IPL 2026: ક્વોલિફાયર-1 માં ગુજરાત ટાઇટન્સની શરમજનક હાર, કેપ્ટન શુભમન ગિલે આ 2 ભૂલો પર ફોડ્યું ઠીકરું
ધર્મશાલા: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની રોમાંચક સફર હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે. ધર્મશાલાના સુંદર મેદાન પર રમાયેલી હાઈ-વોલ્ટેજ 'ક્વોલિફાયર ૧' મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ શાનદાર પ્રદર્શન કરતા ગુજરાત ટાઇટન્સ (GT) ને 92 રનના મોટા માર્જિનથી હરાવીને સતત બીજી વખત આઈપીએલ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. આ કારમી હાર બાદ ગુજરાત ટાઇટન્સના કેપ્ટન શુભમન ગિલે નિરાશા વ્યક્ત કરી હતી અને ટીમની હાર પાછળના મુખ્ય કારણો જાહેર કર્યા હતા.
પાવરપ્લેનો ફ્લોપ શો અને નબળી ફીલ્ડિંગ નડી: શુભમન ગિલ
મેચ બાદ વાતચીત કરતા કેપ્ટન શુભમન ગિલે સ્વીકાર્યું કે ધર્મશાલાની પિચ અને આઉટફીલ્ડ બેટિંગ માટે એકદમ શાનદાર હતા. જો ટીમને પાવરપ્લેમાં સારી શરૂઆત મળી હોત, તો 255 રનનો વિશાળ ટાર્ગેટ પણ ચેઝ કરી શકાયો હોત.
"જ્યારે તમે આટલા મોટા લક્ષ્યનો પીછો કરી રહ્યા હોવ, ત્યારે પાવરપ્લેમાં મજબૂત શરૂઆત ખૂબ જ જરૂરી છે. આ મેદાન પર બોલ ઝડપથી ટ્રાવેલ કરે છે અને આઉટફીલ્ડ પણ ખૂબ ફાસ્ટ છે. જો પાવરપ્લેમાં અમે વિકેટ બચાવીને રન બનાવ્યા હોત, તો મેચનું પરિણામ કંઈક અલગ હોત." - શુભમન ગિલ, કેપ્ટન (GT)
ગિલે વધુમાં જણાવ્યું કે માત્ર બેટિંગ જ નહીં, પરંતુ બોલિંગ દરમિયાન નબળી ફીલ્ડિંગે પણ રમત બગાડી હતી. ૧૨ થી ૧૩ ઓવર સુધી ગુજરાત સારી સ્થિતિમાં હતું, પરંતુ ત્યારબાદ કેચ ડ્રોપ થવા અને ગ્રાઉન્ડ ફીલ્ડિંગ ખરાબ થવાને કારણે આરસીબીના બેટ્સમેનો હાવી થઈ ગયા હતા.
રજત પાટીદારનું તોફાન: RCB એ ખડક્યો 254 રનનો પહાડ
આ મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૫ વિકેટે 254 રનનો સ્કોર બનાવ્યો હતો. RCB તરફથી કેપ્ટન રજત પાટીદારે માત્ર ૩૩ બોલમાં ૫ ચોગ્ગા અને ૯ ગગનચુંબી છગ્ગાની મદદથી અણનમ 93 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. આ સિવાય વિરાટ કોહલીએ ૨૫ બોલમાં 43 રન અને ક્રુણાલ પંડ્યાએ ૨૮ બોલમાં 43 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
ગુજરાતના બેટ્સમેનો પત્તાના મહેલની જેમ વિખેરાયા
255 રનના વિશાળ સ્કોર સામે ગુજરાત ટાઇટન્સની આખી ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ગુજરાત વતી રાહુલ તેવતિયાએ સૌથી વધુ 68 રન (43 બોલ, 8 ચોગ્ગા, 4 છગ્ગા) અને જોસ બટલરે ૨૯ રન બનાવ્યા હતા. આ બંને સિવાય ટીમનો કોઈ પણ બેટ્સમેન ૨૦ રનનો આંકડો પણ પાર કરી શક્યો ન હતો. RCB તરફથી જેકબ ડફીએ ૩ વિકેટ અને ભુવનેશ્વર કુમારે ૨ વિકેટ ઝડપીને ગુજરાતના ટોપ ઓર્ડરની કમર તોડી નાખી હતી.
ગુજરાત ટાઇટન્સ પાસે હજુ પણ છે ફાઇનલમાં પહોંચવાની તક
જો કે, આ હાર છતાં ગુજરાત ટાઇટન્સની આઈપીએલ સફર પૂરી થઈ નથી. ક્વોલિફાયર ૧ માં હારવા છતાં પોઈન્ટ ટેબલમાં ટોપ-૨ માં હોવાને કારણે ગુજરાતને વધુ એક તક મળશે. આગામી શુક્રવારે યોજાનારા 'ક્વોલિફાયર ૨' માં ગુજરાત ટાઇટન્સનો સામનો સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાનારી એલિમિનેટર મેચની વિજેતા ટીમ સામે થશે. એટલે કે, ફેન્સને ફરી એકવાર ગુજરાતની ટીમ જોરદાર વાપસી કરતી જોવા મળી શકે છે.