નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકી સંગઠન અલ કાયદાથી પ્રભાવિત આતંકી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઝારખંડ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશની પોલીસ સાથે મળીને સંયુક્ત ઓપરેશન હાથ ધરીને આ મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. આ મોડ્યુલનું નેતૃત્વ રાંચીના નિવાસી ડો. ઈશ્તિયાક કરી રહ્યા હતા.
આતંકીઓ કોઈ મોટો ગુનો કરવાની યોજના બનાવી રહ્યા હતા
મળતી માહિતી મુજબ, આતંકી મોડ્યુલ દેશમાં ઘણી આતંકી ઘટનાઓને અંજામ આપવાની યોજના બનાવી રહ્યું હતું. મોડ્યુલના સભ્યોને અલગ-અલગ જગ્યાએ હથિયાર ચલાવવાની તાલીમ આપવામાં આવી હતી.
હથિયારોની તાલીમ દરમિયાન ધરપકડ
પોલીસે હથિયારોના ઉપયોગની તાલીમ દરમિયાન રાજસ્થાનના ભિવડીમાંથી 6 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ સિવાય ઝારખંડ અને ઉત્તર પ્રદેશના આઠ શકમંદોને પૂછપરછ માટે અટકાયતમાં લેવામાં આવ્યા છે.
હથિયારો અને દારૂગોળો મળી આવ્યો
દિલ્હી પોલીસે આ સંયુક્ત ઓપરેશનમાં હથિયારો, દારૂગોળો, સાહિત્ય વગેરે જપ્ત કર્યા છે. દરોડાની કાર્યવાહી હજુ ચાલુ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ ઓપરેશનમાં મહત્વની ભૂમિકા ભજવી છે અને દેશમાં આતંકવાદી ગતિવિધિઓને રોકવામાં સફળતા મેળવી છે.


