મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત જાપાનના મુંબઈ સ્થિત કૉન્સ્યુલ જનરલ શ્રી યાગી કોજીએ ગાંધીનગરમાં લીધી હતી. તેમણે ગુજરાતની તેમની આ મુલાકાતને આનંદદાયક ગણાવતા મુખ્યમંત્રીશ્રી સાથેની વાતચીતમાં કહ્યું કે, જાપાન-ભારત-ગુજરાતના પરસ્પર મજબૂત સંબંધો અને સ્ટ્રેટેજિક ગ્લોબલ પાર્ટનરશીપ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને આભારી છે.
બે રાષ્ટ્રો વચ્ચે બિઝનેસ અને ઇકોનોમી ક્ષેત્રના સંબંધોની નવી દિશા આના પરિણામે ખુલી છે અને ખાસ કરીને વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટની જ્વલંત સફળતાએ જાપાનના અનેક ઉદ્યોગોને ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કર્યા છે એમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની જાપાન મુલાકાત ફળદાયી નીવડી છે તેનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો. જાપાનના કૉન્સ્યુલ જનરલશ્રીએ ઉમેર્યું કે, વાઇબ્રન્ટ સમિટ ૨૦૨૪માં સુઝુકી મોટર્સે ગુજરાતમાં પોતાના એક્સપાન્શન પ્રોજેક્ટની જાહેરાત કરેલી છે. એટલું જ નહિં, જાપાનની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપનીઝ પણ ભારતની કંપનીઝ સાથે કોલૅબરેશન કરીને ગુજરાતમાં આવવા ઉત્સુક છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ઉત્સુકતાની સરાહના કરતાં કહ્યું કે, આવા પ્રોજેક્ટ્સ માટે જરૂરી સ્થળ અને જમીન પસંદગી તથા ફાળવણીમાં રાજ્ય સરકાર જરૂરી મદદ કરશે.