૨૬મી જૂન એટલે કે 'આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસ'. સૌથી લાંબી દરિયાઈ સીમા ધરાવતા રાજ્ય ગુજરાતને ડ્રગ ફ્રી સ્ટેટ બનાવવા અને ડ્રગ્સના દૂષણને જડમૂળથી ઉખાડી ફેંકવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના સબળ અને આક્રમક નેતૃત્વ હેઠળ ગુજરાત પોલીસ સંકલ્પબદ્ધ છે. માફીયાઓના ડ્રગ્સની હેરાફેરી કરવા માટેના નીતનવા કાવતરાને આપણી ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સી નિષ્ફળ કરી નાંખે છે.
ગુજરાત પોલીસની આક્રમક કામગીરીના પરિણામે આજે ડ્રગ્સનો કારોબાર કરતા માફીયાઓ ગુજરાત માર્ગે અન્ય રાજ્યમાં પોતાનો માલ લઈ જતા પણ ધ્રુજી રહ્યા છે તેમ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી જણાવે છે.
રાજ્યમાં નશાના કારોબારને ડામવામાં કરવામાં આવેલી છેલ્લા પાંચ વર્ષની વિગતો આપતા રાજ્યના પોલીસ વડા શ્રી જી. એસ. મલિકે જણાવ્યું હતું કે ગુજરાત સરકારે ડ્રગ્સ માફિયાઓ સામે 'ઝીરો ટોલરન્સ'ની નીતિ માત્ર કાગળ પર નહીં, પણ વાસ્તવિક ધરાતલ પર કડકાઈથી અમલી બનાવી છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં ડ્રગ્સની હેરાફેરી અને વેપાર વિરુદ્ધ 3,700 થી વધુ કેસ નોંધીને નશાના કાળા કારોબાર સાથે જોડાયેલા 5,346 આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. આ વ્યૂહાત્મક ઓપરેશન્સ અંતર્ગત પોલીસે આશરે રૂ. 13,600 કરોડથી વધુ કિંમતનો 1.36 લાખ કિલોગ્રામથી વધુનો ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ નેટવર્કની કમર તોડી નાખી છે.
ગુજરાતની ક્રાંતિકારી 'ડ્રગ રિવોર્ડ પોલિસી' અને પોલીસને 'આઉટ ઓફ ટર્ન' પ્રમોશન નીતિ થકી ખાસ પ્રોત્સાહન
કોઈપણ જંગ ત્યારે જ જીતી શકાય છે જ્યારે લડનારા સૈનિકોનો જુસ્સો આસમાને હોય. નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના દૂરંદેશી માર્ગદર્શન હેઠળ ગુજરાત દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે સત્તાવાર રીતે ‘ડ્રગ રિવોર્ડ પોલિસી’ અમલી બનાવી છે. આ નીતિ હેઠળ ડ્રગ્સના મોટા નેટવર્કને ખુલ્લા પાડનારા અને કરોડોનો જથ્થો પકડનારા બાહોશ પોલીસ અધિકારી કર્મચારીઓ તેમજ ચોક્કસ બાતમી આપનારા સામાન્ય નાગરિકો-બાતમીદારોને આર્થિક પ્રોત્સાહન આપવામાં
આવે છે.
એટલું જ નહીં, પરંપરાગત મર્યાદાઓથી ઉપર ઉઠીને, પોતાના જીવના જોખમે આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરનારા પોલીસ અધિકારી કર્મચારીઓ માટે સરકારે ‘આઉટ-ઓફ-ટર્ન પ્રમોશન’ આપવાની ઐતિહાસિક નીતિ અપનાવી છે. આ ક્રાંતિકારી પગલાથી પોલીસ વિભાગના જુસ્સામાં વધારો થયો છે. જેના પરિણામે હવે દરેક સ્તરનો પોલીસકર્મી આ લડાઈમાં સક્રિયપણે જોડાઈ ગયો છે.
AI આધારિત 'NARIT' સોફ્ટવેર અને કોન્વિક્શન રેટ વધારવાનો લક્ષ્યાંક
આધુનિક યુગના ડ્રગ માફિયાઓ ડિજિટલ અને અત્યાધુનિક નેટવર્કનો ઉપયોગ કરે છે, ત્યારે તેમની સામે જીતવા માટે ગુજરાત પોલીસે પણ હાઈટેક હથિયાર અપનાવ્યું છે. ડ્રગ્સના ગુનેગારોની પ્રોફાઈલિંગ અને કનેક્શન ટ્રેકિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત ‘NARIT’ સોફ્ટવેર તૈયાર કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.
આ સોફ્ટવેરની મદદથી પકડાયેલા ગુનેગારોના ભૂતકાળના રેકોર્ડ્સ, તેમના આંતરરાષ્ટ્રીય કનેક્શન્સ, નાણાકીય વ્યવહારો અને ડાર્ક વેબના તારને સેકન્ડોમાં સ્કેન કરીને ઇન્ટેલિજન્સ ડેટાબેઝ તૈયાર કરવામાં આવે છે. તપાસમાં માત્ર સ્થાનિક પેડલર સુધી સીમિત ન રહેતા, ગુનાના મૂળ સુધી પહોંચવા માટે ‘ટોપ ટૂ બોટમ એપ્રોચ’ અપનાવાયો છે. NDPS (નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ) હેઠળના કેસોને કોર્ટમાં વધુ મજબૂત બનાવવા, ગુનેગારોને કોર્ટમાંથી કડકમાં કડક સજા અપાવવા અને રાજ્યનો કન્વિક્શન રેટ વધારવા માટે ચાર્જશીટ અને સાયન્ટિફિક પુરાવાઓ આ સોફ્ટવેર દ્વારા એનાલાઈઝ કરવામાં આવે છે.
ડ્રગ્સ વિરુદ્ધ વ્યુહાત્મક એક્શન પ્લાન
*ANTF ની સ્થાપના*: ડ્રગ્સના આંતરરાષ્ટ્રીય તાર અને સપ્લાય ચેઈનને તોડવા ખાસ 'એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ' કાર્યરત કરવામાં આવી છે.
*સ્થાનિક પોલીસને સત્તા:* રાજ્યના પોલીસ વડા શ્રી જી.એસ. મલિકની સૂચનાથી હવે માત્ર SOG કે ATS જ નહીં, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશન પણ નાર્કોટિક્સના કેસ કરી તેની સીધી તપાસ કરી શકશે.
*માઇક્રો-લેવલ એન્ટી-નાર્કોટિક્સ સેલ:* ગ્રામ્ય અને શહેરી વિસ્તારોના છેવાડાના ગામડાઓ સુધી નશાનો વ્યાપ રોકવા દરેક જિલ્લામાં ડેડિકેટેડ સેલની રચના કરવા કવાયત હાથ ધરવામાં આવી છે.
ગુજરાત પોલીસની સક્રિયતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે વર્ષ 2020માં જ્યાં રાજ્યમાં નાર્કોટિક્સના માત્ર 315 કેસ નોંધાયા હતા જ્યારે આ ચાલુ વર્ષે માત્ર પાંચ જ મહિનામાં 584 કેસ નોંધાયા છે. કેસોની સંખ્યામાં થયેલો આ વધારો ડ્રગ્સનો વ્યાપ વધ્યો હોવાનું નહીં, પરંતુ પોલીસની સર્વેલન્સ અને રેડ કરવાની ક્ષમતા તથા ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ વધુમાં વધુ ગુનાઓ શોધી કાઢવાની આક્રમકતા દર્શાવે છે.
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીનો માનવીય અભિગમ
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના મતે, "આ લડાઈ માત્ર ગુનેગારોને પકડવા પૂરતી સીમિત નથી, પરંતુ નશાના દલદલમાં ધકેલાઈ ગયેલા રાજ્યના યુવાધનને સુરક્ષિત બહાર કાઢવાની પણ છે." આ વિચારધારા સાથે રાજ્ય સરકાર ગુનેગારો સામે વજ્ર જેવી કડક હોવાની સાથે-સાથે નશાના ભોગ બનેલા યુવાનો માટે અત્યંત સંવેદનશીલ છે. જે અંતર્ગત વ્યસનમુક્તિ કેન્દ્રને વધુ સુદ્રઢ અને આધુનિક બનાવાયા છે. તેઓ પુનઃ સન્માનભેર સમાજની મુખ્ય ધારામાં જોડાઈ શકે તે માટે યુવાનોને યોગ્ય કાઉન્સિલિંગ અને તબીબી સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.
આંતરરાષ્ટ્રીય ડ્રગ વિરોધી દિવસના અવસરે ગુજરાત પોલીસની આ આક્રમક નીતિઓ, ટેકનોલોજીનો વિવેકપૂર્ણ ઉપયોગ અને સરકારનો મક્કમ ઈરાદો દેશભરના રાજ્યો માટે એક રોલ મોડેલ બન્યું છે. ગુજરાત ‘ડ્રગ-ફ્રી સ્ટેટ’ બનવાની દિશામાં અવિરત અને મક્કમ પગલે આગળ વધી રહ્યું છે.