(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વાડિયા કાલાઘોડા ગામે રાત્રિના સમય દરમિયાન જંગલી દીપડાએ ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીનો શિકાર કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.આગળના સમયમાં આવી ઘટના ન બને તે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.
ઉલ્લેખની એ છે કે તિલકવાડા તાલુકા માં ઘણા એવા વિસ્તાર છે જ્યાં જંગલી જાનવરો વસવાટ કરે છે અને અવાર નવાર આ જંગલી જાનવરો પશુઓ ઉપર હુમલો કરવાની ઘટના પણ વધી રહી છે, હાલ થોડા સમય પહેલા રોઝાનાર ગામે અને ત્યારબાદ વંઢ ગામે દીપડાએ પાડી નો શિકાર કરવાની ઘટના બની હતી ત્યારબાદ દાજીપુરા ગામે ખેડૂત ઉપર દીપડાએ હુમલો કર્યાની પણ ઘટના બની હતી. હાલ વધુ એક ઘટના સામે આવી છે જ્યાં તિલકવાડા તાલુકાના વાડિયા ( કાલાઘોડા) ગામે રહેતા ઉકેડભાઈ શંકરભાઈ બારીયા જેઓ ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે તેઓના ઘર નજીક બાંધેલી એક વર્ષીય વાછરડીને ગત રાત્રિના સમય દરમિયાન દીપડાએ શિકાર કરીને ફાડી ખાધી હતી.
આ વિસ્તાર એવો છે જ્યાં ખેડૂતો ખેતી કરતા હોય છે અને દિવસ હોય કે રાત ખેડૂતોને ખેતરમાં અવર જવર કરવી પડે છે ત્યારે આ ઘટનાને પગલે આ વિસ્તારના લોકોમાં ડર જોવા મળ્યો છે માટે ફોરેસ્ટ વિભાગ તરફથી પાંજરું મુકીને આ દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી લોકમાંગ છે.