રાજપીપળા : જીવનમાં બનતી અણધારી દુર્ઘટનાઓ માત્ર પરિવારના સભ્યને ગુમાવવાનો અસહ્ય આઘાત જ નથી આપતી, પરંતુ પરિવાર સામે ગંભીર આર્થિક પડકારો પણ ઊભા કરે છે. આવા કપરા સમયે નાણાકીય સુરક્ષા પરિવાર માટે મહત્વપૂર્ણ આધાર બની રહે છે. આ દિશામાં ગ્રાહક કલ્યાણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા નિભાવતા બેંક ઓફ બરોડાએ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL)ની સહાયક કંપની મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના અવસાન પામેલા કર્મચારીના નોમિનીને બેંકના સેલેરી પેકેજ હેઠળ મળવાપાત્ર ₹1.25 કરોડનો અકસ્માત વીમા દાવો સફળતાપૂર્વક ચૂકવ્યો છે.
અવસાન પામેલા કર્મચારીનું સેલેરી એકાઉન્ટ GUVNL સાથેની બેંક ઓફ બરોડાની સેલેરી બેંકિંગ વ્યવસ્થા હેઠળ સંચાલિત હતું. આ પેકેજમાં સમાવિષ્ટ અકસ્માત વીમા સુરક્ષાના લાભરૂપે તેમના પરિવારને આર્થિક સહાય પ્રાપ્ત થઈ, જે કપરા સમયમાં પરિવાર માટે મહત્વપૂર્ણ આધારરૂપ બની છે.
અવસાન પામેલા કર્મચારીના નોમિનીને ₹1.25 કરોડનો ચેક GUVNL અને MGVCLના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં બેંક ઓફ બરોડાના ઝોનલ ઓફિસ, વડોદરાના ઉપ મહાપ્રબંધક શ્રી લક્ષ્મીકાંત, બરોડા ડિસ્ટ્રિક્ટ રિજનના રિજનલ હેડ શ્રી સુરેન્દ્ર શર્મા તથા સહાયક મહાપ્રબંધક (સરકારી વ્યવસાય) શ્રી કુશલ સી. પરીખના હસ્તે અર્પણ કર્યો હતો.
બેન્કના ઉપ મહાપ્રબંધક શ્રી લક્ષ્મીકાંતે જણાવ્યું હતું કે, બેંક ઓફ બરોડાની પ્રતિબદ્ધતા માત્ર બેંકિંગ સેવાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ ગ્રાહકો અને તેમના પરિવારને વધારાની નાણાકીય સુરક્ષા ઉપલબ્ધ કરાવવાની પણ છે. સેલેરી પેકેજ સાથે જોડાયેલી વીમા સુવિધાઓ અણધાર્યા સંજોગોમાં પરિવારને આર્થિક બળ પૂરું પાડે છે, જે ગ્રાહક કલ્યાણ પ્રત્યે બેંકની સંવેદનશીલ અભિગમનું પ્રતિબિંબ છે.
ઉલ્લેખનીય છે કે, સરકારી અને જાહેર ક્ષેત્રના અનેક કર્મચારીઓના સેલેરી એકાઉન્ટ સાથે વિવિધ પ્રકારની વીમા અને અન્ય નાણાકીય સુરક્ષા સુવિધાઓ જોડાયેલી હોય છે. કર્મચારીઓએ પોતાના સેલેરી પેકેજ હેઠળ ઉપલબ્ધ લાભોની જાણકારી રાખવી અને જરૂરિયાત મુજબ નોમિનીની વિગતો સમયસર અપડેટ રાખવી પણ એટલી જ જરૂરી છે, જેથી જરૂરિયાતના સમયે પરિવારને આવા લાભો સરળતાથી મળી શકે.