અમદાવાદ : અમદાવાદના અસારવા વિધાનસભાના શાહીબાગ વોર્ડ વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીમાં ગંદકી, દુર્ગંધયુક્ત પાણી અને ઓછા દબાણની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે સ્થાનિક રહીશો દ્વારા વારંવાર સંબંધિત અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પરિણામે રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પાણી જેવી મૂળભૂત સુવિધાથી લોકો વંચિત રહેતા હોવાના કારણે તેમના દૈનિક જીવન પર ગંભીર અસર પડી રહી છે. સમસ્યાના નિરાકરણ માટે અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી ન થતાં આજે સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો હતો અને તંત્રનું ધ્યાન દોરવા માટે આંદોલન પણ કર્યું હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી પ્રદૂષિત પાણીની સમસ્યા યથાવત છે, છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
સ્થાનિકોની રજૂઆતને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીની અમદાવાદ શહેર અને શાહીબાગ વોર્ડની ટીમના જગદીશ વણઝારા, હર્ષિલ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ, રાજ રાઠોડ અને સંધ્યા પ્રજાપતિએ ભોગીલાલની ચાલીની મુલાકાત લઈ રહીશોની સમસ્યાઓ સાંભળી હતી. મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓએ રહીશોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમની સમસ્યાના નિરાકરણ માટે પાર્ટી તેમની સાથે મજબૂતાઈથી ઉભી રહેશે અને જરૂરી હોય ત્યાં સુધી તંત્ર સમક્ષ રજૂઆતો તેમજ લડત ચાલુ રાખશે. આ તકે આમ આદમી પાર્ટીના આગેવાનોએ જણાવ્યું હતું કે ભોગીલાલની ચાલીના રહીશો સાથે આમ આદમી પાર્ટી ખભેખભા મિલાવીને ઉભી રહેશે અને અસારવા વિધાનસભા તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સંબંધિત તંત્રને તાત્કાલિક કાર્યવાહી કરવા અપીલ કરે છે. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય નાગરિકોને મળવાપાત્ર મૂળભૂત સુવિધાઓ માટે અવાજ ઉઠાવવો જરૂરી છે અને લોકોના હક્ક માટે આમ આદમી પાર્ટી સતત સંઘર્ષ કરતી રહેશે.