મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ એક્સપ્રેસ: લદ્દાખ-શ્રીનગર હવે સીધા જોડાશે! 14 કિમી લાંબી જોજિલા ટનલ બનશે ગેમ ચેન્જર

અમદાવાદ એક્સપ્રેસ: લદ્દાખ-શ્રીનગર હવે સીધા જોડાશે! 14 કિમી લાંબી જોજિલા ટનલ બનશે ગેમ ચેન્જર

ભારતીય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઇતિહાસમાં આજે એક નોંધપાત્ર સિદ્ધિ હાંસલ થઈ છે. વિશ્વની સૌથી ઊંચાઈ પર આવેલી અને સૌથી લાંબી સિંગલ-ટ્યુબ 'જોજિલા ટનલ'નું અંતિમ 'બ્રેકથ્રૂ બ્લાસ્ટ' સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. આ બ્રેકથ્રૂ એટલે કે ટનલના અંદરના ભાગની છેલ્લી પથ્થરની દીવાલને વિસ્ફોટ વડે તોડીને બંને છેડાને જોડવામાં આવ્યા છે. આ ઐતિહાસિક સિદ્ધિને કારણે કાશ્મીર અને લદ્દાખ વચ્ચે ભારે બરફવર્ષા દરમિયાન પણ બારેમાસ અવરજવર ચાલુ રાખવાનું વર્ષો જૂનું સ્વપ્ન હવે સાકાર થવાના આરે છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની હાજરીમાં આ પ્રોજેક્ટની શરૂઆત થઈ હતી. જમ્મુ-કાશ્મીરને લદ્દાખ સાથે જોડતી આ વ્યૂહાત્મક ટનલના સફળ બ્રેકથ્રૂ પ્રસંગે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી, જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ઉપરાજ્યપાલ (LG) મનોજ સિંહા ઉપસ્થિત રહ્યા હતા. આ સફળતા પછી યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ ખુશી વ્યક્ત કરતા લદ્દાખ અને જમ્મુ-કાશ્મીરના લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે વિપરીત પરિસ્થિતિઓ અને અતિશય ઊંચાઈ પર રાત-દિવસ કામ કરનારા તમામ એન્જિનિયરો અને શ્રમિકોની પ્રશંસા કરતા જણાવ્યું કે, કનેક્ટિવિટી દ્વારા જ વિકાસ શક્ય બને છે અને છેલ્લા 12 વર્ષોમાં આ ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામ થયું છે.

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિને ભારતીય એન્જિનિયરિંગના ઇતિહાસનો સુવર્ણ દિવસ ગણાવ્યો હતો. તેમણે ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, 'અત્યાર સુધી આપણે આને એશિયાની સૌથી લાંબી ટનલ કહી રહ્યા હતા, પરંતુ હવે આ ટનલ વિશ્વના ઇતિહાસમાં પણ નંબર-1 સ્થાન મેળવશે. આ લેહ અને લદ્દાખના લોકો માટે એક સાચી જીવનરેખા છે. જ્યારે આ ટનલનું કામ ચાલી રહ્યું હતું ત્યારે ત્યાં -4 ડિગ્રી કે તેનાથી પણ ઓછું તાપમાન હતું. આવી હાડ થીજાવતી ઠંડીમાં પણ એન્જિનિયરો, મજૂરો, કોન્ટ્રાક્ટરો અને ડોકટરોની ટીમે અદભુત મહેનત કરીને આ કમાલ કરી બતાવ્યો છે. આ ટનલ વૈશ્વિક સ્તરના સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.'

નેશનલ હાઇવે એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NHIDCL)ના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા મુજબ, ટનલનું આ બ્રેકથ્રૂ તેના નિર્ધારિત સમય કરતાં લગભગ 6 મહિના વહેલું પૂર્ણ કરવામાં આવ્યું છે. આ બ્રેકથ્રૂ પછી હવે આગામી 7થી 8 મહિના સુધી સિવિલ કન્સ્ટ્રક્શનનું કામ ચાલશે, ત્યારબાદ ઇલેક્ટ્રિકલ અને અન્ય ટેકનિકલ ફિટિંગ શરૂ કરવામાં આવશે. અધિકારીઓને આશા છે કે જાન્યુઆરી-ફેબ્રુઆરી 2028 સુધીમાં આ ટનલને સામાન્ય જનતાની અવરજવર માટે ખુલ્લી મૂકવામાં આવશે.

સંબંધિત સમાચાર