મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ રેલવે મંડળની ચોમાસાની તૈયારી: મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર એલર્ટ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ચોમાસાની સંભવિત પડકારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અને સંચાલન માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશની અધ્યક્ષતામાં યોજાયેલી આ સમીક્ષા બેઠકમાં રેલવે બોર્ડના પૂર્વ સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) શ્રી અનિલ કુમાર ખંડેલવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

અમદાવાદ રેલવે મંડળની ચોમાસાની તૈયારી: મુસાફરોની સુરક્ષા માટે રેલવે તંત્ર એલર્ટ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં ચોમાસા દરમિયાન મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા તેમજ રેલ સંચાલનને સુરક્ષિત અને સુચારુ રાખવાના હેતુથી અમદાવાદના મંડળ રેલ પ્રબંધક (DRM) શ્રી વેદ પ્રકાશની અધ્યક્ષતામાં મંડળ  ખાતે ચોમાસાની તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે રેલવે બોર્ડના પૂર્વ સભ્ય (ઇન્ફ્રાસ્ટ્રક્ચર) શ્રી અનિલ કુમાર ખંડેલવાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મંડળના વરિષ્ઠ અધિકારીઓ, ચોમાસા વ્યવસ્થાપન સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના વડાઓ તેમજ મંડળના તમામ સિનિયર સેક્શન એન્જિનિયર્સ (વર્ક્સ) વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. ચોમાસા દરમિયાન ઊભી થઈ શકતી સંભવિત પડકારજનક પરિસ્થિતિઓનો સામનો કરવા માટે કરવામાં આવેલી તૈયારીઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.

મુસાફરોની સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા

મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશે જણાવ્યું હતું કે અમદાવાદ મંડળે ચોમાસા દરમિયાન સુરક્ષિત અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે વ્યાપક તૈયારીઓ કરી છે. ચોમાસા પૂર્વે રેલવે ટ્રેક, પુલો, ડ્રેનો અને કલવટોનું નિરીક્ષણ તથા સફાઈ કરવામાં આવે છે. રાજ્ય સરકારના સંબંધિત વિભાગો સાથે સંયુક્ત સર્વે કરીને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવામાં આવે છે અને પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે છે.

સ્ટેશનો અને યાર્ડોમાં પાણી ભરાઈ ન જાય તે માટે વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. સંભવિત જોખમ ધરાવતા પુલો પર 24 કલાક સતત નજર રાખવામાં આવે છે અને જરૂરિયાત મુજબ કૉશન ઓર્ડર (સાવચેતી સૂચના) જારી કરવામાં આવે છે. ઉપરાંત, સ્ટેશનના શેડ, છતો તથા વિવિધ ઉપકરણોની પણ નિયમિત તપાસ કરવામાં આવે છે.

ચોમાસા દરમિયાન સુરક્ષિત અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે અમદાવાદ મંડળ દ્વારા વ્યાપક સ્તરે નીચે મુજબની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે:

પાણીના નિકાલની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે 132 કિલોમીટર લંબાઈની સાઇડ ડ્રેનોની સફાઈ કરવામાં આવી છે તેમજ 190 સ્થળોએ વૃક્ષોની કાપણી અને ટ્રિમિંગનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

પાણી ભરાવાની સ્થિતિનો સામનો કરવા માટે આરયુબી (RUB) સ્થળોએ 10 એચપી અને 32 એચપી ક્ષમતાના કુલ 260 પંપ સ્થાપિત કરવામાં આવ્યા છે.

ટ્રેક અને યાર્ડમાં પાણીના વધુ સારા નિકાલ માટે 675 કિલોમીટર વિસ્તારમાં ફ્લેન્જ ક્લિયરન્સનું કામ કરવામાં આવ્યું છે તેમજ 37 સંપ (Sumps) સ્થાપિત કરવામાં આવ્યા છે.

આપાતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા માટે ધ્રાંગધ્રા, ગાંધીધામ, માલિયા અને આદરજ-મોટી ખાતે બેલાસ્ટ અને ક્વારી ડસ્ટનો પૂરતો જથ્થો સંગ્રહિત કરવામાં આવ્યો છે તેમજ વિશેષ આપાતકાલીન ગેંગ (Emergency Gangs) તૈયાર રાખવામાં આવ્યા છે.

આપદા વ્યવસ્થાપન અને ઝડપી પુનઃસ્થાપનની વ્યવસ્થા

પૂર અથવા અન્ય કુદરતી આપત્તિની સ્થિતિમાં રેલ સેવાઓને ઝડપથી પુનઃસ્થાપિત કરી શકાય તે માટે જરૂરી સામગ્રી અગાઉથી જ વ્યૂહાત્મક સ્થળોએ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

ધ્રાંગધ્રા ખાતે 7 વેગન બેલાસ્ટ અને 7 વેગન ક્વારી ડસ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ગાંધીધામ ખાતે 20 વેગન બેલાસ્ટ તેમજ 10 વેગન ક્વારી ડસ્ટ ઉપલબ્ધ રાખવામાં આવ્યા છે.

માલિયા અને આદરજ-મોટી ખાતે 10,000–10,000 ઘનમીટર બેલાસ્ટનો અનામત જથ્થો સુરક્ષિત રાખવામાં આવ્યો છે.

ચોમાસાની તૈયારીઓના મુખ્ય મુદ્દા

બેઠકમાં ચોમાસાની તૈયારીઓ અંતર્ગત પાણીના નિકાલની વ્યવસ્થાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાનો ભાર મૂકવામાં આવ્યો હતો. અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી કે પાણી ભરાવાની સ્થિતિ ટાળવા માટે સાઇડ ડ્રેન, કૅચ વોટર ડ્રેન, ક્રોસ ડ્રેન તેમજ સ્ટેશન યાર્ડની ડ્રેનોની નિયમિત અને વ્યવસ્થિત સફાઈ સુનિશ્ચિત કરવામાં આવે. ટ્રેકની સ્થિરતા જાળવવા તેમજ સિગ્નલિંગ સિસ્ટમની વિશ્વસનીયતા માટે આ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ છે.

સંવેદનશીલ સ્થળોની ઓળખ કરીને ત્યાં વિશેષ દેખરેખ અને ગુણવત્તાયુક્ત નિરીક્ષણ કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી સંભવિત જોખમ ધરાવતા વિસ્તારોને સમયસર વધુ મજબૂત બનાવી શકાય. ઉપરાંત, રેલવે યાર્ડોમાં સિગ્નલ ફેલ્યોર જેવી પરિસ્થિતિઓને ટાળવા માટે એન્જિનિયરિંગ, સિગ્નલ અને દૂરસંચાર, વિદ્યુત તથા ઓપરેશન સહિતના વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સમન્વય સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

બેઠકમાં રેલવેને અસર કરી શકે તેવા જળાશયો (Railway Affecting Tanks – RAT) પર સતત નજર રાખવા માટે સ્થાનિક વહીવટીતંત્ર તથા ગ્રામ પંચાયતના સરપંચો સાથે નિયમિત સમન્વય જાળવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો, જેથી સંભવિત જોખમોની સમયસર જાણકારી મેળવી જરૂરી કાર્યવાહી કરી શકાય.

કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિનો અસરકારક રીતે સામનો કરવા માટે સંવેદનશીલ સ્થળોએ ચોમાસા માટેનો અનામત સામાન તેમજ ઇમરજન્સી રિસ્ટોરેશન ઇક્વિપમેન્ટ (Emergency Restoration Equipment) પૂરતી માત્રામાં ઉપલબ્ધ રાખવા અને જરૂરિયાત ઊભી થાય ત્યારે તાત્કાલિક કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી હતી.

અમદાવાદ મંડળ ચોમાસા દરમિયાન મુસાફરોની સુરક્ષા, રેલવેની સંપત્તિઓના સંરક્ષણ અને અવરોધરહિત રેલ સંચાલન સુનિશ્ચિત કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

Tags: પશ્ચિમ રેલવે અમદાવાદ રેલવે મંડળ

સંબંધિત સમાચાર