શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે, તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત નાયબ મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળા ખાતેથી અડાલજ વિસ્તારની ૩ સરકારી શાળાઓના કુલ ૪૦૨ વિદ્યાર્થીઓને ઉત્સાહભેર શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે ખાનગી શાળાઓ સાથે સરકારી શાળાઓની સકારાત્મક સરખામણી કરતા નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખાનગી શાળાઓની મોટી એસી બસોમાં જતા બાળકો ઘણીવાર શાળાના પ્રથમ દિવસે રડતા જોવા મળે છે. તેની સામે સરકારી શાળાઓમાં યોજાતા પ્રવેશોત્સવના કારણે પ્રથમ દિવસે જ તમામ બાળકો ખૂબ ખુશખુશાલ, હસતા અને રમતા નજરે પડે છે. ગુજરાતના બાળકો ઉત્સાહ અને આત્મવિશ્વાસ સાથે શાળામાં પ્રવેશે તે હેતુથી શરૂ કરાયેલા આ અભિયાનની આ વર્ષે ૨૪મી કડી ઉજવાઈ રહી છે, જેના થકી રાજ્યના લાખો વિદ્યાર્થીઓનું જીવન બદલાયું છે.
તેમણે શિક્ષકો અને વાલીઓને સંબોધતા જણાવ્યું હતું કે, આપણે સૌએ સાથે મળીને માત્ર શાળા નથી ચલાવવાની, પરંતુ બાળકોના જીવનનું ઘડતર કરીને તેમના ભવિષ્યને વધુ ઉજ્જવળ કરવાનું છે. તેમણે ધોરણ ૧૦, ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓને એસ.એમ.સી. (SMC) ના માધ્યમથી શાળાના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ શિક્ષકોને અપીલ કરી હતી કે, નાના ભૂલકાઓને પ્રથમ દિવસથી જ સ્વચ્છતા, નિયમિત બ્રશ કરવું અને રમ્યા બાદ હાથ ધોવા જેવી સારી આદતો રોજિંદા જીવનમાં અપનાવતા શીખવે.
બાળકોને માર્ગ સલામતી અને હેલ્મેટનો અનોખો સંકલ્પ લેવડાવ્યો
કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓને એક અનોખો અને સંવેદનશીલ સંકલ્પ લેવડાવ્યો હતો. તેમણે બાળકોને પ્રેરણા આપતા કહ્યું કે, જેમના માતા-પિતા સવારે ટુ-વ્હીલર પર નોકરી કે કામ અર્થે જતા હોય અને જો તેમણે હેલ્મેટ ન પહેર્યું હોય, તો બાળકોએ ઘરના દરવાજા પર પલોઠી વાળીને બેસી જવું અને માતા-પિતાને હેલ્મેટ પહેરવા મજબૂર કરવા. કામ પર ૫ મિનિટ મોડા પહોંચવાથી એટલું નુકસાન નહીં થાય, પરંતુ હેલ્મેટ વગરના અકસ્માતને કારણે આખું જીવન માતા-પિતા વગર ગુજારવું પડી શકે છે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જો વિદ્યાર્થીઓ પોતે જ હેલ્મેટ પહેરવાનો આગ્રહ રાખશે તો અડાલજ અને સમગ્ર ગુજરાતમાં કોઈ પણ નાગરિક હેલ્મેટ વગર નજરે નહીં પડે. આ સરાહનીય પ્રયાસથી પોલીસની કામગીરી પણ સરળ બનશે અને દંડ ન થવાના કારણે પરિવારોના પૈસાની બચત થશે. પોલીસ માટે દંડની પાવતી કરતાં નાગરિકોની સુરક્ષા અને તેમના પરિવારજનોની સલામતી જ સર્વોપરી છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ નાગરિકો અને અધિકારીઓએ માર્ગ સલામતી અંગેના શપથ લીધા હતા.
આ ગરિમામય કાર્યક્રમમાં અડાલજના સરપંચ શ્રી બિનીતાબેન પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશકુમાર પટેલ, કલેક્ટર શ્રી રવિન્દ્ર ખટાલે, એસ.પી. શ્રી રવી તેજા વાસમશેટ્ટી, એસ.એમ.સી.ના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ, શિક્ષકો, વાલીઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.