ગાંધીનગર સ્થિત ગુજરાત લોકભવન ખાતે આયોજિત શ્રીરામકથાના પાંચમા દિવસે સુપ્રસિદ્ધ કથાવાચક આચાર્ય શ્રી કુલદીપજી મહારાજે કૈકેયી દ્વારા પોતાના પુત્ર ભરત માટે રાજગાદી અને શ્રીરામના વનવાસની માંગણી, શ્રીરામનો પરિવારના સભ્યો સાથેનો સંવાદ જેવા પ્રસંગોનું વર્ણન કરીને ઉપસ્થિત ભાવિકોને ભાવવિભોર કરી દીધા હતા.
કથાના પ્રારંભમાં આચાર્યશ્રીએ મંથરાના કુસંગને કારણે કૈકેયી દ્વારા માંગવામાં આવેલા બે વરદાનથી મહારાજા દશરથની મનોવ્યથાનું વર્ણન કર્યું હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જ્યારે કૈકેયીએ ભરત માટે રાજગાદી અને શ્રીરામ માટે ૧૪ વર્ષના વનવાસની વાત કરી ત્યારે શ્રીરામની મનોસ્થિતિ એવીજ રહી જ્યારે રામરાજ્યભિષેકના પ્રસ્તાવ સમયે હતી. આચાર્યશ્રીએ સમાજને સંદેશ આપતા કહ્યું કે, પરિવારમાં ભંગાણ ત્યારે જ આવે છે જ્યારે સાસુ-વહુ એકબીજા પર આધિપત્ય જમાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ રામકથા તો મૈત્રી અને સંસ્કારોનું મિલન શીખવે છે.
સીતાજી જ્યારે શ્રીરામ સાથે વનવાસમાં જવા માટે જીદ કરે છે, ત્યારે તેમણે આપેલું નિવેદન અત્યંત હૃદયસ્પર્શી હતું. આચાર્યશ્રીએ કહ્યું કે, જેમ પાણી વગર નદી અને જીવ વગર શરીરની કોઈ શોભા નથી, તેમ પતિ વગર પત્નીની શોભા નથી. સીતાજીના વનગમન માટે માતા કૌશલ્યાની આજ્ઞા લેવાનો પ્રસ્તાવ એ ભગવાન રામની મર્યાદાનું ઉત્તમ
ઉદાહરણ છે.
માતા કૌશલ્યા અને સીતાજીના સંવાદ દ્વારા આચાર્યશ્રીએ આજના યુગ માટે શ્રેષ્ઠ ઉપદેશ આપ્યો. તેમણે કહ્યું કે, શરીરમાં જે મહત્ત્વ શ્વાસનું છે, પરિવારમાં તે જ મહત્ત્વ સાસુનું છે. કૌશલ્યા માતાએ સીતાજીને આશીર્વાદ આપતા કહ્યું કે, વનને પણ તું તારું સાસરૂં સમજીને રહેજે. આ સંવાદમાં જ તે મંત્ર છુપાયેલો છે જેનાથી પરિવારમાં ઊંચા આદર્શો સ્થાપિત કરી શકાય છે. રામકથાના આ પાંચમા દિવસે ભજન અને મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બની ગયું હતું.
આ કાર્યક્રમની શરૂઆતમાં લેડી ગવર્નર શ્રીમતી દર્શના દેવીજી, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શીશપાલ રાજપૂત, ધારાસભ્ય શ્રી પ્રકાશ વરમોરા તથા લોકભવનના અગ્ર સચિવ શ્રી અશોક શર્માએ દીપ પ્રાગટય કર્યું હતું તથા આચાર્ય શ્રી કુલદીપજી મહારાજનું ફુલહાર દ્વારા સન્માન કર્યું હતું. લોકભવન પરિવાર તથા નગરજનોએ આ ભાવવાહી કથાનું રસપાન કરી ધન્યતા અનુભવી હતી.