મુખ્ય સામગ્રી પર જાઓ

ગુજરાતનું ગૌરવ: રાજલ વાળા બની ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન

ગુજરાત માટે આ અત્યંત ગૌરવપૂર્ણ સમાચાર છે. રાજલ વાળાની ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમના કેપ્ટન તરીકે અને અન્ય બે ખેલાડીઓની પસંદગી એ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) અને નડિયાદ હાઇ પર્ફોર્મન્સ સેન્ટરની મહેનતનું પરિણામ છે.

ગુજરાતનું ગૌરવ: રાજલ વાળા બની ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન

ગુજરાતની યુવા વોલીબોલ સ્ટાર રાજલ વાળા (૧૬ વર્ષ) ની થાઈલેન્ડના નાખોન રાત્ચાસિમા ખાતે ૧ થી ૭ જુલાઈ, ૨૦૨૬ દરમિયાન યોજાનારી ૧૬મી AVC એશિયન વિમેન્સ અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ માટે ભારતીય અંડર-18 મહિલા વોલીબોલ ટીમની કેપ્ટન તરીકે વરણી કરવામાં આવી છે.

 

આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં ભારતની ટીમમાં ગુજરાતની ત્રણ ખેલાડીઓ રાજલ વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કાગથરાની પસંદગી કરવામાં આવી છે. આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) સંચાલિત નડિયાદ સ્થિત હાઇ પર્ફોર્મન્સ સેન્ટરનાં તાલીમાર્થીઓ છે, નડિયાદ સ્થિત આ એકેડેમી રમતગમતની પ્રતિભાઓને આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે જ્વલંત સફળતા અપવવા માટે સતત પ્રયત્નશીલ છે.

 

ગીર-સોમનાથ જિલ્લાના કોડિનાર તાલુકાના સરખડી ગામની રહેવાસી રાજલ વાળા એશિયાની સૌથી મજબૂત યુવા વોલીબોલ ટીમો સામે ભારતીય ટીમનું નેતૃત્વ કરશે. અર્પિતા વાઢેર (૧૭ વર્ષ) ગીર-સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના વાવડી ગામની છે અને ફોરમ કાગથરા (૧૭ વર્ષ) અમરેલી જિલ્લાનાં વતની છે.

આ ત્રણેય ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (SAG) હેઠળ તાલીમ મેળવી રહી છે.

 

નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ ગુજરાતની ત્રણેય વોલીબોલ ખેલાડીઓને ભારતીય ટીમમાં પસંદગી પામવા બદલ અભિનંદન પાઠવ્યા હતા અને ચેમ્પિયનશિપમાં સફળ પ્રદર્શન માટે ભારતીય ટીમને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.

 

આ પૂર્વે, ચેમ્પિયનશિપ માટે અંતિમ ટીમ નક્કી કરતા પહેલા વોલીબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (VFI) દ્વારા રાષ્ટ્રીય કોચિંગ કેમ્પ માટે દેશભરમાંથી ૨૪ આશાસ્પદ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.

 

 ભારતીય ટીમમાં કેપ્ટન સહિત ગુજરાતની ત્રણ ખેલાડીઓનો સમાવેશ થવો, તે રાષ્ટ્રીય સ્તરે વોલીબોલ પ્રતિભાઓને પ્રોત્સાહિત કરવામાં રાજ્યના વધી રહેલા વર્ચસ્વને રેખાંકિત કરે છે.

 

એશિયન વોલીબોલ કોન્ફેડરેશન (AVC) દ્વારા આયોજિત આ દ્વિવાર્ષિક ચેમ્પિયનશિપમાં ખંડીય (કોન્ટિનેન્ટલ) ખિતાબ માટે ૧૬ દેશોની ટીમો ભાગ લેશે. આ ટૂર્નામેન્ટ ૨૦૨૭ની FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયાની ક્વોલિફાઇંગ ઇવેન્ટ તરીકે પણ કામ કરશે, જેમાં ટોચની ચાર ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થશે.

 

ભારતીય ટીમ થાઈલેન્ડમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શનના લક્ષ્ય સાથે મેદાને ઉતરશે જેથી ટોચના ચારમાં સ્થાન મેળવીને ૨૦૨૭ FIVB ગર્લ્સ અંડર-19 વોલીબોલ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભાગ લઇ શકે.

 

ગુજરાતની ત્રણ ખેલાડીઓની નેશનલ ટીમમાં પસંદગી દર્શાવે છે કે, આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતીય વોલીબોલમાં ગુજરાતનું યોગદાન વધુ રહ્યું છે.

Tags: એશિયન અંડર-18 વોલીબોલ ચેમ્પિયનશિપ 2026 AVC એશિયન વોલીબોલ રાજલ વાળા વોલીબોલ ભારતીય મહિલા વોલીબોલ ટીમ નડિયાદ હાઇ પર્ફોર્મન્સ સેન્ટર ગુજરાત વોલીબોલ ખેલાડીઓ

સંબંધિત સમાચાર