મુખ્ય સામગ્રી પર જાઓ

ઘાટલોડિયાના ગોતા વોર્ડમાં ગંભીર સમસ્યા: ૧૨૦૦થી વધુ લોકો પ્રભાવિત, AAP નેતાઓની મુલાકાત

અમદાવાદના ગોતા વોર્ડમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતાં રહીશો હોસ્પિટલમાં. આકાંક્ષા સોસાયટી સહિતની અન્ય સોસાયટીઓમાં ગંભીર સમસ્યા, કોર્પોરેશનની બેદરકારી સામે AAP નેતા ડૉ. કરન બારોટે તપાસની માંગ કરી. સંપૂર્ણ વિગત અહીં વાંચો.

ઘાટલોડિયાના ગોતા વોર્ડમાં ગંભીર સમસ્યા: ૧૨૦૦થી વધુ લોકો પ્રભાવિત, AAP નેતાઓની મુલાકાત

અમદાવાદ / ગુજરાત : ઘાટલોડિયા વિધાનસભા વિસ્તારમાં આવેલા ગોતા વોર્ડની આકાંક્ષા સોસાયટી તેમજ અન્ય 2-3 સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થવાની ગંભીર સમસ્યા સામે આવી છે. આ મુદ્દે સ્થાનિક રહેવાસીઓની રજૂઆતને પગલે આમ આદમી પાર્ટીની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઘાટલોડિયા વોર્ડના ઉમેદવાર નીલ પટેલ, ગોતા વોર્ડના ઉમેદવાર ભૌમિક પાઠક સહિત પાર્ટીના અન્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અને પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડૉ. કરન બારોટે જણાવ્યું હતું કે ઘાટલોડિયા વિધાનસભાના ગોતા વોર્ડમાં આવેલી આકાંક્ષા સોસાયટી, નવરત્ન સોસાયટી અને સર્વોદય સોસાયટી, આવી ત્રણ-ચાર સોસાયટીને કનેક્ટેડ જે જગ્યા છે ત્યાં મોટો પ્રશ્ન ઉદભવ્યો છે. આ સોસાયટીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે, આ વાતની જયારે અમને જાણ થાય ત્યારે ગોતા વોર્ડના ઉમેદવાર ભૌમિકભાઈ તેમજ ઘાટલોડિયા વોર્ડના ઉમેદવાર નીલભાઈ સહિતની પાર્ટીની ટીમે પ્રાઇવેટ હોસ્પિટલમાં અને અર્બન હેલ્થ સેન્ટરમાં એડમિટ લોકોની મુલાકાત લીધી હતી. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ ઇસ્ટમાં પાણીની મોટી સમસ્યા છે, જેને કોર્પોરેશન દ્વારા સોલ્વ કરવામાં આવી નથી પરંતુ હવે અમદાવાદ વેસ્ટમાં પણ પાણીની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે, પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે. આકાંક્ષા સોસાયટીની બહારની તરફ પણ ખૂબ જ ગંદકી છે, ગોતા વોર્ડના બ્રિજ નીચે પણ ખૂબ જ ગંદકી છે. આટલી ગંદકી હોવા છતાં પણ કોર્પોરેશન દ્વારા કાળજી રાખીને કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી.

વધુમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી ડૉ. કરન બારોટ જણાવ્યું હતું કે, મહત્વની બાબત એ છે કે જ્યારે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થતું હતું ત્યારે સોસાયટીના રહીશો દ્વારા પાણી પુરવઠા વિભાગમાં કોર્પોરેશનને જાણ કરવામાં આવી હતી પરંતુ કોર્પોરેશન દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે “બધું ઓકે છે” પરંતુ ત્યારબાદ સોસાયટીના લોકો પોતે પ્લાન્ટમાં જઈને તપાસ કરીને આવ્યા અને રિટર્નમાં આવતી વખતે એમણે જોયું કે એક કનેક્શન છે, તેમાં ભંગાણ છે અને ત્યાં પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થાય છે. તો કોર્પોરેશનની જગ્યાએ સ્થાનિકોએ તપાસ કરીને કામ કરવાનું હોય તો પછી આ સરકાર કોઈ કામની નથી. હું ભાજપ સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન સમક્ષ થોડી માંગ મુકવા માંગુ છું કે, આ સોસાયટીઓની તમામ ટાંકીઓને સાફ કરવામાં આવે, પાણીના સેમ્પલ લઈને તપાસ કરવામાં આવે અને હજુ પણ ગટરનું પાણી પીવાના પાણીમાં મિક્સ છે કે નહીં તેને ચેક કરવામાં આવે અને જે જગ્યાએ પાણીના કનેક્શન છે, એ તમામ કનેક્શનને ચેક કરવામાં આવે. સાથે સાથે રેગ્યુલર રીતે તમામ વિસ્તારોમાં પાણીના સેમ્પલ લઈને ચેક કરવામાં આવે જેથી રોગચાળો વધારે ન ફેલાય. ફક્ત આકાંક્ષા સોસાયટીમાં 400 ફ્લેટ છે અને 1200 લોકો આનાથી પ્રભાવિત થયા છે, બીજી આજુબાજુની સોસાયટીના લોકો અલગ. એકબાજુ વિકાસની વાતો કરવામાં આવતી હોય, સ્માર્ટ સિટીની વાતો કરવામાં આવતી હોય, પરંતુ વિકાસ માત્ર કાગળ પર હોય એવું દેખાય છે. એક પરિવારનો એક પણ વ્યક્તિ જો હોસ્પિટલમાં એડમિટ હોય તો આખો પરિવાર હેરાન થાય છે તો એ લોકોનો જે સમય અને પૈસા વેડફાયા છે એના જવાબદાર કોણ? આ પ્રશ્ન અમે કોર્પોરેશન અને સત્તાધીશોને પૂછીએ છીએ.

Tags: આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી (AAP) આમ આદમી પાર્ટી ગુજરાત ગોતા વોર્ડ

સંબંધિત સમાચાર