અમદાવાદ / કચ્છ / ગુજરાત : તાજેતરમાં ગાંધીધામ મહાનગરપાલીકા દ્વારા અખબારોમાં જાહેરખબર આપી આજીવન વ્હીકલ ટેક્સ (વાહન વેરો) ઉઘરાવવા માટેના વાંધાઓ મંગાવવામાં આવ્યા છે, ત્યારે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. કાયનાત અંસારી આથાએ જણાવ્યું હતું કે ટેક્સ સુવિધાઓ ઉપર હોય છે જ્યારે ગાંધીધામ મહાનગરપાલિકા પ્રજાને સુવિધાઓ આપવામાં ઉણી ઉતરી છે અને ગાંધીધામ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આંતરિક રોડ બિસ્માર હાલતમાં છે. ત્યારે આ વાહન વેરો ઉઘરાવવો એ ઉઘાડી લૂંટ છે જેનો અમે વિરોધ કરીએ છીએ. તેમણે આ અંગે ગાંધીધામ મ્યુનિસિપલ કમીશ્નરને આવેદનપત્ર સાથે ઉગ્ર આંદોલન અને ચક્કાજામની ચીમકી આપીને કહ્યું હતું કે જો સુવિધાઓ ઉપલબ્ધ કરાવ્યા વગર વાહન વેરો લાગુ કરવામાં આવશે તો આમ જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલન અને ચક્કાજામ કરવામાં આવશે.
આવેદનપત્રમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકા સુવિધાઓ આપે અને તેના આધારીત નાગરીકો પાસેથી ટેક્સ વસુલે તેમાં કોઇને વાંધો ન હોવો જોઇએ પરંતુ શહેરમાં દરેક આંતરીક રોડની હાલત બિસ્માર જોવા મળી રહી છે. અને જે રોડ નવા બનાવવામાં આવ્યા છે તેની ગુણવત્તા પર પણ સવાલ ઉઠી રહ્યા છે અને વગર વરસાદએ પણ નવા બનેલા રોડ તૂટી રહ્યા છે. મહાનગરપાલિકામાં સમાવિષ્ટ કરવામાં આવેલા અમુક ગામડાઓમાં તો રોડ જ બન્યા નથી તથા શહેરમાં ઠેર ઠેર ટ્રાફિકની સમસ્યા જોવા મળી રહી છે, ત્યારે આ અંગે પણ કોઇ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે સુવિધાઓ આપ્યા વગર જ આજીવન વ્હીકલ ટેક્સ (વાહન વેરો) લાગુ કરવો તે ખુલ્લી લૂંટ બરાબર છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ દરેક વિસ્તારમાં પ્રથમ ગુણવત્તાસભર રોડ બનાવવામાં આવે તે બાદ જ આ રીતનો આજીવન વ્હીકલ ટેક્સ (વાહન વેરો) લાગુ કરવામાં આવે એવી અમારી ઉગ્ર માંગ છે. જો પ્રશાસન સુવિધાઓ આપ્યા વગર જ ટેક્સ વસુલવાની તજવીજ હાથ ધરશે તો તેના વિરોધમાં ઉગ્ર આંદોલન તથા ચક્કાજામ જેવા કાર્યક્રમો કરવામાં આવશે જેની સંપુર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે. આવેદનપત્ર આપતી વખતે ડો. કાયનાત અંસારી આથા, નીલેશભાઇ મહેતા, રાજેશભાઇ સથવારા, દિગ્વિજયસિંહ, અમનભાઇ, નિર્મલાબેન, નિલેશભાઇ દાફડા, યોગેશભાઇ કુમઠેકર તથા આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાત