અમદાવાદ : આમ આદમી પાર્ટીના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડો. કરન બારોટે વિડિયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)નું નામ બદલીને “નોટ ટ્રસ્ટેબલ એજન્સી” રાખવું જોઈએ. તેમણે જણાવ્યું કે વર્ષ 2026ની નીટ પરીક્ષામાં સામે આવેલી ગેરરીતિઓ એ સ્પષ્ટ કરે છે કે NTA સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને વિદ્યાર્થીઓ પ્રત્યે અસંવેદનશીલ બની ગઈ છે. સંસદીય સમિતિના રિપોર્ટ મુજબ વર્ષ 2024માં NTA દ્વારા લેવાયેલી 14 મોટી પરીક્ષાઓમાંથી 5 પરીક્ષાઓમાં ગેરરીતિઓ સામે આવી હતી. તેમાં ખાસ કરીને NEET પરીક્ષામાં પ્રશ્નપત્ર લીક અને કરપ્શન જેવી ગંભીર બાબતો સામે આવી છે. આજે 23 લાખ વિદ્યાર્થીઓના જીવન સાથે ચેડાં કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ દિવસ-રાત મહેનત કરે છે, પરિવારો લાખો રૂપિયા ખર્ચે છે જેથી બાળકો NEETમાં સારા માર્ક્સ મેળવી શકે, પરંતુ પેપર લીક જેવી ઘટનાઓ તેમના ભવિષ્યને જોખમમાં મૂકે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે આ વખતે સારા માર્ક્સ મેળવ્યા છે, પરંતુ ફરી પરીક્ષા લેવાશે તો કદાચ એ જ પરિણામ મેળવી નહીં શકે. હવે ફરીથી કોચિંગની ફી ભરવાની ફરજ પડશે, તો એની જવાબદારી કોણ લેશે? એવો સવાલ પણ તેમણે સરકારને કર્યો હતો.
AAP પ્રવક્તા ડો. કરન બારોટે વધુમાં જણાવ્યું હતું કે સરકાર શા માટે આ સમગ્ર મામલામાં જવાબદાર લોકોને બચાવી રહી છે? કેટલીક માહિતી એવી પણ સામે આવી રહી છે કે જેમની ધરપકડ કરવામાં આવી છે તેમનું કનેક્શન ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલું છે અને તેઓ ભાજપમાં પદાધિકારી તરીકે પણ જોડાયેલા છે. તેમણે કહ્યું કે સરકારને શરમ આવવી જોઈએ કારણ કે પરીક્ષા કેન્દ્રો વિદ્યાર્થીઓના ઘરોથી દૂર આપવામાં આવે છે, વિદ્યાર્થીઓની તુલસીની માળા સુધી ઉતરાવી લેવામાં આવે છે, શરીરની કડક તપાસ કરવામાં આવે છે, પરંતુ જે લોકો પેપર લીક કરે છે તેમને પકડવામાં સરકાર અને NTA નિષ્ફળ સાબિત થઈ છે. વિદ્યાર્થીઓ પર કડક નિયમો લાદવામાં આવે છે પરંતુ સાચા આરોપીઓ સામે કાર્યવાહી થતી નથી. જો NTA યોગ્ય રીતે પરીક્ષાઓ લઈ શકતી ન હોય તો પરીક્ષાની જવાબદારી CBSE બોર્ડને સોંપવી જોઈએ અને NTAને બંધ કરી દેવી જોઈએ. આમ આદમી પાર્ટીની સરકાર સામે સ્પષ્ટ અને કડક માંગણી છે કે પેપર લીક કરનારાઓ સામે જેટલી કડક કાર્યવાહી કરવામાં આવે છે એટલી જ કડક કાર્યવાહી NTA સામે પણ થવી જોઈએ. આ સમગ્ર મામલે કોઈની જવાબદારી નક્કી થવી જોઈએ, કોઈએ એકાઉન્ટેબિલિટી સ્વીકારવી જોઈએ, જવાબદારી લેવી જોઈએ, વિદ્યાર્થીઓની સામે આવીને માફી માંગવી જોઈએ અને રાજીનામું આપવું જોઈએ.
આમ આદમી પાર્ટી ગુજરાત