મુખ્ય સામગ્રી પર જાઓ

પશ્ચિમ રેલવેની મોટી સિદ્ધિ: વિક્રમી સમયમાં પૂર્ણ થયું વડોદરા સ્ટેશનનું આધુનિકીકરણ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા વડોદરા સ્ટેશન અને યાર્ડ ખાતે સફળતાપૂર્વક 'યાર્ડ રિ-મોડેલિંગ' અને 'અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ' પ્રણાલીનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

પશ્ચિમ રેલવેની મોટી સિદ્ધિ: વિક્રમી સમયમાં પૂર્ણ થયું વડોદરા સ્ટેશનનું આધુનિકીકરણ

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળે મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેના કુશળ નેતૃત્વ હેઠળ રેલવે સંચાલનના આધુનિકીકરણ તરફ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં વડોદરા સ્ટેશન તથા યાર્ડ ખાતે વ્યાપક સિગ્નલિંગ અપગ્રેડેશન અને યાર્ડ રિ-મોડેલિંગનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. લગભગ 34 વર્ષ જૂની સીમેન્સ નિર્મિત રૂટ રિલે ઇન્ટરલોકિંગ (RRI) પ્રણાલીને દૂર કરીને તેની જગ્યાએ અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે, જેનું સફળ કમિશનિંગ 01 જુલાઈ, 2026ના રોજ કરવામાં આવ્યું. યાર્ડ રિ-મોડેલિંગ અને ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગનું આ કાર્ય વડોદરા સ્ટેશનની કામગીરી ક્ષમતા, સલામતી, વિશ્વસનીયતા તથા ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકવામાં આવ્યું છે.

આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કાર્ય મંજૂર કરાયેલા 70 દિવસીય ટ્રાફિક વર્કિંગ ઓર્ડર (TWO) હેઠળ તબક્કાવાર પૂર્ણ કરવામાં આવ્યું. 16 મેથી 29 જૂન, 2026 દરમિયાન 45 દિવસના પ્રી-ટ્રાફિક વર્કિંગ સમયગાળા દરમિયાન કુલ 209 કલાક 55 મિનિટના સંકલિત ટ્રાફિક અને પાવર બ્લોક લઈ વિવિધ પાયાના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યા. ત્યારબાદ 30 જૂનથી 01 જુલાઈ, 2026 દરમિયાન નિર્ધારિત નોન-ઇન્ટરલોકિંગ (NI) કાર્ય માત્ર 23 કલાક 55 મિનિટમાં સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું, જ્યારે તેના માટે 24 કલાકનો સમય નિર્ધારિત હતો. આ દરમિયાન માત્ર 5 કલાક 46 મિનિટનો ટ્રાફિક બ્લોક લઈને 147 ટ્રેનો (70 અપ અને 77 ડાઉન)નું સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું.

યાર્ડ રિ-મોડેલિંગ હેઠળ સંચાલનમાં અવરોધરૂપ બનતી ડબલ સ્લિપ ડાયમંડ ક્રોસિંગ દૂર કરીને યાર્ડના ટ્રેક લેઆઉટને આધુનિક બનાવવામાં આવ્યો છે. ડબલ સ્લિપ ડાયમંડ ક્રોસિંગને કારણે લાગુ રહેલી 10 કિમી પ્રતિ કલાકની કાયમી ગતિ મર્યાદા (Permanent Speed Restriction) દૂર કરીને લાઇન નંબર 6 અને 7 પર અનુમેય ગતિ 30 કિમી પ્રતિ કલાક કરવામાં આવી છે. જેના પરિણામે યાર્ડમાં ટ્રેનોની અવરજવર વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનશે. ડાઉન દિશાથી આવતી ટ્રેનોને પ્લેટફોર્મ નંબર 6 અને 7 પર ઝડપી પ્રવેશ મળી શકશે, જેથી ટ્રેન ડિટેન્શનમાં ઘટાડો થશે અને કામગીરીની કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. ઉપરાંત સ્ટેશન પર નવું સ્ટેશન માસ્ટર કચેરી, ઉપકરણ કક્ષ તથા સ્ટોરની પણ સ્થાપના કરવામાં આવી છે.

વડોદરા સ્ટેશન પર યાર્ડ રિ-મોડેલિંગ અંતર્ગત વડોદરા યાર્ડમાં 10 પોઈન્ટ્સ એન્ડ ક્રોસિંગ્સ (P&C) દૂર કરવામાં આવ્યા, 12 સ્થળોએ ટ્રેક લેઆઉટમાં સુધારા કરવામાં આવ્યા અને 13 નવા પોઈન્ટ્સ એન્ડ ક્રોસિંગ્સ સ્થાપિત કરવામાં આવ્યા. આશરે 1.5 કિલોમીટર નવી રેલવે લાઇન બિછાવીને લાઇન નંબર 6 અને 7ને ડાઉન મેઇન લાઇન તથા C કેબિનને અપ ગુડ્સ મેઇન લાઇન સાથે સીધી રીતે જોડવામાં આવ્યા. ઉપરાંત 10 WCMS, 22 ટર્નઆઉટનું નવીનીકરણ (TTR/TSR), 15 થિક વેબ સ્વિચ (TWS)ની સ્થાપના તથા 22 પોઈન્ટ્સ એન્ડ ક્રોસિંગ્સ અને 1.5 કિલોમીટર ટ્રેકનું ડીપ સ્ક્રીનિંગ કાર્ય પણ પૂર્ણ કરવામાં આવ્યું.

સિગ્નલિંગ પ્રણાલીના આધુનિકીકરણ હેઠળ વર્ષ 1992માં સ્થાપિત 228 રૂટ ધરાવતી RRI પ્રણાલીને બદલીને 189 રૂટ અને 10 સ્લોટ ધરાવતી અત્યાધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ (EI) પ્રણાલી સ્થાપિત કરવામાં આવી છે. નવી પ્રણાલીમાં 65 DC ટ્રેક સર્કિટના સ્થાને 66 ડ્યુઅલ MSDAC એકમો સ્થાપિત કરવામાં આવ્યા છે, જે કુલ 132 ટ્રેક સેક્શનોનું નિયંત્રણ કરે છે. દક્ષિણ દિશામાં નવું ઓપરેટિંગ કેબિન (OC) બનાવવામાં આવ્યું છે તેમજ BRCY સાથે ICC સંચાર માટે નવું EI રેક સ્થાપિત કરવામાં આવ્યું છે.

આધુનિક સિગ્નલિંગ વ્યવસ્થા, સુધારેલા યાર્ડ લેઆઉટ અને સીધા રેલ જોડાણના કારણે વડોદરા સ્ટેશનની કામગીરી ક્ષમતા, રૂટ ફ્લેક્સિબિલિટી, સમયપાલન તથા સલામતીમાં નોંધપાત્ર વધારો થશે. ભવિષ્યમાં વધતા રેલવે ટ્રાફિકના સંચાલન માટે આ પ્રોજેક્ટ પશ્ચિમ રેલવેની પાયાની સુવિધાઓને વધુ મજબૂત અને સક્ષમ બનાવશે.

યાર્ડ રિ-મોડેલિંગ સાથે ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન (OHE) માળખાના આધુનિકીકરણનું મહત્વપૂર્ણ કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું. આ સમયગાળા દરમિયાન આશરે 70 મેટ્રિક ટન નવા સ્ટીલ સ્ટ્રક્ચરનું નિર્માણ અને સ્થાપન કરવામાં આવ્યું તથા 15 મેટ્રિક ટન જૂના સ્ટીલ સ્ટ્રક્ચરને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા. પ્રોજેક્ટ હેઠળ નવી લાઇન નંબર 6 અને 7 માટે સંપૂર્ણ OHE વાયરિંગ પૂર્ણ કરવામાં આવી. ઉપરાંત મુખ્ય લાઇન પર આશરે 2,576 મીટર નવી કોન્ટેક્ટ અને કેટેનેરી વાયર બિછાવવામાં આવી તથા આશરે 1,200 મીટર જૂની વાયરિંગ દૂર કરવામાં આવી. સાથે જ 08 નવા ક્રોસઓવર પર કોન્ટેક્ટ અને કેટેનેરી વાયરિંગનું કાર્ય પણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું.

આ મહત્ત્વપૂર્ણ કાર્યને નિર્ધારિત સમયમર્યાદામાં સુરક્ષિત અને સફળતાપૂર્વક પૂર્ણ કરવા માટે વડોદરા મંડળના વિદ્યુત વિભાગ દ્વારા કાર્યસ્થળ તથા જરૂરી સ્થળો જેવા કે ગુમટીઓ પર પ્રાથમિકતાના આધારે પૂરતી પ્રકાશ વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી, જેથી કર્મચારીઓને રાત્રિના સમયે કામગીરી દરમિયાન કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય. કામગીરી દરમિયાન ટ્રેન સંચાલનનું સતત મોનિટરિંગ, ભીડ નિયંત્રણ તથા સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષા વિભાગ દ્વારા સુરક્ષાકર્મીઓની તૈનાતી કરવામાં આવી. શ્રમિકો અને રેલકર્મચારીઓના આરોગ્ય તથા આપાતકાલીન સહાય માટે તબીબો, પેરામેડિકલ સ્ટાફ અને એમ્બ્યુલન્સ સહિત 24×7 તબીબી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી. ઉપરાંત, સલામતી વિભાગના સલામતી સલાહકારો દ્વારા કામગીરીનું સતત નિરીક્ષણ કરીને નિર્ધારિત સલામતી ધોરણોનું સંપૂર્ણ પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું. સમગ્ર કામગીરીના અસરકારક મોનિટરિંગ અને વિવિધ વિભાગો વચ્ચે ઝડપી સમન્વય માટે નવા ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ ભવનમાં કેન્દ્રીય નિયંત્રણ કક્ષ (મેઇન વોર રૂમ) સ્થાપિત કરવામાં આવ્યો, જેના માધ્યમથી દરેક તબક્કાનું વાસ્તવિક સમય મુજબ નિરીક્ષણ તથા જરૂરી નિર્ણયો લેવામાં આવ્યા.

આધુનિક ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ પ્રણાલી, સુધારેલા યાર્ડ લેઆઉટ અને અત્યાધુનિક ઓવરહેડ વિદ્યુત માળખા સાથે વડોદરા સ્ટેશન હવે ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ વધુ સક્ષમ, સુરક્ષિત અને મુસાફર-કેન્દ્રિત રેલ સંચાલન માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સિદ્ધિ ભારતીય રેલવેના આધુનિકીકરણ, સુરક્ષિત રેલ સંચાલન અને વિશ્વસ્તરીય રેલવે માળખાના વિકાસની દિશામાં પશ્ચિમ રેલવેનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે.

Tags: Indian Railways WESTERN RAILWAY Yard Remodeling Vadodara Station Railway Infrastructure Modernization Vadodara News Vikasit Rail

સંબંધિત સમાચાર