મુખ્ય સામગ્રી પર જાઓ

ગાંધીનગરમાં 'ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગ'નો પ્રારંભ

મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ-ગુજરાત (MGLI) તથા આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન (ILO)ના સંયુક્ત ઉપક્રમે "ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગ"નો પ્રારંભ.

ગાંધીનગરમાં 'ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગ'નો પ્રારંભ

ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગે શ્રમ ક્ષેત્રે એક નવી પહેલ હાથ ધરી છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન હસ્તકના આંતરરાષ્ટ્રીય તાલીમ કેન્દ્ર (ITC-ILO) તથા ગુજરાતના મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ (MGLI)ના સંયુક્ત ઉપક્રમે "ડિપ્લોમા પ્રોગ્રામ ઓન લેબર રિલેશન્સ એન્ડ સોશિયલ ડાયલોગ"નો આજથી વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે.

 

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા શ્રમ રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં ILOના દક્ષિણ એશિયા અને ભારત કચેરીના ડિરેક્ટર શ્રી મિચિકો મિયામોટો તથા MGLIના મહાનિદેશક શ્રી પ્રવિણ સોલંકી દ્વારા સત્તાવાર એમ.ઓ.યુ. પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

 

આ કરાર થકી ગુજરાતમાં લેબર રિલેશન્સ અને સોશિયલ ડાયલોગના ક્ષેત્રે વૈશ્વિક સ્તરની તાલીમ તેમજ નવીન સંશોધનોને વેગ મળશે.

 

શ્રમ અને રોજગાર મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ વર્ચ્યુઅલ માધ્યમથી આ પ્રોગ્રામની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે કહ્યું કે, મહાત્મા ગાંધીના શ્રમ સન્માનના વિચારોને વૈશ્વિક સ્તરે લઈ જતી આ ભાગીદારી 'આત્મનિર્ભર ભારત' અને સમાવેશી આર્થિક વિકાસના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત આધાર પૂરો પાડશે.

 

આજથી પ્રારંભ થયેલો આ અભ્યાસક્રમ ભારતીય લેબર રિલેશન્સના ક્ષેત્રમાં નવી દિશા પ્રદાન કરશે. મંત્રીશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, આ માત્ર બે સંસ્થાઓ વચ્ચેનો એક કરાર જ નથી, પરંતુ જ્ઞાન, અનુભવ અને વૈશ્વિક શ્રેષ્ઠ પદ્ધતિઓના આદાન-પ્રદાન માટેનો એક મજબૂત મંચ છે, જે સરકાર, ઉદ્યોગો અને શ્રમિક સંગઠનો વચ્ચે ક્ષમતા નિર્માણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડશે.

 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'વિકસિત ભારત ૨૦૪૭' ના વિઝનને ટાંકીને મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વિકસિત ભારતના વિઝનમાં માત્ર આર્થિક પ્રગતિ જ નથી, પરંતુ તેમાં સમાવેશી વિકાસ, કુશળ માનવ સંસાધન અને ઔદ્યોગિક શાંતિનો પણ સમાવેશ થાય છે. ભારત સરકારની ચાર શ્રમ સંહિતાઓ શ્રમિકોની સામાજિક સુરક્ષા, પારદર્શિતા અને ઔદ્યોગિક વિકાસ વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે. શ્રમિકો રાષ્ટ્ર નિર્માણની સૌથી મોટી શક્તિ છે અને જ્યારે તેઓ સશક્ત અને કૌશલ્યયુક્ત બનશે, ત્યારે જ વિકસિત ભારતનો સંકલ્પ  ખરા અર્થમાં સાકાર થશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

 

ગુજરાત આજે દેશના અગ્રણી ઔદ્યોગિક રાજ્યોમાં સ્થાન ધરાવે છે, જેની પાછળ માત્ર ઉદ્યોગોનો વ્યાપ નહીં પણ શાંતિપૂર્ણ ઔદ્યોગિક સંબંધો અને શ્રમિકો પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ જવાબદાર છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત માત્ર 'ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ' માં જ નહીં, પરંતુ શ્રમિકો માટે ‘ઈઝ ઓફ લિવિંગ'માં પણ દેશનું અગ્રણી રાજ્ય બનવા માટે પ્રયત્નશીલ છે.

 

રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના આંતરરાષ્ટ્રીય સ્તરના અભ્યાસક્રમોથી ગુજરાતના શ્રમ વિભાગની કાર્યક્ષમતામાં અનેરો વધારો થશે અને શ્રમિકોના હિતોનું સુદ્રઢ રક્ષણ થઈ શકશે. આ પ્રસંગે મંત્રીશ્રીએ વિભાગના અધિકારીઓને ઉદ્યોગો સાથે સંકલન સાધીને યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવા તથા વધુમાં વધુ યુવાનોને રોજગારી પૂરી પાડવા આહવાન કર્યું હતું.

 

કાર્યક્રમની શરૂઆતમાં MGLIના મહાનિદેશક શ્રી પ્રવિણ સોલંકીએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી.  MGLIના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મિશા વ્યાસ દ્વારા મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના, તેના ઉદ્દેશ્યો અને શ્રમ કલ્યાણ પ્રવૃત્તિઓ વિશે ટૂંકી રૂપરેખા રજૂ કરવામાં આવી હતી.

 

આ પ્રસંગે યોજાયેલા ખાસ પ્રાસંગિક સંબોધન સત્રમાં ઉદ્યોગ જગત અને શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓ સહિત ઉચ્ચ અધિકારીઓએ પોતાના મહત્વપૂર્ણ વિચારો રજૂ કર્યા હતા. જેમાં CIIના આઈ.આર. એન્ડ લેબર વિભાગના સભ્ય શ્રી સ્વાતિ પંજવાણી, ભારતીય મઝદૂર સંઘના રાષ્ટ્રીય પ્રમુખ શ્રી હિરણ્મય પંડ્યા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરેથી ILOના ડિરેક્ટર શ્રી મિચિકો મિયામોટોએ શ્રમિક-માલિક સંબંધો અને સામાજિક સંવાદના મહત્વ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી.

 

આ ઉપરાંત ઇટાલી ખાતેથી ITC-ILOના એસોસિએટ પ્રોગ્રામ ઓફિસર શ્રી ડેરીન ડુકીએ વર્ચ્યુઅલી જોડાઈને આ ડિપ્લોમા અભ્યાસક્રમની વિગતવાર રૂપરેખા અને તેની શૈક્ષણિક પદ્ધતિ અંગે સૌને માહિતગાર કર્યા હતા. જ્યારે, ITC-ILOના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી જ્યુસેપ ઝેફોલાએ પણ વર્ચ્યુઅલ માધ્યમથી આ સંયુક્ત પ્રયાસને બિરદાવી વિશેષ વક્તવ્ય આપ્યું હતું.

 

આ સમારોહના અંતે MGLI ના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. સુમન વૈષ્ણવ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં શ્રમ ક્ષેત્રના અગ્રણીઓ ઉદ્યોગકારો અને તાલીમાર્થીઓ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Tags: ગુજરાત સરકાર મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ-ગુજરાત

સંબંધિત સમાચાર