મુખ્ય સામગ્રી પર જાઓ

અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ

સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ NEET પેપર લીક મુદ્દે સરકાર પર ગંભીર નિષ્ફળતાના આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે ૩ મેના રોજ લેવાયેલી પરીક્ષામાં ૨૨ લાખ વિદ્યાર્થીઓના અને તેમના પરિવારોના સપના પર પાણી ફરી વળ્યું છે.

અધિકારી હોય કે રાજકારણી, પેપર લીકના દોષિતોને છોડશો નહીં: ધર્મેશ ભંડેરીની ઉગ્ર માંગ

અમદાવાદ / સુરત / ગુજરાત : આમ આદમી પાર્ટીના સુરત શહેર સંગઠન દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી, આમ આદમી પાર્ટીના કોર્પોરેટર અસ્મિતા ધોરાજીયા અને  પ્રદેશ પ્રવક્તા અને મીડિયા કો ઓર્ડીનેટર ચિત્રેશ અનાજવાલા ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રેસ કોન્ફરન્સમાં શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરીએ સરકાર અને પ્રશાસન પર ઉગ્ર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, 3 મેના રોજ NEETની પરીક્ષા લેવામાં આવી હતી અને 22 લાખ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પરીક્ષા આપી હતી. આ પરીક્ષામાં ફક્ત વિદ્યાર્થીઓની જ નહીં પરંતુ એમના આખા પરિવારની મહેનત હતી. સાથે સાથે કોચિંગ સ્ટાફ અને શિક્ષકોની પણ ખૂબ જ મહેનત હતી. લાખો વિદ્યાર્થીઓએ આશા રાખી હતી કે આ પરીક્ષા આપીશું અને મેડિકલ ફિલ્ડમાં આગળ વધીશું અને દેશની આરોગ્ય વ્યવસ્થામાં શ્રેષ્ઠ યોગદાન આપીશું. આ વિદ્યાર્થીઓએ દિવસ રાત કરેલી મહેનત બાદ પરીક્ષા આપી હતી પરંતુ ગઈકાલે જાણકારી બહાર આવી કે આ પેપર પરીક્ષા પહેલાં જ લીક થઈ ગયું હતું. જેના કારણે સરકારે આ પરીક્ષા રદ કરી અને સીબીઆઇને આની તપાસ સોંપી.

વધુમાં આમ આદમી પાર્ટીના નેતા ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, હવે સવાલ પેદા થાય છે કે પરીક્ષાનું પેપર લીક કેમ થાય છે? કયા કારણે પેપર લીક થયું? ગુજરાતમાં છેલ્લા સાત આઠ વર્ષમાં 20થી વધારે પરીક્ષાઓના પેપર લીક થયા. હવે આ જ મોડલ હવે જાણે આખા દેશમાં લાગુ પડી ગયું છે. ગયા વખત NEET માં જે છબરડા થયા હતા અને એવું જ આ પેપરમાં થયું અને લાખો વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું. તો આની પાછળ સરકારની અને વ્યવસ્થા તંત્રની ખૂબ જ મોટી નિષ્ફળતા છે, જે એમણે સ્વીકારવી જોઈએ. આ પેપર લીક કરવામાં જે પણ વ્યક્તિએ ભાગ ભજવ્યો છે એમની કડક તપાસ થાય અને એ લોકોને દાખલારૂપી મોટી સજા આપવામાં આવે, જેથી કરીને ફરીથી ભવિષ્યમાં આવી કોઈ ઘટના ન બને. આમ આદમી પાર્ટી માંગ કરે છે કે આ પેપર લીકમાં સંડોવાયેલા જે પણ અધિકારી, કર્મચારી કે કોઈ રાજકારણી હોય તેમને છોડવામાં આવે નહીં અને વિદ્યાર્થીઓના હિતોને રક્ષણ પૂરું પાડવામાં આવે.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: aam aadmi party AAP AAP GUJARAT

સંબંધિત સમાચાર