પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક શ્રી રામાશ્રય પાંડે દ્વારા અમદાવાદ મંડળના કર્મચારી શ્રી રામરાજ મીણાને તેમના ઉત્કૃષ્ટ કાર્ય, સતર્કતા અને સુરક્ષિત ટ્રેન સંચાલનમાં મહત્વપૂર્ણ યોગદાન બદલ “મેન ઓફ ધ મન્થ” (એપ્રિલ–2026) સંરક્ષા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
શ્રી રામરાજ મીણા ગાંધીધામના બીજી યાર્ડમાં એમ.સી.એફ. (MCF) તરીકે કાર્યરત છે તથા ગાંધીધામમાંથી પસાર થતી માલગાડીઓ તથા યાત્રી ગાડીઓનું રોલિંગ-ઇન અને રોલિંગ-આઉટ પરીક્ષણનું કાર્ય કરે છે. તા.04 એપ્રિલ, 2026ના રોજ ફરજ દરમિયાન તેમણે ટ્રેન સંખ્યા DWLP/MDCC/Cont. ના લોકોથી 11મા ક્રમે આવેલા વેગનના R-4 વ્હીલમાં અસામાન્યતા જોઈ. તેમણે તાત્કાલિક ટ્રેન મેનેજરને જાણ કરી ગાડીને અટકાવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે CTRB (કાર્ટ્રિજ ટેપર રોલર બેરિંગ) ની ગ્રીસ સીલ ખસી ગઈ હતી. વિસ્તૃત નિરીક્ષણ અને જરૂરી સુરક્ષા પગલાં લીધા બાદ ગાડીને એસ્કોર્ટિંગ તથા ગતિ મર્યાદા સાથે બીજી યાર્ડ સુધી લઈ જવામાં આવી હતી અને સંબંધિત વેગનને વ્હીલ બદલવા માટે સિક લાઇનમાં અલગ કરવામાં આવ્યો હતો.
શ્રી રામરાજ મીણાની સતર્કતા અને ફરજ દરમિયાન કરવામાં આવેલી સૂક્ષ્મ તપાસને કારણે આ ગંભીર ખામી સમયસર શોધી શકાઈ, જેના પરિણામે તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી શક્ય બની. તેમની જાગરૂકતા, દૂરંદેશી અને સમર્પણ રેલવે સેવાના ઉચ્ચ ધોરણો તથા સુરક્ષિત રેલ સંચાલન પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.