મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટાડવા સરકારનો મોટો નિર્ણય: ‘અમૃતપાન અભિયાન’ હવે સમગ્ર રાજ્યમાં લાગુ થશે

નવજાત શિશુ અને બાળ મૃત્યુદર ઘટાડવા ગુજરાત સરકારનું 'અમૃતપાન અભિયાન'. અરવલ્લીની સફળતા બાદ સમગ્ર રાજ્યમાં ડિજિટલ મોનિટરિંગ સાથે યોજનાનો પ્રારંભ. જાણો અભિયાનના મુખ્ય ૫ સંકલ્પો અને તેની સંપૂર્ણ વિગતો.

ગુજરાતમાં બાળ મૃત્યુદર ઘટાડવા સરકારનો મોટો નિર્ણય: ‘અમૃતપાન અભિયાન’ હવે સમગ્ર રાજ્યમાં લાગુ થશે

ગુજરાતના નવજાત શિશુઓના જીવનને સુરક્ષિત કરવા, તેમના સ્વાસ્થ્યને વધુ સુદ્રઢ બનાવવા અને બાળ મૃત્યુદરમાં ગુણાત્મક ઘટાડો લાવવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે અમૃતપાન અભિયાનનો શુભારંભ કર્યો છે. અરવલ્લી જિલ્લાના સફળ પાયલટ પ્રોજેક્ટ બાદ હવે ‘અમૃતપાન અભિયાન’ સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર લાગુ કરવામાં આવશે. આ આરોગ્યલક્ષી અભિયાનના અમલ માટે રાજ્ય સરકારે રૂ. ૨.૫૫ કરોડ મંજૂર કર્યા છે.

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શનમાં  આરંભાયેલા અભિયાનની વિગતો આપતા આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન અને GMERS સોલા મેડિકલ કોલેજના ટેકનિકલ સહયોગથી શરૂ થયેલા ‘અમૃતપાન અભિયાન’ના પાયલટ પ્રોજેક્ટને હકારાત્મક પરિણામો પ્રાપ્ત થયા છે.

આ સફળ પ્રયોગના પરિણામે જિલ્લામાં સ્તનપાનના દરમાં નોંધપાત્ર વધારો થયો છે, તેમજ કુપોષણ અને શિશુ મૃત્યુદરમાં મોટો ઘટાડો નોંધાયો છે. પાયલોટ પ્રોજેક્ટની આ સફળતાને ધ્યાને રાખીને જ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હવે આ યોજનાને સમગ્ર ગુજરાતમાં તબક્કાવાર રીતે વ્યાપક સ્તરે લાગુ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

અમલીકરણ અને ડિજિટલ મોનિટરિંગ માટેની મુખ્ય વ્યૂહરચના

આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, આ અભિયાનને પ્રભાવી બનાવવા માટે સુનિયોજિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. આ વ્યૂહરચના અંતર્ગત સંલગ્ન મેડિકલ કોલેજના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા સમગ્ર અભિયાનનું મોનિટરિંગ અને મેન્ટરિંગ કરવામાં આવશે. ફિલ્ડ લેવલ પર કાર્યરત ફીમેલ હેલ્થ વર્કર -FHW અને ફીમેલ કમ્યુનિટી હેલ્થ ઓફિસર -CHOના ક્ષમતાવર્ધન માટે SIHFW- State Institute of Health and Family Welfare,Vadodara અને જિલ્લા તાલીમ ટીમ મારફતે ખાસ તાલીમનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત, આરોગ્ય કાર્યકરો દ્વારા Home-Based New-born Care (HBNC) અને Home-Based Care for Young Child (HBYC) ની નિર્ધારિત અનુસૂચિ મુજબ નવજાત શિશુઓ અને બાળકોના ઘરની મુલાકાત લેવામાં આવશે, જ્યાં Social and Behaviour Change Communication (SBCC ) આધારિત વ્યક્તિગત પરામર્શ પૂરો પાડવામાં આવશે. આ સમગ્ર અભિયાનના પારદર્શી અમલીકરણ અને સચોટ ટ્રેકિંગ માટે TeCHO+ સોફ્ટવેરનો ઉપયોગ કરાશે, જેના દ્વારા દરેક બાળકનું રીયલ-ટાઈમ 

ડિજિટલ મોનિટરિંગ સુનિશ્ચિત થશે.

અમૃતપાન અભિયાનના મુખ્ય પાંચ સંકલ્પ

૧. પ્રથમ કલાકમાં સ્તનપાન: જન્મના પ્રથમ ૧ કલાકની અંદર જ સ્તનપાન સુનિશ્ચિત કરવું, જેથી નવજાત બાળકને 'હાયપોથર્મિયા'  એટલે કે ‘શરીર ઠંડુ પડી જવું’ થી બચાવી શકાય.

૨. માત્ર સ્તનપાન - Exclusive Breastfeeding : જન્મથી ૬ મહિના સુધી બાળકને પાણી આપ્યા વિના માત્ર માતાનું દૂધ જ આપવું, જેથી ઝાડા અને ન્યુમોનિયા જેવા જીવલેણ રોગોમાં ૩૫% થી ૫૦% સુધીનો ઘટાડો લાવી શકાય.

૩. પૂરક આહાર (IYCF): ૬ થી ૨૪ મહિના સુધી સ્તનપાનની સાથે-સાથે યોગ્ય અને સંતુલિત આહાર આપવો, જેથી બાળકોમાં ઠીંગણાપણું - Stunting અને ક્ષીણતા -Wasting અટકાવી શકાય.

૪. ૧૦૦% રસીકરણ: વય મુજબ સંપૂર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવું અને જોખમી ચિન્હો ઓળખી સમયસર રેફરલ સેવાઓ પૂરી પાડવી.

૫. બાળકો વચ્ચે અંતર: બે બાળકો વચ્ચે ઓછામાં ઓછું ૩ વર્ષનું અંતર જાળવી રાખવા માટે માતાઓને યોગ્ય પરામર્શ અને માર્ગદર્શન આપવું.

અભિયાનની સમીક્ષા માટે ત્રિ-સ્તરીય માળખું

•રાજ્ય કક્ષાએ: પરિવાર કલ્યાણ પ્રભાગ દ્વારા 'સ્ટેટ ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ' મારફત દર ત્રણ મહિને સમીક્ષા.

•જિલ્લા કક્ષાએ: જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને 'જિલ્લા ન્યુટ્રિશન ટાસ્ક ફોર્સ' દ્વારા ત્રિમાસિક સમીક્ષા.

•વહીવટી કક્ષાએ: જિલ્લા વિકાસ અધિકારી DDOના અધ્યક્ષ સ્થાને દર મહિને પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે.

Tags: પ્રફુલ પાનશેરીયા TeCHO+ સોફ્ટવેર Exclusive Breastfeeding બાળ પોષણ ગુજરાત બાળ મૃત્યુદર અમૃતપાન અભિયાન સ્તનપાન જાગૃતિ નવજાત શિશુ મૃત્યુદર ઘટાડો ગુજરાત સરકાર બાળ સ્વાસ્થ્ય યોજના

સંબંધિત સમાચાર