મુખ્ય સામગ્રી પર જાઓ

અમદાવાદ રેલવે મંડળનું નવું પગલું: OHE નિરીક્ષણ માટે હવે ડ્રોન ટેકનોલોજીનો થશે ઉપયોગ

અમદાવાદ રેલવે મંડળે OHE નિરીક્ષણ માટે ડ્રોન ટેકનોલોજી અપનાવી. હવે ટ્રેક બ્લોક વગર જ ગંભીર ખામીઓ શોધી શકાશે. જાણો આ આધુનિક સિસ્ટમ વિશે.

અમદાવાદ રેલવે મંડળનું નવું પગલું: OHE નિરીક્ષણ માટે હવે ડ્રોન ટેકનોલોજીનો થશે ઉપયોગ

પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે ઓવરહેડ ઇક્વિપમેન્ટ (ઓએચઈ) ની તપાસ માટે ડ્રોનથી  હવાઈ નિરીક્ષણનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય રેલવેમાં નવી ટેકનોલોજી દ્વારા સુરક્ષિત જાળવણીની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું છે. રેલવે બોર્ડ દ્વારા એપ્રિલ 2026માં RDSO ના નિર્દેશ ક્રમાંક TI/IN/0060 ને મંજૂરી મળ્યા બાદ પશ્ચિમ રેલવે આ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરનાર અગ્રણી ઝોનોમાં સામેલ થયું છે. 8 જૂન 2026ના રોજ કરવામાં આવેલા આ પરીક્ષણથી પરંપરાગત મેન્યુઅલ તપાસને બદલે આધુનિક અને વધુ સુરક્ષિત વ્યવસ્થાની દિશામાં આગળ વધવાનો માર્ગ ખુલ્યો છે.

ડ્રોન દ્વારા ઓએચઈનું હવાઈ નિરીક્ષણ

ડીજીસીએના ધોરણો અનુસાર હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને જિયો-ટેગિંગ સુવિધા ધરાવતા ડ્રોનની મદદથી અમદાવાદ મંડળની ટીમે માસ્ટ સંખ્યા 493-494 વચ્ચે ઓએચઈ સંરચનાઓનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન મળી આવેલી દરેક ખામીના ફોટોગ્રાફ લેવામાં આવ્યા, તેને જીપીએસ લોકેશન સાથે દાખલ કરવામાં આવ્યા અને તેની ગંભીરતાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. આથી જરૂરી મરામતના કામોને પ્રાથમિકતા આધારે હાથ ધરવા સરળ બનશે.

આ નિરીક્ષણ આરડીએસઓ દ્વારા જારી કરાયેલી નવા  દિશા-નિર્દેશ (TI/IN/0060) મુજબ કરવામાં આવ્યું હતું.આ દિશા-નિર્દેશમાં ડીજીસીએ માન્યતા પ્રાપ્ત ડ્રોન, જીપીએસ/જીએનએસએસ  , જિયો-ટેગ્ડ તસવીરો અને થર્મલ સ્કેનિંગ જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સમયસર મળી અનેક ગંભીર ખામીઓ

પરીક્ષણ દરમિયાન વિવિધ પ્રકારની ખામીઓ સામે આવી હતી. તેમાં ઇન્સ્યુલેટર પર ફ્લેશ માર્ક, કેન્ટીલીવર પર લટકતી બાહ્ય સામગ્રી, પોર્ટલ સંરચનાઓ અને કેન્ટીલીવર પર પક્ષીઓના માળા તેમજ ત્યાં બેસેલા પક્ષીઓનો સમાવેશ થાય છે. ઉપરાંત, કેટનરી સ્ટ્રેન્ડમાં થયેલા નુકસાન જેવી ગંભીર ખામીઓ પણ મળી આવી, જેને સામાન્ય નિરીક્ષણ દરમિયાન ઓળખવી મુશ્કેલ હોય છે.

ડ્રોન દ્વારા લેવામાં આવેલી સ્પષ્ટ અને જિયો-ટેગ્ડ તસવીરોની મદદથી આ ખામીઓનું ચોક્કસ સ્થાન જાણી શકાયું. પરિણામે સમયસર સમારકામ કરીને ભવિષ્યમાં ઓએચઈ ટ્રિપિંગ, વીજ પુરવઠામાં વિક્ષેપ અને અન્ય કામગીરી સંબંધિત સમસ્યાઓને અટકાવી શકાય છે.

સ્માર્ટ નિરીક્ષણથી રેલવે વધુ સુરક્ષિત બનશે

25 કેવી એસી વીજ પુરવઠો આપતી ઓએચઈ પ્રણાલી ભારતીય રેલવેના વિદ્યુતીકૃત નેટવર્કનો અત્યંત મહત્વપૂર્ણ ભાગ છે.ઇન્સ્યુલેટર, કન્ડક્ટર, ક્લેમ્પ અથવા અન્ય ઉપકરણોમાં ખામી સર્જાય તો ટ્રેન સંચાલન પ્રભાવિત થઈ શકે છે તેમજ સુરક્ષા સંબંધિત જોખમો પણ ઊભા થઈ શકે છે.પરંપરાગત નિરીક્ષણ માટે ટ્રેક બ્લોક લેવો પડે છે અને કર્મચારીઓને હાઈ-વોલ્ટેજ ઉપકરણોની નજીક કામ કરવું પડે છે. જ્યારે ડ્રોનની મદદથી ટ્રેક બ્લોક લીધા વિના ઝડપથી અનેક સ્થળોનું નિરીક્ષણ કરી શકાય છે અને વિવિધ ખૂણાઓથી તસવીરો મેળવી શકાય છે. આથી નિરીક્ષણનો રેકોર્ડ પણ સુરક્ષિત રહે છે અને જાળવણીનું કાર્ય વધુ સુવ્યવસ્થિત બને છે.

ભવિષ્યમાં AI આધારિત વિશ્લેષણની તૈયારી

પશ્ચિમ રેલવે આ ટેકનોલોજીને તબક્કાવાર રીતે આગળ વધારી રહી છે. હાલમાં નિરીક્ષણ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવવાની અને ઉચ્ચ ગુણવત્તાવાળો ડેટા એકત્રિત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં આ જ ડેટાનો ઉપયોગ કૃત્રિમ બુદ્ધિમત્તા (એઆઇ) આધારિત વિશ્લેષણ માટે ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે ખામીઓનું અગાઉથી અનુમાન લગાવી શકાશે અને સંભવિત જોખમોને સમયસર ટાળી શકાશે.આથી ઓએચઈ જાળવણી પ્રણાલી વધુ આધુનિક, અને પૂર્વાનુમાન આધારિત બની શકશે.

રાષ્ટ્રીય દિશા-નિર્દેશો અનુસાર કરવામાં આવ્યું પરીક્ષણ

આ પરીક્ષણ રેલવે બોર્ડ (એમ/ટીઆરએસ) ના પત્ર ક્રમાંક 2024/EEM/148/4 Part IV E-3479194 તારીખ 24.04.2026 તથા આરડીએસઓ, લખનૌ દ્વારા જારી કરાયેલા નિર્દેશ ક્રમાંક TI/IN/0060 અનુસાર કરવામાં આવ્યું હતું. આ દિશા-નિર્દેશોમાં ડ્રોન, કેમેરા સિસ્ટમ, ડેટા સુરક્ષા અને નિરીક્ષણ પ્રક્રિયા સંબંધિત ધોરણો નક્કી કરવામાં આવ્યા છે.

પશ્ચિમ રેલવે ભવિષ્યમાં આ ટેકનોલોજીનો વિસ્તાર સમગ્ર ઝોનમાં, જેમાં ઉપનગરીય રેલ નેટવર્કનો પણ સામેલ છે, તબક્કાવાર રીતે કરવાની યોજના બનાવી રહી છે. આ પહેલ ભારતીય રેલવેના વિદ્યુતીકૃત નેટવર્કને વધુ સુરક્ષિત, વિશ્વસનીય અને આધુનિક બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

Tags: પશ્ચિમ રેલવે સમાચાર અમદાવાદ રેલવે મંડળ AI આધારિત રેલવે નિરીક્ષણ OHE જાળવણી પ્રણાલી OHE નિરીક્ષણ ડ્રોન ડ્રોન દ્વારા રેલવે તપાસ ભારતીય રેલવે આધુનિકીકરણ રેલવે સુરક્ષા ટેકનોલોજી રેલવે ઓવરહેડ ઇક્વિપમેન્ટ પશ્ચિમ રેલવે ડ્રોન ટેકનોલોજી

સંબંધિત સમાચાર