન: જૈન પરિવારે અગાઉથી જ 10,000 થી વધુ લોકોના ભોજનની તૈયારી કરી રાખી હતી જેથી કોઈ પણ પરિસ્થિતિને પહોંચી શકાય.
પરિવારનો સાથ: ધીરજ જૈનનો આખો સ્ટાફ અને પરિવાર દિવસ-રાત લોકોની સેવામાં રોકાયેલો રહ્યો હતો.
અકલ્પનિય અદ્દભુત - પ્રેરણાદાયી સેવા યજ્ઞની ધુણિ ધખાવનાર ધીરજ જૈન અને મમતા જૈન કહે છે કે હું ઉનામાં હતો ત્યારે પણ વિવિધ સેવાકીય કાર્યોમાં ભાગ લેતો હતો. મારા માતાપિતા અને ગુરુદેવ એ સંસ્કારવું સિંચન કર્યું છે અને સેવા પરમો ધર્મ ને અનુસરવા પ્રયાસ કરીએ છીએ.
આજે સ્વાર્થી દુનિયામાં કોઈ સ્વાર્થ વગર સેવા કરવા તૈયાર થતા નથી. જ્યારે લાખો દિનાર ખર્ચ કરીને સેવા કરનાર ધીરજ જૈન અને મમતા જૈન કહે છે કે અમે કોઈ ઉપકાર કર્યો નથી, અમને તો સેવા કરવાની તક ભગવાને આપી છે, એટલે ભગવાન અને માતાપિતાને ધન્યવાદ આપીએ છીએ. મારી કંપનીના કર્મચારીઓ એ પણ ખૂબ ઉત્સાહથી સમર્પિતતાના ભાવથી સેવા કરી છે. અમારા પુત્ર પુત્રી જૈનમ અને જીવીકાએ પણ ઉત્સાહથી સેવા યજ્ઞમાં ભાગ લીધો હતો
ફાર્મ પર રોકાયેલા ૫૦૦ ભારતીય પ્રવાસીઓએ કલ્પના કરતાં પણ અનેરી સેવાની અનુભૂતિ કરી હતી. તેઓ માત્ર સહારો લેવા આવ્યા હતા પણ જ્યારે ભારત આવવા રવાના થયા તે પહેલાં જાણે જૈન પરિવારના સભ્ય બન્યા હોય તેવી અનુભૂતિ કરી હતી. વિદાય સમયે દરેકની આંખોમાંથી અશ્રુધારા વહેતી હતી, વિદાય સમયે કરુણ દ્રશ્યો સર્જાયા હતા.
આ ઘટનાની અસર માત્ર દુબઈ પૂરતી સીમિત નથી, પરંતુ સોશિયલ મીડિયા દ્વારા સમગ્ર વિશ્વમાં વસતા ભારતીયો સુધી પહોંચી છે. મુસાફરોએ જણાવ્યું કે તેમને એવું લાગતું હતું કે તેઓ કોઈ પિકનિક પર આવ્યા હોય અથવા પોતાના સંબંધીના ઘરે હોય. આ સેવા યજ્ઞએ સાબિત કર્યું કે મુશ્કેલ સમયમાં સંપત્તિ કરતાં સંસ્કાર અને સેવાભાવ વધુ કામ આવે છે.
ધીરજ અને મમતા જૈનની આ કામગીરીએ વિદેશમાં વસતા ભારતીયોની એકતા અને ઉદારતાનું દર્શન કરાવ્યું છે. હાલમાં સ્થિતિ સામાન્ય થઈ રહી છે અને મોટાભાગના પ્રવાસીઓ પોતપોતાના વતન પરત ફરી રહ્યા છે, પરંતુ દુબઈના આ 'રિયલ હીરો'ની વાર્તા કાયમ માટે લોકોના દિલમાં જીવંત રહેશે.
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં પ્રાકૃતિક ખેતીની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યપાલશ્રીએ જણાવ્યું કે કૃષિ યુનિવર્સિટીઓના સંશોધનોએ સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ઘટતું નથી, ઉલટાનું જમીન અને માનવ સ્વાસ્થ્ય સુધરે છે.
સુરેન્દ્રનગરના દુધરેજ વડવાળા મંદિર ખાતે આયોજિત હોળી મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સહભાગી થયા હતા. તેમણે તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત પૂજ્ય કનીરામ બાપુના આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે તેમણે ગૌ-હત્યારાઓ સામે સરકારની ઝીરો ટોલરન્સ નીતિ સ્પષ્ટ કરી જણાવ્યું કે છેલ્લા એક વર્ષમાં 18 થી વધુ ગુનેગારોને આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે.
ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં આવેલા માનવમંદિર ખાતે હોળીના પવિત્ર પર્વની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. તેમણે પર્યાવરણના જતનનો સંદેશ આપતી 'વૈદિક હોળી' ના દર્શન અને પરિક્રમા કરી રાજ્યના નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ હોળીને અસત્ય પર સત્યના વિજય અને સામાજિક સમરસતાનું પ્રતિક ગણાવ્યું હતું. આ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીશ્રીએ માનવમંદિરમાં ભગવાનના દર્શન કરી સૌ નાગરિકોને હોળી-ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી.