મુખ્ય સામગ્રી પર જાઓ

નર્મદા જિલ્લાના વિકાસ માટે ચૈતર વસાવાની રજૂઆત: આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પર ભાર

નર્મદા જિલ્લા સંકલન બેઠકમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોગ્ય, શિક્ષણ, જમીન અને રોજગાર જેવા મહત્વના મુદ્દાઓ રજૂ કર્યા. તંત્રએ આપ્યું નિરાકરણનું આશ્વાસન.

નર્મદા જિલ્લાના વિકાસ માટે ચૈતર વસાવાની રજૂઆત: આરોગ્ય અને શિક્ષણ સુવિધાઓ પર ભાર

અમદાવાદ / નર્મદા / ગુજરાત : આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં  આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ બેઠકમાં તેમણે નર્મદાના કલેક્ટર સમક્ષ અનેક મહત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યા હતા.  ધારાસભ્ય ચૈતર વસાવાએ સવાલ પૂછ્યો હતો કે 1) આજની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં જિલ્લામાં તાલુકાવાર જમીન વિહોણા નિરાધાર હોય એવા કેટલા લોકોએ સરકારી પ્લોટની માંગણી કરી જેમાં કેટલાને ફાળવવામાં આવ્યા? 2) જિલ્લાના નાગરિકોને જિલ્લામા જ આધુનિક નિદાન સુવિધાઓ મળી રહે તે માટે MRI મશીન અને CT સ્કેન કાર્યરત નથી એ હકીકત સાચી છે? જો હા તો શા કારણો છે? ક્યાર સુધીમાં કાર્યરત કરવામાં આવશે? 3) જિલ્લામાં નેટવર્ક ન હોય એવા કેટલા ગામો નોંધાયેલ છે? માહિતી અને પ્રસારણ વિભાગને ટાવર ઉભા કરવા માટે રજૂઆતો મળેલ છે? ઉક્ત સ્થિતિએ શા પગલા લેવામાં આવેલ છે? 4) જિલ્લામાં ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં છેલ્લા બે વર્ષમાં કેટલી ફરિયાદો નોંધાયેલ છે? ઉક્ત સ્થિતિએ કેટલી ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો? અને કેટલી પડતર છે? પડતર રહેવાના શા કારણો છે. 5) જિલ્લા રમત ગમત અને યુવા સેવા વિભાગને છેલ્લા બે વર્ષમાં કેટલી નાણાકીય જોગવાઈ કરવામાં આવી? જે અંતર્ગત કયા પ્રકારની કામગીરી કરવામાં આવી? 6) જિલ્લામાં વર્ષ 2026 માટે ખાતર ઉત્પાદક કંપનીઓ પાસે યુરીયા અને DAPની માસ પ્રમાણે કેટલી ડિમાન્ડ કરવામાં આવી ? સામે સપ્લાય કેટલું મળ્યું ? ડિમાન્ડ કેવી રીતે નક્કી કરવામાં આવે છે? યુરીયા અને DAP સાથે નેનો યુરીયાની બોટલ ફરજીયાત છે?

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ અન્ય મહત્વપૂર્ણ સવાલ કર્યા હતા કે, 7) જિલ્લામાં આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની અનુદાનિત આશ્રમ શાળાઓ, ઉત્તર બુનિયાદી અને ઉચ્ચતર ઉત્તર બુનિયાદી શાળાઓ કેટલી છે? જેમાં આજની સ્થિતિએ કેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે? જેમનું માસિક ફૂડ બિલ કેટલું હોય છે? અને અઠવાડીયાનું ભોજનપત્રક શું છે? 8) જિલ્લામાં વર્ષ ૨૦૨૫-૨૬ માં PM કુસુમ યોજના અંતર્ગત સોલાર પંપ માટે કેટલી અરજીઓ મળી? જેમાં કેટલી મંજુર અને કેટલી નામંજુર કરવામાં આવી? મંજુર પૈકી કેટલા લાભાર્થીઓઓનાં કામ પૂર્ણ, પ્રગતિ અને શરૂ ન થયેલ હોય તેવા છે? 9) જિલ્લાના આશાવર્કર બહેનો દ્રારા નિયમિત પગાર, ડીલવરી ભથ્થામાં વધારો, ઇન્સેન્ટિવ એરિયર્સ જેવી માંગો સાથે રજૂઆત કરવામાં આવી હતી એ હકીકત સાચી છે ? જો હા તો ઉક્ત સ્થિતિએ શા પગલા લેવામાં આવેલ છે? 10) વડીયા ગ્રામ પંચાયત દ્રારા વરસાદી પાણીના નિકાલ માટે રજૂઆત મળેલ છે? જો હા તો ઉક્ત સ્થિતિe શા પગલા લેવામાં આવેલ છે? 11) નવનિર્મિત ચિકદા તાલુકા મથકે ૧) તાલુકા પંચાયત કચેરી, ૨) મામલતદાર કચેરી, ૩) તાલુકા પોલીસ સ્ટેશન ૪) બસ સ્ટેશન ૫) ખાતર ડેપો, ૬) બેંકો ૭) પશુ દવાખાના ૮) વિશ્રામ ગૃહ ૯) લાયબ્રેરી ૧૦) આઈ.ટી.આઈ જેવી માળખાકીય સુવિધાઓ ઉભી કરવાના સરકારમાં દરખાસ્તો તૈયાર કરવામાં આવેલ છે કે કેમ? 11) આજની સ્થિતિએ જિલ્લાની ગ્રામ પંચાયતો, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના તાબા હેઠળની કચેરીઓમાં કામ કરતા, પટાવાળા, રોજમદાર, સફાઈ કામદારો, કારકુન, કોમ્પ્યુટર ઓપરેટરો,(VCE), ને સરકારના લઘુત્તમ વેતન અધિનિયમ-૧૯૪૮ અન્વયે નક્કી કરેલ વેતન આપવામાં આવતું નથી તે હકીકત સાચી છે? જો હા તો તેના શા કારણો છે? જો ના તો ઉક્ત સ્થિતિએ કેટલું વેતન આપવામાં આવે છે? 14) જિલ્લામાં વન વસાહતના કેટલા ગામો છે? ઉક્ત ગામોને તેની જમીનો સાથે મહેસુલ રેવન્યુમાં રૂપાંતર કરી સ્વતંત્ર ગામનો દરજ્જો આપવા માટે રજૂઆતો મળી છે? ઉક્ત ગામોની ભૌતિક સુવિધાઓ કેવી રીતે પૂરી પાડવામાં આવે છે? 15) ચિકદા તાલુકાના તુમડાવાડી ગામને આજ દિન સુધી પ્રાથમિક સુવિધાઓ ન મળવાના શા કારણો છે? ઉક્ત સ્થિતિએ પ્રશાસન પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા માંગે છે કે કેમ? 16) NHAI-56 ફોરલેન પ્રોજેક્ટમાં નર્મદા જિલ્લાના કયા ગામોના સર્વે નંબરોની કેટલી જમીનો સંપાદિત થનાર છે? ઉક્ત પ્રોજેક્ટમાં ખેડૂતોની વાંધા અરજીઓ ગ્રામસભાઓની સહમતી, લોકસુનાવણી, 135 ડી.નોટીસ જેવી કાર્યવાહી ક્યારે કરવામાં આવી સહિતની વિગતે માહિતી આપો.

બેઠક બાદ મિડીયા સાથે વાત કરતા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે બેઠક દરમિયાન નર્મદા જિલ્લાના પ્રજાહિત સાથે જોડાયેલા વિવિધ પ્રશ્નો અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. નર્મદા જિલ્લાના લોકોને વધુ સારી સુવિધાઓ મળે અને તેમના પ્રશ્નોનું નિરાકરણ આવે તે દિશામાં સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી. અમે પણ જિલ્લા પ્રમુખ સાથે મળીને જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં અનેક પ્રશ્નો અને રજૂઆતો કરી હતી. જેમ કે, જમીનવિહોણા લોકોને લગતા પ્રશ્નોમાં જિલ્લાના તમામ છ તાલુકાઓમાં સર્વે કરવામાં આવે અને જે લોકોને પ્લોટની જરૂરિયાત હોય તેમને પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી. તે જ પ્રમાણે નર્મદા જિલ્લામાં એમઆરઆઈ, સીટી સ્કેન અને સોનોગ્રાફી જેવી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ રોડ-રસ્તાના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.સાથે સાથે વન વસાહતના જેટલા પણ ગામો છે, તેમને રેવન્યુ ગામોમાં પરિવર્તિત કરવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવે અને રેવન્યુ ગામોને મળતા તમામ લાભો આ ગામોના લોકોને પણ મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. તુમડાવાડી ગામ, જે જંગલ ખાતાની હદમાં આવેલું છે, ત્યાં પીવાના પાણી, રોડ-રસ્તા, આંગણવાડી અને શાળાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી પણ માંગણી કરવામાં આવી હતી.આ ઉપરાંત આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સવારે નાસ્તાની સુવિધા આપવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.સાથે સાથે વન અધિકાર કાયદા હેઠળના જે પેન્ડિંગ દાવાઓ છે, તે અંગે જિલ્લા સ્તરે વન સમિતિની બેઠક બોલાવીને તેમને તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. નર્મદા જિલ્લાના લોકોના હિતને ધ્યાનમાં રાખીને આ તમામ મુદ્દાઓ અંગે સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી અને આગામી સમયમાં આ પ્રશ્નોના યોગ્ય નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી.

આપ ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યુ હતુ કે બીજી એક મહત્ત્વપૂર્ણ રજૂઆત આજે કરવામાં આવી હતી. ગામ પંચાયતોમાં કામ કરતાં બીસીએથી લઈને સર્કિટ હાઉસ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી સાથે સંકળાયેલી તમામ કચેરીઓમાં તેમજ વન વિભાગની કચેરીઓમાં કામ કરતાં પટાવાળાઓ, સિક્યોરિટી ગાર્ડ, રોજંદાર કર્મચારીઓ અને સર્કિટ હાઉસ પર કાર્યરત તમામ કર્મચારીઓને સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન ધોરણ મુજબ પગાર ચૂકવવામાં આવે અને તેમને તમામ પ્રકારના કાયદેસર લાભો આપવામાં આવે તેવી રજૂઆત અમે આજની જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં કરી હતી. સાથે સાથે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા વડિયા પેલેસ ખાતેના જે દુકાનદારોની દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, તે બાબત પણ અમે રજૂ કરી હતી. આ લોકો નાના વેપારીઓ છે અને નાની રોજગારી કરીને પોતાનું જીવનનિર્વાહ ચલાવે છે. તેથી તેમને પોતાની નાની દુકાનો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવે અને તેમના રોજગારનું રક્ષણ કરવામાં આવે તેવી પણ અમે માંગણી કરી હતી.આ તમામ રજૂઆતો અંગે જિલ્લાના કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, ડીસીએફ, નિયામક તેમજ અન્ય અધિકારીઓએ સકારાત્મક અભિગમ દર્શાવ્યો હતો અને અમને વિશ્વાસ આપ્યો હતો કે આ તમામ કામગીરી શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. વધુમાં, નવરચિત ચીકદા તાલુકામાં પણ તમામ સરકારી કચેરીઓ માટે જરૂરી બાંધકામ શરૂ કરીને ટૂંક સમયમાં તે કાર્યરત કરવામાં આવશે તેવી ખાતરી પણ અમને આપવામાં આવી છે.આજની બેઠકમાં રજૂ કરાયેલા વિવિધ મુદ્દાઓ અંગે સકારાત્મક ચર્ચા થઈ હતી અને તમામ બાબતોમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી અમને ખાતરી મળી છે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ચૈતર વસાવા નર્મદા આમ આદમી પાર્ટી ડેડિયાપાડા નર્મદા જિલ્લા સંકલન બેઠક જિલ્લા ફરિયાદ નિવારણ સમિતિ નર્મદા ચીકદા તાલુકો નર્મદા નર્મદા જિલ્લાના વિકાસ કાર્યો વન અધિકાર કાયદો નર્મદા ચૈતર વસાવા રજૂઆત ચૈતર વસાવા ધારાસભ્ય જનહિતના પ્રશ્નો નર્મદા

સંબંધિત સમાચાર