મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતર વસાવા કેસ: આમ આદમી પાર્ટીના નિરંજન વસાવાએ ભાજપ સાંસદને આપ્યો પડકાર

સાંસદ મનસુખ વસાવાના નિવેદન મુદ્દે AAP ના નિરંજન વસાવાનો વળતો પ્રહાર. ચૈતર વસાવા કેસમાં હાઈકોર્ટમાં જામીન બનવા પડકાર ફેંક્યો.

ચૈતર વસાવા કેસ: આમ આદમી પાર્ટીના નિરંજન વસાવાએ ભાજપ સાંસદને આપ્યો પડકાર

અમદાવાદ / નર્મદા / ભરૂચ / ગુજરાત : આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા પ્રમુખ તેમજ પ્રદેશ સંગઠન મંત્રી નિરંજન વસાવાએ વિડીયોના માધ્યમથી ભાજપના સાંસદ મનસુખ વસાવાના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું હતું કે, મનસુખ વસાવા મીડિયામાં આવીને ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી પર આક્ષેપો કરી રહ્યા છે, તે તદ્દન પાયાવિહોણા છે. એમને હું એટલું જ કહેવા માગું છું કે ચૈતરભાઈ વસાવા સાડા ત્રણ વર્ષથી ધારાસભ્ય છે અને તેમણે અત્યાર સુધી જીઆઇડીસીના પ્રશ્નના મુદ્દે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રશ્નના મુદ્દે, શિક્ષણના પ્રશ્નના મુદ્દે, આરોગ્યના પ્રશ્નના મુદ્દે, શિષ્યવૃત્તિના પ્રશ્નના મુદ્દે, કોરિડોરના પ્રશ્નના મુદ્દે કે પછી સનદની જમીનના પ્રશ્નના મુદ્દા સહિત બીજા અનેક મુદ્દાઓ પર તેઓ સતત લડતા હોય છે, અવાજ ઉઠાવે છે અને એ સમસ્યાનું નિરાકરણ લાવે છે. મનસુખભાઈ આજે તમે દીકરીની વાત કરો છો પરંતુ તમારી સરકાર જે ’બેટી બચાવો બેટી પઢાઓ’ ની વાતો કરો છો પરંતુ એક દીકરી 17 દિવસના બાળકને લઈને જેલમાં છે. અંગ્રેજોમાં પણ માનવતા હતી અને તેઓ પણ આવું કામ કરતા ન હતા, ભાજપ આજે કાળા અંગ્રેજ બનીને અત્યાચાર કરે છે. તમે કાગળ લખવાની અને સરકારને રજૂઆત કરવાની વાત કરો છો પરંતુ મારે તમને કહેવું છે કે હમણાં હાઇકોર્ટમાં તારીખ પડશે ત્યારે તમે એ દીકરીના જામીન બનજો. જો તમે જામીન બનશો તો લોકો કહેશે કે મનસુખભાઈ સાંસદ બનીને એક દીકરી સાથે ઊભા છે.

આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે, ચૈતરભાઈ પર 500 સીટોની જવાબદારી હતી અને 500માંથી તેઓ તાલુકા-જિલ્લા પંચાયતની 400 સીટો જીતી લાવ્યા છે અને એટલા માટે ભાજપના પેટમાં તેલ રેડાયું છે, જેથી ઝડપથી ચૈતરભાઈનો કેસ ચલાવવામાં આવ્યો અને ઝડપથી આ કેસમાં જજમેન્ટ આપવામાં આવ્યું. ચૈતરભાઈએ ફાયરિંગ કર્યું હોય એવા એફએસએલ પાસે કોઈ પણ પુરાવા નથી. જે લોકોને આરોપી બતાવવામાં આવ્યા એમાં આ દીકરીનો શું વાંક હતો? તમે નવ લોકોને સાત વર્ષની સજા કરાવી. ભાજપમાં એવા ઘણા નેતાઓ ને આગેવાનો છે જેમણે મર્ડર કરેલા છે, બળાત્કાર કર્યા છે અને બીજા અનેક મોટાઓ ગુનાઓ છે, છતાં પણ એ લોકોને છાવરવામાં આવે છે. હું ફરીથી તમને કહું છું કે મીડિયામાં વાતો કરવા કરતા જ્યારે હાઇકોર્ટમાં તારીખ પડશે ત્યારે તમે એ દીકરીના જામીન થજો અને એ દીકરીને તમે છોડાવજો ત્યારે અમે માનીશું કે એક સાંસદ પોતાના આદિવાસી સમાજની દીકરીની ચિંતા કરે છે. ચૈતરભાઈ પર જેટલા ગુના નોંધવામાં આવે છે, એ તમારા કારણે નોંધવામાં આવ્યા છે. ચૈતરભાઈ તમામ સમાજના મુદ્દાઓ ઉઠાવે છે, તમામ સમાજનો અવાજ બને છે, જેથી તમને લોકોને ક્યાંકને ક્યાંક ખૂંચી રહ્યા છે, માટે તમે આવા કેસોમાં તેમને ફસાવીને તેમને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો.

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ચૈતર વસાવા Chaitar Vasava Gujarat politics AAP GUJARAT niranjan vasava આમ આદમી પાર્ટી ગુજરાત નિરંજન વસાવા આદિવાસી સમાજ ગુજરાત ગુજરાત રાજકારણ Mansukh Vasava ચૈતર વસાવા કેસ અપડેટ મનસુખ વસાવા

સંબંધિત સમાચાર