ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે, ફોજદારી કેસમાં ખાતાધારકની સંડોવણી પુરવાર કર્યા વિના તેનું બેંક ખાતું ફ્રીઝ કરવું એ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે. જસ્ટિસ નિરલ આર. મહેતાએ જણાવ્યું કે, તપાસ દરમિયાન બેંક ખાતાઓ ફ્રીઝ કરવાની તપાસ એજન્સીની સત્તા પર વિવાદ ન હોઈ શકે, પરંતુ આ સત્તાનો ઉપયોગ વાજબી, કાયદેસર અને વિવેકબુદ્ધિપૂર્વક થવો અત્યંત જરૂરી છે.
ahmedabadexpress દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટે સામાન્ય નાગરિકોના હિતમાં આ મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. ઘણીવાર એવું જોવા મળે છે કે સાયબર ક્રાઈમની તપાસના બહાને પોલીસ કે તપાસ એજન્સીઓ કોઈ પણ વ્યક્તિની સાચી સંડોવણી કે ભૂમિકા સાબિત કર્યા વિના જ તેનું આખું બેંક ખાતું ફ્રીઝ કરી દે છે. આના કારણે, જો વ્યક્તિ ગુનામાં સામેલ ન હોય તો પણ તેના કાયદેસરના નાણાં બ્લોક થઈ જાય છે, અને તેને રોજિંદા ખર્ચ માટે બિનજરૂરી હાલાકી ભોગવવી પડે છે.
હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું કે, શંકાસ્પદ રકમ કેટલી છે તે સ્પષ્ટ કર્યા વિના કે નાગરિકનો વાંક સાબિત કર્યા વિના આખું એકાઉન્ટ બંધ કરી દેવું એ તેના મૂળભૂત બંધારણીય અધિકારોનું હનન છે. અદાલતનો આ ચુકાદો સાયબર ક્રાઈમની તપાસના બહાને હેરાન થતા નિર્દોષ લોકો માટે મોટી રાહત સમાન સાબિત થશે, કારણ કે હવે તપાસના નામે આડેધડ આખા ખાતા ફ્રીઝ કરી શકાશે નહીં.
ગુજરાત હાઈકોર્ટે પીડિત ખાતાધારકને તાત્કાલિક રાહત આપતા તેનું બેંક ખાતું તાત્કાલિક ડી-ફ્રીઝ કરવાનો આદેશ આપ્યો છે. અદાલતે વચગાળાનો માર્ગ અપનાવતા જણાવ્યું કે, ખાતામાં જે માત્ર 1100 રૂપિયાની રકમ શંકાસ્પદ જણાઈ છે, બેંક ફક્ત તેટલા જ રૂપિયા હોલ્ડ (લીયન) પર રાખે અને બાકીનું આખું ખાતું ઓપરેટ કરવાની ખાતાધારકને છૂટ આપે.
આ કેસનો અંતિમ નિર્ણય હવે પોલીસ તપાસના પરિણામ પર આધારિત રહેશે, પરંતુ ત્યાં સુધી નાગરિક પોતાના ખાતામાંથી કાયદેસરની લેવડ-દેવડ ચાલુ રાખી શકશે. આ કેસમાં પીડિત ખાતાધારકે હાઈકોર્ટમાં રિટ અરજી કરીને રજૂઆત કરી હતી કે, તેમનું ગાંધીનગરની ઇન્ફોસિટી બ્રાંચની HDFC બેંકમાં એક સેવિંગ્સ એકાઉન્ટ આવેલું છે.
આ ખાતું તેમનું મુખ્ય બેંક ખાતું છે, જેનો ઉપયોગ તેઓ પોતાના પગાર મેળવવા તેમજ ઘરખર્ચ, મકાનનું ભાડું અને લોનના EMI ચૂકવવા જેવી રોજિંદી જરૂરિયાતો માટે કરે છે. પરંતુ સાયબર ક્રાઈમ વિભાગ તરફથી મળેલી માત્ર બે ફરિયાદોના આધારે, બેંકે તેમના આ આખા ખાતામાંથી થતા તમામ નાણાકીય વ્યવહારો અટકાવી દીધા હતા, જેને હાઈકોર્ટે અયોગ્ય ઠેરવ્યા છે.