ભારતીય રેલવે દ્વારા આત્મનિર્ભર ભારતના વિઝનને સાકાર કરતાં સ્થાનિક ઉત્પાદનોને લોકપ્રિય અને સર્વસુલભ બનાવવા માટે વન સ્ટેશન-વન પ્રોડક્ટ સ્કીમ શરૂ કરવામાં આવી છે. જેથી ભારતીય રેલવે દ્વારા મુસાફરી કરતા મુસાફરોને લાભ મળી શકે.સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, અમદાવાદ શ્રી પવન કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ યોજના હેઠળ અમદાવાદ ડિવઝનના અમદાવાદ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ, ભુજ, ગાંધીનગર, વિરમગામ, સાબરમતી તથા મણિનગર સ્ટેશનો પર “વન સ્ટેશન-વન પ્રોડક્ટ” (OSOP) સ્ટોલ્સ પર ઉત્પાદનોના વેચાણ માટે રસ ધરાવતી વ્યક્તિઓ/સંસ્થાઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ છે.
ઉપરોક્ત સ્ટેશનો માટે વિવિધ વિક્રેતાઓને આ સ્ટોલ પ્રાયોગિક ધોરણે 15 દિવસ માટે માટે રુ.1000/-ની નજીવી ટોકન રકમ પર ફાળવવામાં આવશે. જે અંતર્ગત હેન્ડીક્રાફ્ટ, સ્થાનિક ખાદ્યપદાર્થો, સ્વ-સહાય જૂથો દ્વારા નિર્મિત ઉત્પાદનો, કાપડ અને હાથશાળ, સ્થાનિક રમકડાં, ચામડાની બનાવટો, પરંપરાગત સાધનો, ગારમેન્ટ્સ વગેરે ઉપરાંત અન્ય ઉત્પાદનોનું પ્રદર્શન ગોઠવીને વેચાણ કરી શકાશે. વ્યક્તિગત કારીગરો/ શિલ્પકારો અને સ્વસહાય જૂથો જેવી સંસ્થાઓને આમંત્રિત છે. તેઓ આ યોજનામાં ભાગ લઈ શકશે.
આ યોજનાનો લાભ લેવા માટે ઉત્પાદકો, વિકાસ કમિશનર/રાજ્ય/કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ ઓળખકાર્ડ, TRIFED રજીસ્ટ્રેશન , રજીસ્ટર્ડ સ્વ-સહાય સંસ્થાઓ અથવા MSME પ્રમાણપત્ર ધારકો અરજી કરી શકે છે.
આ બાબતે વધુ માહિતી માટે સ્ટેશન મેનેજર/વાણિજ્ય નિરીક્ષક અને વાણિજ્ય વિભાગ, DRM ઓફિસ, GCS હોસ્પિટલ સામે, નરોડા રોડ, અમદાવાદ-382345 નો સંપર્ક કરો. સોમવારથી શુક્રવાર સવારે સમય 10.30 થી સાંજના 06.00 વાગ્યા સુધી રુબરમાં અથવા મો.નંબર 9724093967 પર સંપર્ક કરી શકાય છે.


