પૂર્વના સમયમાં શાસકો અને તેમના ઉચ્ચ અધિકારીઓ પ્રજાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે વેશપલટો કરીને નગરચર્યા કરતા હતા, પરંતુ આજના રાજકારણીઓ અને અધિકારીઓને એસી ગાડીમાંથી બહાર નીકળવું પણ પસંદ નથી. આ સ્થિતિને કારણે સામાન્ય જનજીવન દિવસેને દિવસે કથળી રહ્યું છે. ગુજરાતના મુખ્ય શહેર અમદાવાદની પરિસ્થિતિ આજે એવી છે કે, નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી. જે શહેરમાંથી મુખ્યમંત્રી અને શહેરી વિકાસ મંત્રી ચૂંટાયા હોય, ત્યાં પીવાના દૂષિત પાણીની વાર્ષિક 17,000થી વધુ ફરિયાદો નોંધાઈ રહી છે.
મુખ્યમંત્રીના પોતાના વિસ્તાર ઘાટલોડિયામાં ગત સપ્તાહે દૂષિત પાણીના કારણે 1,000થી વધુ નાગરિકો બીમાર પડ્યા હતા. આ ઘટના બાદ પણ અમદાવાદના સત્તાધિશો અને અધિકારીઓએ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. આ ઉપરાંત, શહેરી વિકાસ મંત્રીના વિસ્તારમાં પણ નાગરિકોએ અધિકારીઓની બેદરકારીથી કંટાળીને મ્યુનિસિપલ ટીમને રોકી રાખી હતી. આ બંને ગંભીર ઘટનાઓ છતાં, પરિસ્થિતિમાં સુધારો લાવવા માટે કોઈ તાત્કાલિક પગલાં લેવાયા નથી.
અમદાવાદના ઐતિહાસિક કોટ વિસ્તારમાં આજે પણ ઘરે ઘરે દૂષિત પાણી આવે છે. આડેધડ ખોદકામ અને ડ્રેનેજ તેમજ પાણીની લાઈનોના અણઘડ આયોજનના કારણે શહેરના નવા વિકસિત વિસ્તારોમાં પણ હવે દૂષિત પાણીની સમસ્યા વકરી છે. પશ્ચિમના ઘાટલોડિયાથી લઈને શેલા સુધીના વિસ્તારોમાં આ પ્રશ્ન ગંભીર બન્યો છે.
અમદાવાદ એક્સપ્રેસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષમાં અમદાવાદ શહેરમાં પીવાના પાણી સંબંધિત કુલ 74,242 ફરિયાદો નોંધાઈ છે. આમાંથી 17,847 ફરિયાદો સીધી દૂષિત પાણીને લગતી હતી. અમદાવાદના નવનિયુક્ત મેયર અને મ્યુનિસિપલ કમિશનર રસ્તા અને પુલના કામોનું નિયમિત નિરીક્ષણ કરે છે તે આવકાર્ય છે, પરંતુ પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાની ચકાસણીમાં તેમની ઉદાસીનતા ચિંતાજનક છે. દૂષિત પાણીની આટલી મોટી સંખ્યામાં ફરિયાદો શહેરના આરોગ્ય માટે જોખમી છે.