મુખ્ય સામગ્રી પર જાઓ

ભાવનગરના વિકાસને નવી ગતિ: રૂ. ૧,૮૫૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગરમાં રૂ. ૧,૮૫૦ કરોડના વિકાસકામોની સમીક્ષા બેઠક યોજાઈ. પાણી, ડ્રેનેજ અને માળખાકીય સુવિધાઓના પ્રોજેક્ટ્સ વિશે જાણો અહીં.

ભાવનગરના વિકાસને નવી ગતિ: રૂ. ૧,૮૫૦ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા બેઠક યોજાઈ

ભાવનગર શહેરના સર્વાંગી વિકાસને નવી ગતિ આપવા અને પ્રજાલક્ષી પાયાની સુવિધાઓ વધુ સુદ્રઢ અને આધુનિક બનાવવા આજે ભાવનગરમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્યના કૃષિ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાવનગર મહાનગરપાલિકા હસ્તકના અંદાજે રૂ.૧,૮૫૦ કરોડના વિવિધ મલ્ટી-ડાયમેન્શનલ વિકાસકામોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી.

 

બેઠકમાં ભાવનગર શહેરના ભૌતિક અને સામાજિક આંતરમાળખાથી લઈને નાગરિકોની સુવિધા સુધીના તમામ પાસાઓ પર સઘન ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

 

બેઠકના પ્રારંભે મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ મહાનગરપાલિકાના જુદા જુદા વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રોજેક્ટ્સની વર્તમાન સ્થિતિ અંગે પ્રગતિ અહેવાલ મેળવ્યો હતો. મંત્રીશ્રીએ સ્પષ્ટ સૂચના આપી હતી કે, જનતાના ટેક્સના નાણાંનો શ્રેષ્ઠ સદુપયોગ થાય અને ભાવનગરના નાગરિકોને ગ્લોબલ સ્તરની આધુનિક સુવિધાઓ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ બને તે માટે વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખે એક ટીમ તરીકે પરસ્પર સંકલન સાધીને કામ કરવાનું છે.

 

આ સમીક્ષા બેઠકમાં વોટર વર્ક્સ વિભાગના અંદાજે રૂ. ૫૩૪ કરોડના કામો, ડ્રેનેજ વિભાગના અંદાજે રૂ. ૪૫૪ કરોડના કામો, બિલ્ડીંગ વિભાગના અંદાજે રૂ. ૪૪૦ કરોડના કામો, યોજના વિભાગના અંદાજે રૂ. ૨૭૨ કરોડના કામો તેમજ ગંગાજળિયા વેજીટેબલ માર્કેટ રિ-ડેવલપમેન્ટના અંદાજે રૂ. ૧૫૦ કરોડના કામોને મળી કુલ રૂ. ૧,૮૫૦ કરોડના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી.

 

શહેરના દરેક નાગરિકને પૂરતું અને શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે વોટર વર્કસને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જે અંતર્ગત શહેરમાં નવા બનનારા એલિવેટેડ સ્ટોરેજ રિઝર્વોયર - પાણીની ટાંકીઓ, આધુનિક વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની સ્થાપના તેમજ નવી ડી.આઈ. રાઇઝિંગ લાઇન નાખવા સહિતની વિવિધ જળ વિતરણ યોજનાઓની કામગીરી ઝડપથી આગળ વધારવા માટે મંત્રીશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.

 

ભાવનગર શહેરના સુવ્યવસ્થિત સેનિટેશન અને આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને વોટર લોગિંગની સમસ્યાના કાયમી નિવારણ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નવી ડ્રેનેજ લાઇન તેમજ અત્યાધુનિક સ્ટોર્મ વોટર લાઇન નાખવાના પ્રોજેક્ટ્સને ઝડપથી પૂર્ણ કરવા અંગે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.

 

શહેરની સામાજિક અને માળખાકીય સુખાકારી વધારવા માટે અંદાજે રૂ. ૪૪૦ કરોડના ખર્ચે કટોકટી સેવાઓ માટે નવા અત્યાધુનિક ફાયર સ્ટેશનો, સામાજિક પ્રસંગો માટે સુવિધાજનક કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ, બાળકોના ઉત્કૃષ્ટ અને ડિજિટલ શિક્ષણ માટે સ્માર્ટ આંગણવાડીઓ, યુવાનો અને વાચકો માટે સ્માર્ટ લાયબ્રેરી, ટ્રાફિક વ્યવસ્થાપન સવલત માટે આકર્ષક સર્કલ ડેવલપમેન્ટ, સ્થાનિક આરોગ્ય સુવિધા માટે હેલ્થ સેન્ટર્સ તેમજ રમતવીરો માટે અધ્યતન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના નિર્માણ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરાઈ હતી.

 

ભાવનગરના ભૌગોલિક અને પર્યાવરણીય દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ એવા કંસારા-ગઢેચી વિસ્તારના કાયાકલ્પ અને ત્યાંના પાયાના માળખાકીય વિકાસના જુદા જુદા અગત્યના પ્રોજેક્ટ્સની આયોજનબદ્ધ પ્રગતિ વિશે ઝીણવટભરી ચર્ચા અને આયોજન કરવામાં આવ્યું હતું.

 

ભાવનગરના હાર્દ સમાન અને નાના વેપારીઓની આજીવિકાનું કેન્દ્ર એવી ઐતિહાસિક ગંગાજળિયા વેજીટેબલ માર્કેટના ભવ્ય રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંગે વિસ્તૃત ચર્ચા કરાઈ હતી. રૂ. ૧૫૦ કરોડના ખર્ચે આકાર પામનાર આ પ્રોજેક્ટથી શાકભાજી વિક્રેતાઓ અને ગ્રાહકો બંનેને આધુનિક, સ્વચ્છ અને સુવિધાજનક વાતાવરણ પ્રાપ્ત થશે.

 

બેઠકમાં માર્ગદર્શન પૂરું પાડતા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ તમામ વિભાગના વડાઓ અને અધિકારીઓને તાકીદ કરી હતી કે, તમામ વિકાસકામો નિયત સમયમર્યાદામાં અને સહેજ પણ બાંધછોડ વિના ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થવા જોઈએ. પ્રોજેક્ટમાં કોઈપણ પ્રકારના બિનજરૂરી વિલંબના કારણે જનતાને હાલાકી ભોગવવી ન પડે તેની ખાસ તકેદારી રાખવા તેમણે જણાવ્યું હતું.

 

આ સાથે જ તેમણે ભાવનગર શહેરના સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસના લક્ષ્યાંકને સિદ્ધ કરવા માટે મહાનગરપાલિકાના તમામ વિભાગો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને પ્રશાસનને પરસ્પર ઉત્કૃષ્ટ સંકલન સાધીને કાર્ય કરવા આહવાન કર્યું હતું.

 

આ સમીક્ષા બેઠકમાં ભાવનગરના મહાનગરપાલિકાના મેયર શ્રી ઉષાબેન તલરેજા, ભાવનગર પૂર્વના ધારાસભ્ય શ્રી સેજલબેન પંડ્યા,, ડેપ્યુટી મેયર શ્રી અશોકભાઈ બારૈયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કિસાનભાઈ મહેતા, નવનિયુક્ત કોર્પોરેટરશ્રીઓ તેમજ કમિશનર શ્રી નરેન્દ્રકુમાર મીના સહિત વિવિધ ટેકનિકલ અને વહીવટી વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Tags: જીતુભાઈ વાઘાણી ભાવનગર ભાવનગર સમાચાર ગંગાજળિયા વેજીટેબલ માર્કેટ રિ-ડેવલપમેન્ટ ભાવનગર આંતરમાળખાકીય વિકાસ ભાવનગર મહાનગરપાલિકા વિકાસકાર્યો શહેરના કાયાકલ્પના પ્રોજેક્ટ્સ ભાવનગર મહાનગરપાલિકા સમીક્ષા બેઠક ગુજરાત મહાનગરપાલિકા વિકાસ યોજનાઓ ભાવનગર વિકાસ પ્રોજેક્ટ્સ ૧૮૫૦ કરોડ ભાવનગર વોટર વર્ક્સ અને ડ્રેનેજ પ્રોજેક્ટ

સંબંધિત સમાચાર