મુખ્ય સામગ્રી પર જાઓ

શિક્ષકોના અપમાન મામલે ચૈતર વસાવા લાલઘૂમ: ભાજપ મંત્રી રમેશ કટારાના નિવેદનની સખત નિંદા

ગુજરાતના શિક્ષકોના અપમાન મુદ્દે ચૈતર વસાવાએ ભાજપ પર નિશાન સાધ્યું. મંત્રીના નિવેદનથી જનતામાં રોષ, સંપૂર્ણ રિપોર્ટ અહીં વાંચો.

શિક્ષકોના અપમાન મામલે ચૈતર વસાવા લાલઘૂમ: ભાજપ મંત્રી રમેશ કટારાના નિવેદનની સખત નિંદા

અમદાવાદ / નર્મદા / ભરૂચ / ગુજરાત : ભાજપ સરકારના મંત્રી રમેશ કટારા દ્વારા શિક્ષકો મુદ્દે જે નિવેદન કરવામાં આવ્યું હતું, તેની નિંદા કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ગતરોજ રાજ્ય સરકારના મંત્રી દ્વારા જાહેર મંચ પરથી શિક્ષકોને લઈને નિવેદન આપવામાં આવ્યું છે. સરકારના મંત્રીના આ નિવેદનથી સરકારની માનસિકતા છતી થાય છે. આ ફક્ત શિક્ષકોનું નહીં પરંતુ તમામ જનતાનું અપમાન છે. શિક્ષક ક્યારેય સામાન્ય નથી હોતા, તેઓ સમાજ અને દેશનું ઘડતર કરનાર વ્યક્તિ હોય છે. માટે આ અપમાન સહન કરી શકાય તેમ નથી. મંત્રી દ્વારા એ રીતે ટોંટ મારીને કહેવામાં આવ્યું કે સામે બેસેલા શ્રોતાઓએ પણ તે નિવેદનને મશ્કરી સમાન ગણીને તાળીઓ પાડી. તો આ મશ્કરી એ ગુરુની છે જે બાળકોને કેળવણી આપે છે અને દેશનું ઘડતર કરે છે. જે પગાર પંચની વાત કરીને કહેવામાં આવ્યું હતું કે “ભૂતકાળના શિક્ષકો 200-500 રૂપિયામાં નોકરી કરતા હતા અને સારું શિક્ષણ આપતા હતા” તો મારે કહેવું છે કે એ સમયે મોંઘવારી કેટલી હતી અને આજે કેટલી મોંઘવારી છે એ જનતાને ખબર છે. ત્યારે કોઈ પણ સરકારી પ્રવૃત્તિઓમાં શિક્ષકોને કામ સોંપવામાં આવતું ન હતું. આજના શિક્ષકને તમામ કામગીરી સોંપી દેવામાં આવે છે, જેના કારણે તેઓ વર્ગખંડમાં રહી શકતા નથી.

વધુમાં વધુ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા જણાવ્યું હતું કે, આજે શિક્ષકો વસ્તી ગણતરીના કામમાં હોય છે, બીએલઓ તરીકે ફરજ બજાવે છે, SIRના કામમાં હોય છે અને જેના કારણે આજે શિક્ષણ ખાડે ગયું છે. શિક્ષકોની ઘટ હોવા છતાં, ઘણી શાળાઓમાં માત્ર એક જ શિક્ષક હોવા છતાં, એ શિક્ષક નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે સરકારના મંત્રીનું નિવેદન ક્યારેય પણ ચલાવી લેવાય એવું નથી. ગુજરાત સરકાર અને આ મંત્રીને કહેવા માંગીએ છીએ કે જો તમે શિક્ષકનું સન્માન ન કરી શકો તો અપમાન કરવાનો કોઈ અધિકાર નથી. શિક્ષક મોંઘવારી, પોતાના એરિયર્સ, પોતાના પેન્શન અને પોતાના હક - અધિકારો માટે માંગ કરે તેમાં ખોટું શું છે? તમે કહ્યું કે “શિક્ષકને આઠમું કે દસમું પગાર પંચ આપીએ છીએ છતાં પણ તેમનું પેટ ભરાતું નથી અને તેઓ માંગણીઓ કરતા રહે છે.” તો મારો એ મંત્રીને સવાલ છે કે તમે ક્યારે આઠમું કે દસમું પગાર પંચ લાગુ કર્યું અને શિક્ષકોને આપ્યું? આવી ખોટી માહિતીથી ગેરમાર્ગે દોરવા માટે અને શિક્ષકોનું અપમાન કરવા માટે સરકારના મંત્રી રમેશ કટારા દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે, તેની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અને આ અપમાન અમે ક્યારેય પણ સહન કરીશું નહીં અને આવનારા સમયમાં આ નિવેદનનો જવાબ ગુજરાતની જનતા ભાજપને આપશે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ચૈતર વસાવા આમ આદમી પાર્ટી ગુજરાત રમેશ કટારા નિવેદન પગાર પંચ વિવાદ ગુજરાત શિક્ષણ નીતિ શિક્ષકોનું અપમાન શિક્ષક આંદોલન ગુજરાત સરકારી શિક્ષકોના પ્રશ્નો ગુજરાત શિક્ષણ વિભાગ

સંબંધિત સમાચાર