મુખ્ય સામગ્રી પર જાઓ

ચૈતર વસાવા કેસ: ગોપાલ ઈટાલિયાનો મોટો ઘટસ્ફોટ, CM અને હર્ષ સંઘવી પર લગાવ્યા ગંભીર આરોપો

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ ચૈતર વસાવા કેસમાં મોટો ખુલાસો કર્યો છે. તેમણે સરકાર પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે આખું ષડયંત્ર CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીના ઈશારે રચાયું હતું. જાણો વિગત.

ચૈતર વસાવા કેસ: ગોપાલ ઈટાલિયાનો મોટો ઘટસ્ફોટ, CM અને હર્ષ સંઘવી પર લગાવ્યા ગંભીર આરોપો

અમદાવાદ : આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં મોટો ખુલાસો કરતા જણાવ્યું હતું કે, ચૈતરભાઈ વસાવાના કેસમાં એક બહુ મોટી બાબત સામે આવી છે. જ્યારે ચૈતરભાઈ જેલમાં જવાના હતા ત્યારે જો તમે મારું મીડિયા સમક્ષ આપેલું નિવેદન સાંભળ્યું હોય તો તેમાં હું બોલ્યો હતો કે સરકારી પોલીસ, સરકારી ફરિયાદી, સરકારી સાક્ષી અને સરકારી વકીલ, આ બધા ભેગા મળીને ભાજપના ઈશારે નિર્દોષ લોકોને જેલમાં ધકેલી રહ્યા છે. મેં તે દિવસથી લઈને આજ સુધી જે વાત કહી હતી, તેને સાબિત કરતો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં ગુજરાત હાઈકોર્ટના સરકારી વકીલ એવું જણાવી રહ્યા છે કે, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ સીધી સૂચના હાઈકોર્ટના સરકારી વકીલ સાહેબને આપી હતી. એ વકીલ સાહેબે હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીની સૂચના પ્રમાણે કોર્ટમાં કામ કર્યું, જેના કારણે શકુંતલાબેનને જામીન મળી ગયા. હું આ જ વાત પહેલા દિવસથી કહું છું કે મુખ્યમંત્રી અને હર્ષ સંઘવી સરકારી વકીલોને પહેલા દિવસથી જ ખાનગીમાં અને જાહેરમાં આવી સૂચનાઓ આપતા હશે અને એટલે જ ડેડિયાપાડાની કોર્ટમાં નિર્દોષ માણસોને સાત વર્ષની સજા થઈ. હર્ષ સંઘવી અને ભૂપેન્દ્ર પટેલે સંયુક્ત નિર્ણય લીધો કે ચૈતર વસાવાને ખોટા કેસમાં સાત વર્ષની સજા કરાવી દેવી, જેથી તેઓ આદિવાસી સમાજને જે જાગૃત કરવાનું કામ કરે છે તે રોકી શકાય. આખો ખેલ આજે ખુલ્લો પડી ગયો છે. હાઈકોર્ટના સરકારી વકીલ પોતે બોલે છે કે તેમને સરકારમાંથી સીધી સૂચના મળી હતી. આ સૂચના કોઈ સામાન્ય અધિકારીની નહોતી, કાયદા વિભાગના IASની નહોતી, કે કાયદા વિભાગના સચિવ કે મદદનીશ સચિવની નહોતી, પરંતુ સીધી ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હતી! એનો અર્થ એ થયો કે આ આખા કેસની અંદર, ચૈતર વસાવાને જેલમાં પૂરવા માટે ઉપર બેઠેલા આ બે માણસોએ જ સીધી સૂચનાઓ આપી છે. અને હવે એવું કહેવામાં આવે છે કે સરકારે 'માનવતાનો સંવેદનશીલ અભિગમ' રાખ્યો છે. 

’આપ’ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતુ કે ડેડિયાપાડાના કેસમાં રાજપીપળાની સેશન્સ કોર્ટમાં પણ સરકારી વકીલ હતા જ, તો ત્યારે મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ કેમ માનવતાનો સંદેશ ન આપ્યો? ત્યાં તો સરકારી વકીલે જે પણ દલીલો કરવાની હતી તે કરીને ખોટી સજા કરાવી દીધી. અને હવે અચાનક મુખ્યમંત્રી સંવેદનશીલ થઈ ગયા? ગૃહમંત્રી માનવતાનો અભિગમ દાખવતા થઈ ગયા? શું કામ? કારણ કે આજે ડેડિયાપાડાના પીઠા ગ્રાઉન્ડમાં એક લાખ આદિવાસીઓ એકઠા થયા છે, એટલે તમને માનવતા યાદ આવી! પહેલા તો તમે અમાનવીય કૃત્ય કર્યું, ૧૮ દિવસનો દીકરો હોય તેવી માતાને જેલમાં મોકલી દીધી. અને હવે જ્યારે આદિવાસી સમાજ આક્રોશમાં આવ્યો, જાગૃત થયો અને બોલતો થયો કે 'અમારા નેતાને કેમ જેલમાં પૂર્યા છે?', ત્યારે તમને માનવતા યાદ આવી? અને જો માનવતા યાદ આવી જ છે, તો માત્ર એક બેન પૂરતી જ કેમ? બાકીના બધા પણ નિર્દોષ જ છે ને! તમારી રાજકીય લડાઈ ચૈતર વસાવા સાથે છે, પણ આ કેસમાં ૯ આરોપીઓમાંથી ચૈતર વસાવા સિવાયના બાકીના બધા જ લોકો બિનરાજકીય છે, તેઓ ખેડૂતો છે, તેમની પત્નીઓ છે, તેમની દીકરીઓ છે. જો તમને માનવતા યાદ આવી હોય, તો બાકીના બધા લોકોને કેમ જેલમાં પૂરી રાખ્યા છે? સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજને પણ કહેવું છે કે, આ આખો કેસ રાજકીય છે અને એક રાજકીય સ્ટંટ ઊભો કરવામાં આવ્યો છે. આજે હાઈકોર્ટના સરકારી વકીલ જે બોલ્યા છે, તેનાથી સાબિત થઈ ગયું છે કે આખા કેસમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને શરૂઆતથી લઈને અંત સુધીની બધી જ ખબર છે. સામાન્ય રીતે સરકાર સૂચના આપે તો તેનો કોઈ ઓથોરાઈઝ્ડ કર્મચારી કે અધિકારી આપે, મુખ્યમંત્રી ક્યારેય કોઈને આવી સીધી સૂચના ન આપે. પણ આ કેસમાં સીધી સૂચના આપવામાં આવી છે, જેનો સ્પષ્ટ અર્થ એ છે કે ચૈતર વસાવાને જેલમાં પૂરવા માટેનું આખું ષડયંત્ર હર્ષ સંઘવી અને મુખ્યમંત્રીએ ભેગા મળીને રચ્યું છે. 

આમ આદમી પાર્ટી ગુજરાત

Tags: ગોપાલ ઈટાલિયા ચૈતર વસાવા હર્ષ સંઘવી ગુજરાત સરકાર ચૈતર વસાવા કેસ

સંબંધિત સમાચાર