મુખ્ય સામગ્રી પર જાઓ

ડોગ સ્ક્વોડના શ્વાન "જીકો"ની સતર્કતા: ડેરોલ રેલવે સ્ટેશન પર મુસાફર પાસેથી એલપીજી સિલિન્ડર જપ્ત

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ અંતર્ગત જ્વલનશીલ પદાર્થો સામે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાનની સફળતા.

ડોગ સ્ક્વોડના શ્વાન "જીકો"ની સતર્કતા: ડેરોલ રેલવે સ્ટેશન પર મુસાફર પાસેથી એલપીજી સિલિન્ડર જપ્ત

રેલવે સુરક્ષા દળ દ્વારા મુસાફરોની સુરક્ષા તેમજ રેલવે પરિસરમાં પ્રતિબંધિત અને જ્વલનશીલ વસ્તુઓના પરિવહનને રોકવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ અભિયાન (જન જાગૃતિ) અંતર્ગત તા. 04.08.2026ના રોજ ડેરોલ રેલવે સ્ટેશન પર ડોગ સ્ક્વોડ દ્વારા અસરકારક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં એક મુસાફર પાસેથી એક એલપીજી સિલિન્ડર મળી આવ્યો હતો. પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવે છે કે તેઓ રેલવે પરિસર તથા ટ્રેનોમાં એલપીજી સિલિન્ડર સહિત કોઈપણ પ્રકારની જ્વલનશીલ અને પ્રતિબંધિત સામગ્રીનું પરિવહન ન કરે.

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના જનસંપર્ક અધિકારી શ્રી અનુભવ સક્સેના દ્વારા જારી કરવામાં આવેલી એક અખબારી યાદી અનુસાર, તા. 04.08.2026ના રોજ ડેરોલ રેલવે સ્ટેશન પર ડોગ હેન્ડલર સહાયક ઉપ નિરીક્ષક નવીન સિંહ પોતાના સ્ટાફ તથા શ્વાન "જીકો" સાથે જ્વલનશીલ પદાર્થોની વિશેષ તપાસ કરી રહ્યા હતા. તે દરમિયાન પ્લેટફોર્મ પર તપાસ કરતી વખતે શ્વાન "જીકો"એ એક મુસાફરના સામાન અંગે સંકેત આપ્યો હતો. હેન્ડલર દ્વારા મુસાફરનો સામાન ખોલાવીને તપાસ કરવામાં આવતા તેમાં 5 કિલોગ્રામ ક્ષમતાનો એક એલપીજી સિલિન્ડર મળી આવ્યો હતો.

સિલિન્ડર મળી આવ્યા બાદ વધુ કાર્યવાહી માટે આ મામલો આરપીએફ પોસ્ટ ગોધરાને સોંપવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સહાયક ઉપ નિરીક્ષક મહેન્દ્ર પાલ સિંહ દ્વારા પૂછપરછ કરવામાં આવતા સંબંધિત વ્યક્તિએ પોતાનું નામ હરિ મદનલાલ ધાકડ (ઉંમર 63 વર્ષ), રહેવાસી શિવપુરી (મધ્ય પ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. તેઓ પોતાના પુત્ર રાજા ધાકડ સાથે સામાન્ય ટિકિટ પર ડેરોલથી ઉજ્જૈન જવા માટે પ્લેટફોર્મ નંબર-1 પર રાહ જોઈ રહ્યા હતા. પૂછપરછ દરમિયાન સંબંધિત વ્યક્તિએ પોતાની સાથે એલપીજી સિલિન્ડર લઈ જવાની વાત સ્વીકારી હતી. આ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો તથા જરૂરી કાયદેસરની કાર્યવાહી બાદ આરોપી દ્વારા જામીન અરજી રજૂ કરવામાં આવી અને નિર્ધારિત ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી તેને નિયમ મુજબ જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

પશ્ચિમ રેલવેના વડોદરા મંડળના સુરક્ષા વિભાગ અનુસાર, આવા કૃત્યો માત્ર રેલવેના નિયમોનું ઉલ્લંઘન જ નથી, પરંતુ મુસાફરોની સુરક્ષા માટે પણ ગંભીર જોખમ ઊભું કરે છે. રેલવે સુરક્ષા દળ દ્વારા ભવિષ્યમાં પણ આ પ્રકારના વિશેષ અભિયાનો સતત ચલાવવામાં આવશે.

Tags: Western Railway safety campaign Derol railway station LPG cylinder RPF Godhra action Dog squad Zico Vadodara division

સંબંધિત સમાચાર