રાજપીપલા: વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે, અત્યાર સુધી કુલ ૧.૭૫ કરોડ પ્રવાસીઓએ એકતા નગરની મુલાકાત કરી છે. વર્ષ ૨૦૨૩માં રેકોર્ડબ્રેક કુલ ૫૧ લાખ કરતા વધુ પ્રવાસીઓ મુલાકાત લઇ ચુકયા છે.
SoUADTGAના ચેરમેનશ્રી મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારીશ્રી ઉદિત અગ્રવાલ દ્વારા જે-તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રક્લ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મરામત કાર્ય માટે બંધ રાખવામાં આવે છે. સોમવારે ઉજ્વવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રક્લ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અને SoUADTGA ના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને
શનિવાર,રવિવાર અને સોમવારના મિનિ વેકેશનનો લાભ મળે છે. તહેવાર નિમિત્તે સોમવારે તમામ પ્રવાસિય પ્રક્લ્પો ખુલ્લા રાખવાના કારણે બીજા દિવસે મંગળવારે સાપ્તાહિક રજાની પણ જાહેરાત કરવામાં આવે છે, જેથી યોગ્ય મરામત કાર્ય હાથ ધરી શકાય.
વર્ષ ૨૦૨૪ દરમ્યાન કયા-ક્યા સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ રહેશે?
૧) ધુળેટી - તા. ૨૫/૦૩/૨૦૨૪, સોમવાર
૨) બકરી ઇદ - તા. ૧૭/૦૬/૨૦૨૪, સોમવાર
૩) રક્ષાબંધન - તા. ૧૯/૦૮/૨૦૨૪, સોમવાર
૪) જન્માષ્ટમી - તા. ૨૬/૦૮/૨૦૨૪, સોમવાર
૫) ઇદે મિલાદ - તા. ૧૬/૦૯/૨૦૨૪, સોમવાર
વર્ષ ૨૦૨૪ દરમ્યાન કયા મંગળવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ રહેશે??
૧) તા. ૨૬/૦૩/૨૦૨૪, મંગળવાર
૨) તા. ૧૮/૦૬/૨૦૨૪, મંગળવાર
૩) તા. ૨૦/૦૮/૨૦૨૪, મંગળવાર
૪) તા. ૨૭/૦૮/૨૦૨૪, મંગળવાર
૫) તા. ૧૭/૦૯/૨૦૨૪, મંગળવાર
આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર શ્રી ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, પ્રવાસીઓની લાગણી અને માંગણીને ધ્યાને લઈને પોતાના પરિવાર સાથે એકતા નગર ખાતે તહેવાર ઉજવી શકે તે માટે 2024ના 5 સોમવારે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે જેથી મિની વેકેશનનો લાભ મળી શકે.
પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે, ઉપરોકત દિવસો દરમ્યાન સોમવારે પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઈટથી બુક કરાવે અને જે રજા જાહેર કરાયેલ મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે.
આ અંગે ટિકિટિંગ વિભાગ દ્વારા અગાઉથી જ ખાસ તકેદારી રાખી સદર 5 સોમવારે બુકીંગ ચાલુ રાખવામાં આવશે અને તે જ ઉપક્રમમાં રજા જાહેર કરાયેલ સદર 5 મંગળવારે બુકીંગ અગાઉથી જ બંધ કરી દેવામાં આવેલ છે.


