વારાણસી : એર ઈન્ડિયાએ આજે ભારતીય ઉડ્ડયન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સ્થાપિત કર્યું છે. કંપનીએ ભારત સરકારના નવા હબ-એન્ડ-સ્પોક માળખા હેઠળ પોતાની પ્રથમ ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટનો પ્રારંભ કર્યો હતો. આ નવી વ્યવસ્થાનો હેતુ ભારતના દરેક ખૂણાને વિશ્વ સાથે અને વિશ્વને ભારત સાથે સરળતાથી જોડવાનો છે.
પ્રથમ ઈઝી કનેક્ટ સર્વિસ તરીકે ફ્લાઇટ AI1111 આજે સવારે 9:23 વાગ્યે વારાણસીથી રવાના થઈ હતી. આ ફ્લાઇટમાં મુસાફરી કરનારા આંતરરાષ્ટ્રીય મુસાફરો દિલ્હીથી આગળ દુબઈ, કોલંબો, જેદ્દાહ, રિયાધ, કાઠમંડુ અને ફૂકેત સહિત ભારત બહારના 9 સ્થળો માટે જોડાણ મેળવ્યું હતું.
ભારત સરકારના માનનીય કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામ મોહન નાયડુએ વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય વિમાનમથકથી પ્રથમ ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટને લીલી ઝંડી બતાવી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “આજે અમે હવાઈ મુસાફરીને વધુ સુલભ બનાવવા અને કાર્યક્ષમ, સર્વસમાવેશક તથા વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક હોય તેવા ભવિષ્ય માટે તૈયાર અને આત્મનિર્ભર ભારતીય ઉડ્ડયન ઉદ્યોગ ઊભો કરવાના અમારા વિઝનને સાકાર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. અમારું નવું હબ-એન્ડ-સ્પોક મોડલ નાગરિકોની મુસાફરી કરવાની રીતમાં મોટો બદલાવ લાવશે. હવે ભારતમાં કોઈપણ શહેરમાં રહેતો વ્યક્તિ પોતાના શહેરમાંથી જ આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરી શકશે અને ભારતની પોતાની એરલાઇન દ્વારા વિશ્વના કોઈપણ ખૂણે સરળતાથી અને આત્મવિશ્વાસ સાથે પહોંચી શકશે.”
કાર્યક્રમ દરમિયાન માનનીય કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી કિંજરાપુ રામ મોહન નાયડૂએ પ્રથમ ઈઝી કનેક્ટ ફ્લાઇટ માટે ચેક-ઇન કરનાર પ્રથમ મુસાફરને સ્મૃતિચિહ્નરૂપ બોર્ડિંગ પાસ આપ્યો હતો. આ પ્રસંગે નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ શ્રી સમીર કુમાર સિંહા, અધિક સચિવ શ્રી પુનીત કંસલ, એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના ચેરમેન શ્રી વિપિન કુમાર, એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેમ્પબેલ વિલ્સન, એર ઈન્ડિયાના ગ્રુપ હેડ – ગવર્નન્સ, રિસ્ક, કમ્પ્લાયન્સ અને કોર્પોરેટ અફેર્સ શ્રી પી. બાલાજી તેમજ સરકાર અને એર ઈન્ડિયાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
દેશવ્યાપી વિસ્તરણ
હબ-એન્ડ-સ્પોક સેવાઓ શરૂ કરનાર પ્રથમ એરલાઇન તરીકે એર ઈન્ડિયા તબક્કાવાર દેશવ્યાપી વિસ્તરણનું નેતૃત્વ કરી રહી છે. આ અંતર્ગત વારાણસી ઉપરાંત દેશના વધુ શહેરોને એરલાઇનના મુખ્ય હબ એવા દિલ્હી, મુંબઈ અને બેંગાલુરુ સાથે જોડવામાં આવશે, જેથી લાખો ભારતીયોને ઘરેથી જ સરળ અને સંપૂર્ણ આંતરરાષ્ટ્રીય મુસાફરીની સુવિધા મળશે.
આગામી થોડા મહિનાઓમાં એર ઈન્ડિયા અમદાવાદ, અમૃતસર, ચેન્નાઈ, ગોવા, ગુવાહાટી, હૈદરાબાદ, કોચી, મુંબઈ, પટણા, વડોદરા અને વિશાખાપટ્ટનમ સહિતના અનેક શહેરોમાં તબક્કાવાર ‘ઈઝી કનેક્ટ’ સેવાઓ શરૂ કરવાની યોજના ધરાવે છે. આ પગલાંથી ભારતીય મુસાફરો વિશ્વભરના સ્થળોએ પહોંચવાની રીતમાં મૂળભૂત ફેરફાર આવશે.
એર ઈન્ડિયાના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે, “ભારત વૈશ્વિક ઉડ્ડયન ક્ષેત્રમાં એક મહત્વપૂર્ણ શક્તિ છે, છતાં દાયકાઓથી વિદેશ જતાં ઘણા ભારતીય મુસાફરોને અન્ય દેશોના ટ્રાન્ઝિટ એરપોર્ટ્સ મારફતે મુસાફરી કરવી પડતી હતી, જેના કારણે તેમની સુવિધા અને આરામ પર અસર પડતી હતી. એર ઈન્ડિયાની ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટ્સ આ પરિસ્થિતિનો જવાબ છે અને આ માળખાને શક્ય બનાવવામાં ભારત સરકારના વિઝન અને સહયોગ માટે અમે આભારી છીએ.”
શ્રી વિલ્સને વધુમાં જણાવ્યું હતું કે, “આજના ભારતમાં વારાણસી, અમૃતસર અથવા વિશાખાપટ્ટનમમાં રહેતા પરિવારને વિશ્વમાં પહોંચવા માટે અજાણ્યા વિદેશી ટ્રાન્ઝિટ એરપોર્ટ્સનો સામનો કરવો ન પડવો જોઈએ. તેઓ પોતાના શહેરમાંથી, પોતાની જમીન પરથી, આત્મવિશ્વાસ, આરામ અને ગૌરવ સાથે આંતરરાષ્ટ્રીય મુસાફરી શરૂ કરી શકવા જોઈએ અને વિશ્વના વિવિધ સ્થળો સાથે સરળતાથી જોડાઈ શકતા હોવા જોઈએ.”
દર વર્ષે આશરે 2.5 કરોડ મુસાફરો ભારતથી અને ભારત માટે લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય મુસાફરી કરે છે. તેમાં લગભગ 2 કરોડ મુસાફરો કનેક્ટિંગ મુસાફરો હોય છે. આમાંથી લગભગ 85 ટકા એટલે કે અંદાજે 1.7 કરોડ મુસાફરો હાલમાં ભારતીય એરપોર્ટ્સના બદલે વિદેશી હબ એરપોર્ટ્સ મારફતે ટ્રાન્ઝિટ કરે છે.
‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટ્સ વિશે વધુ માહિતી
એર ઈન્ડિયાની ‘ઈઝી કનેક્ટ’ સેવાઓ એવી ફ્લાઇટ્સ છે, જે સ્પોક એરપોર્ટ્સને હબ એરપોર્ટ્સ સાથે જોડે છે અને હબ એરપોર્ટ્સથી આગળના આંતરરાષ્ટ્રીય સ્થળો સુધી સરળ જોડાણ ઉપલબ્ધ કરાવે છે. તેનો અર્થ એ છે કે જે શહેરોમાંથી અનેક આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સીધી ફ્લાઇટ ઉપલબ્ધ નથી, ત્યાંના મુસાફરો હવે પોતાના શહેરમાંથી જ સરળતાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરી શકશે.
પ્રસ્થાનના એરપોર્ટ પર જ અંતિમ સ્થળ સુધીનું ચેક-ઇન
હબ એરપોર્ટના બદલે પ્રસ્થાનના સ્થળે જ ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની સુવિધા
હબ એરપોર્ટ પર સામાન ફરીથી ચેક-ઇન કરાવવાની જરૂરિયાત વિના સરળ આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ
આ વ્યવસ્થાથી મુસાફરો દિલ્હી અથવા મુંબઈ મારફતે આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝિટ મુસાફર તરીકે આગળ જઈ શકશે. પરિણામે વારંવારની પ્રક્રિયાઓમાંથી મુક્તિ મળશે અને વિદેશી હબ એરપોર્ટ્સ પર થતી જટિલતા તથા અજાણ્યાપણાની લાગણીમાં નોંધપાત્ર ઘટાડો થશે.
એર ઈન્ડિયાની ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટ્સમાં મુસાફરી કરતા મુસાફરોએ સરળ મુસાફરી સુનિશ્ચિત કરવા માટે કેટલીક પ્રી-ડિપાર્ચર અને ટ્રાન્ઝિટ સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવી પડશે. તેમાં ભારતીય નાગરિકો માટે ડિજિયાત્રા (DigiYatra)માં નોંધણી ફરજિયાત છે. ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટ્સ દ્વારા આંતરરાષ્ટ્રીય જોડાણ ધરાવતા ભારતીય પાસપોર્ટધારકોએ ડિજિયાત્રામાં નોંધણી કરાવવી અને પ્રસ્થાન પહેલાં પોતાના બોર્ડિંગ પાસ એપમાં અપલોડ કરવા જરૂરી રહેશે. સ્પોક એરપોર્ટ્સ પર વેબ ચેક-ઇન અને કસ્ટમ્સ ડિક્લેરેશનની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
નવા હબ-એન્ડ-સ્પોક મોડલ હેઠળ એર ઈન્ડિયાની ‘ઈઝી કનેક્ટ’ ફ્લાઇટ્સ માટે બુકિંગ હવે એર ઈન્ડિયાની વેબસાઇટ, મોબાઇલ એપ, કોન્ટેક્ટ સેન્ટર અને ટ્રાવેલ એજન્ટ્સ સહિત તમામ માધ્યમો પર શરૂ થઈ ગયું છે.
વારાણસી-દિલ્હી વચ્ચેની ફ્લાઇટ AI1111 દિલ્હી પહોંચ્યા બાદ ચાર કલાકની અંદર લંડન, રોમ, મિલાન, ફ્રેન્કફર્ટ, ઝ્યુરિક, દુબઈ, રિયાધ, જેદ્દાહ સહિત કુલ 17 આંતરરાષ્ટ્રીય સ્થળો માટે સરળ જોડાણ ઉપલબ્ધ કરાવે છે.