અમદાવાદ / તાપી / ગુજરાત : આજે આમ આદમી પાર્ટી દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપવા માટે આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ રામ ધડુક, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈ, બારડોલી લોકસભા ઇન્ચાર્જ રુસ્તમ ગામીત અને તાપી જિલ્લા પ્રમુખ મહેન્દ્ર ગામીત સહિત સ્થાનિક ’આપ’ અગ્રણીઓ, આદિવાસી સમાજના નેતાઓ અને મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વ્યારા સ્થિત તાપી જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. આ દરમિયાન કલેક્ટર અને અધિક કલેક્ટર હાજર ન હોવાથી મામલતદારને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું અને રાષ્ટ્રપતિ સમક્ષ માંગ કરવામાં આવી હતી કે ધારાસભ્ય ચૈતર વસાવાને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે.
આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈએ જણાવ્યું હતું કે, ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતરભાઈ વસાવા પોતાના પ્રજાજનોના પ્રશ્નો સાંભળતા હતા અને તેમના માટે અવાજ ઉઠાવતા હતા, આ દરમિયાન ફોરેસ્ટ કર્મચારી સાથે બોલાચાલી થઇ એ મુદ્દે તેમના પર ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો, ખોટા પુરાવા ઉભા કરવામાં આવ્યા અને સેશન્સ કોર્ટ દ્વારા તેમને સજા આપવામાં આવી. તેના વિરોધમાં આખા ગુજરાતના આદિવાસી સમાજના લોકો, દલિત સમાજના લોકો, વંચિત શોષિત સમાજના લોકો સહિત તમામ સમાજના લોકો આક્રોશિત થયા. લોકો સરકારને કહેવા માંગે છે કે લોકોના અવાજને ઉઠાવનાર ધારાસભ્યને તમે ક્યાં સુધી દબાવી શકશો?
વધુમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઈ વળવાઈએ જણાવ્યું હતું કે, વ્યારા જિલ્લામાં એક હસ્તાક્ષર અભિયાન ચલાવ્યું અને તે હસ્તાક્ષરોની સાથે પોસ્ટરો લઈને અમે કલેકટરના માધ્યમથી રાષ્ટ્રપતિને આવેદનપત્ર સોંપવા માટે આવ્યા હતા. અમે કલેકટરને આવેદનપત્ર સોંપવા માંગતા હતા પરંતુ કલેક્ટર પોતાની ઓફિસમાં હાજર નથી અને અધિક કલેકટર પણ હાજર નથી. હાલ વરસાદનો સમય ચાલી રહ્યો છે અને આવા સમયમાં પણ જિલ્લાના અધિકારીઓ પોતાની ઓફિસમાં હાજર નથી રહેતા તો એના કારણે પ્રજાની શું હાલત થશે એ પણ આપ સમજી શકો છો. તો આજે અમે મામલતદારને આવેદનપત્ર આપ્યું છે અને એમના દ્વારા અમે રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે ભાજપ સરકારે ધારાસભ્ય ચૈતર વસાવા પર ખોટા કેસ કરીને જે સજા અપાવવાનું કામ કર્યું છે, એમાંથી તેમને તાત્કાલિક ધોરણે મુક્ત કરવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત