અમદાવાદ/ગુજરાત : આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રવક્તા હિમાંશુ ઠક્કરે એક ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાતની અસ્મિતાને મજબૂત કરી શકે અને પાયાની વ્યવસ્થાઓને સારી કરી શકે એવા બે જ મુદ્દા છે શિક્ષણ અને આરોગ્ય. આમ આદમી પાર્ટીએ સારી શિક્ષણ વ્યવસ્થા અને સારી આરોગ્ય વ્યવસ્થા માટે હંમેશા આહવાન કર્યું છે. અને બીજીબાજુ હાલ ગુજરાત મુદ્દે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે કે, આ વર્ષે ગુજરાતમાં લગભગ અઢી લાખ બાળકોએ પ્રાથમિક લેવલે શિક્ષણ છોડી દીધું છે. કઈ પરિસ્થિતિ બાળકોને શિક્ષણ છોડવા લાચાર બનાવી રહી છે? પ્રવેશોત્સવ અને ગુણોત્સવના તાયફા કરવામાં આવે છે, જ્યારે સ્કૂલોમાં હજારો શિક્ષકોની ઘટ છે. ટેક્સના પૈસે ડિજિટલ અને સ્માર્ટ ક્લાસના નામે કરોડોનું આંધણ થઈ રહ્યું છે પણ વાસ્તવિકતા એ છે કે શાળામાં શિક્ષકો પણ નથી, સાહિત્ય નથી, વિદ્યાર્થીઓ શિક્ષણ છોડી રહ્યા છે, આ પરિસ્થિતિ ક્યાં જઈને અટકશે એ મોટો સવાલ છે. ખરેખર એવું વાતાવરણ ઊભું થયું છે કે વિકાસ શબ્દથી લોકોને એલર્જી આવે.
વધુમાં આમ આદમી પાર્ટીના નેતા હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે, ગુજરાતના નાગરિકોએ નવી પેઢી વધારે શિક્ષિત બને એ મુદ્દે હવે ચિંતા કરવી પડશે. એક હથ્થું શાસન છે એટલા માટે કોઈ બોલનાર અને પૂછનાર નથી. દુનિયાના દેશો ક્યાંના ક્યાં પહોંચી ગયા. કરોડો રૂપિયા પબ્લિસિટી, બ્રાન્ડિંગ અને તાયફાઓમાં વપરાય છે, એના બદલે શિક્ષકોને સારો પગાર આપવામાં આવે અને જ્યાં જ્યાં શિક્ષકો નથી અને ત્યાં ત્યાં સારા શિક્ષકોની ભરતી કરવામાં આવે. બેરોજગાર યુવાનો નોકરીની રાહ જુવે છે, ધક્કા ખાય છે. આ બાબતે લોકો હવે બોલે અને જો પોતે બોલી ન શકે તો જે બોલતા હોય એમને સપોર્ટ કરે એવી મારી અપીલ છે. જો ગુજરાતની અસ્મિતાને જગાવવી હશે તો બધા લોકોએ જાગવું પડશે. આપણે માઁ સરસ્વતીને પ્રાર્થના કરીએ છીએ કે શાસકોમાં શિક્ષણ પ્રત્યેનો પ્રેમ વધે અને શિક્ષણનું જે વેપારીકરણ થઈ ગયું છે એને બંધ કરવામાં આવે.
આમ આદમી પાર્ટી ગુજરાત