મુખ્ય સામગ્રી પર જાઓ

વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક 720 રનનો પહાડ, પ્રથમ 7 વિકેટ માટે 50+ રનની ભાગીદારી કરી રચ્યો વર્લ્ડ રેકોર્ડ

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ ખાતે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. ન્યૂઝીલેન્ડના 368 રનના જવાબમાં ભારતે 9 વિકેટે 720 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો અને પ્રથમ દાવમાં 352 રનની જંગી લીડ મેળવી હતી. આ સાથે જ ભારત ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ સાત વિકેટ માટે 50 કે તેથી વધુ રનની ભાગીદારી કરનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતનો ઐતિહાસિક 720 રનનો પહાડ, પ્રથમ 7 વિકેટ માટે 50+ રનની ભાગીદારી કરી રચ્યો વર્લ્ડ રેકોર્ડ
વેલિંગ્ટન ટેસ્ટમાં ભારતે 720/9 રન બનાવીને ન્યૂઝીલેન્ડની ધરતી પર સૌથી મોટા ટેસ્ટ સ્કોર અને પ્રથમ સાત વિકેટ માટે અડધી સદીની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

વેલિંગ્ટનના બેસિન રિઝર્વ મેદાન પર રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટ્સમેનોએ ન્યૂઝીલેન્ડના બોલરોની ધોલાઈ કરતા રેકોર્ડ્સની વણઝાર લગાવી દીધી છે. કેપ્ટન શુભમન ગિલની આગેવાની હેઠળની ભારતીય ટીમે યજમાન ટીમના 368 રનના જવાબમાં 9 વિકેટના નુકસાને 720 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. આ સાથે ભારતે પ્રથમ દાવમાં 352 રનની જંગી સરસાઈ મેળવી લીધી છે.

ટેસ્ટ ઈતિહાસમાં પ્રથમ 7 વિકેટ માટે 50+ રનની ભાગીદારીનો અનોખો વિશ્વવિક્રમ

ભારતીય ટીમે આ મેચમાં એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે ટેસ્ટ ક્રિકેટના 149 વર્ષના ઈતિહાસમાં આજ સુધી કોઈ ટીમ કરી શકી નથી. ભારત એક જ ટેસ્ટ દાવમાં પ્રથમ સાત વિકેટ માટે 50 કે તેથી વધુ રનની ભાગીદારી નોંધાવનારી વિશ્વની પ્રથમ ટીમ બની ગઈ છે.

આ ઉપરાંત, ભારત એક જ દાવમાં સાત કે તેથી વધુ વખત 50+ રનની ભાગીદારી કરનારી પ્રથમ ટીમ પણ બની છે, જેણે આ કારનામું એક કરતા વધુ વખત કર્યું હોય. અગાઉ 2007માં ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં પણ ભારતે એક જ દાવમાં આઠ વખત 50 કે તેથી વધુ રનની ભાગીદારી નોંધાવી હતી.

કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે અપાવી મજબૂત શરૂઆત

ભારતીય દાવની શરૂઆત ઓપનર કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલે શાનદાર રીતે કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 130 રનની મજબૂત ભાગીદારી નોંધાવી હતી. બીજા દિવસની રમતના અંતિમ તબક્કામાં યશસ્વી 85 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ કેએલ રાહુલે (136 રન) દેવદત્ત પડિક્કલ (80 રન) સાથે મળીને બીજી વિકેટ માટે 165 રનની મોટી ભાગીદારી કરી ન્યૂઝીલેન્ડને બેકફૂટ પર ધકેલી દીધું હતું.

શુભમન ગિલ અને ઋષભ પંતે રનનો પહાડ ખડક્યો

પડિક્કલના આઉટ થયા બાદ કેપ્ટન શુભમન ગિલ મેદાન પર આવ્યો હતો અને તેણે વાઈસ-કેપ્ટન રાહુલ સાથે ત્રીજી વિકેટ માટે 91 રન જોડ્યા હતા. રાહુલ 136 રનની શાનદાર ઈનિંગ રમીને આઉટ થયો હતો. ત્યારબાદ ઋષભ પંત અને ગિલે ચોથી વિકેટ માટે સદીની ભાગીદારી કરીને સ્કોરબોર્ડને સતત ફરતું રાખ્યું હતું. ત્રીજા દિવસના અંતે ગિલ બોલ્ડ થયો હતો.

ચોથા દિવસની રમતમાં પણ ભારતીય બેટ્સમેનોનું આક્રમક વલણ યથાવત રહ્યું હતું. પંત અને નાઈટવોચમેન અંશુલ કંબોજે પ્રથમ કલાકમાં જ માત્ર ઝડપી 75 રન જોડી દીધા હતા. લંચ બ્રેક પહેલા 128 રન બનાવીને આઉટ થતા પહેલા પંતે ધ્રુવ જુરેલ સાથે છઠ્ઠી વિકેટ માટે 54 રન ઉમેર્યા હતા. અંતે જુરેલે વોશિંગ્ટન સુંદર સાથે સાતમી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરીને ભારતનો સ્કોર 700 રનની પાર પહોંચાડ્યો હતો.

ન્યૂઝીલેન્ડની ધરતી પર સૌથી મોટો ટેસ્ટ સ્કોર બનાવી તોડ્યા જૂના રેકોર્ડ

720/9 (ડિકલેર) ના સ્કોર સાથે ભારતે બે મોટા ઐતિહાસિક રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે:

  • ન્યૂઝીલેન્ડ સામે સૌથી મોટો સ્કોર: ભારતે ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ સામે કોઈપણ ટીમ દ્વારા બનાવેલા સૌથી મોટા સ્કોરનો રેકોર્ડ તોડ્યો છે. અગાઉ આ રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના નામે હતો, જેમણે 1995માં આ જ મેદાન પર 660/5 (ડિકલેર) રન બનાવ્યા હતા.
  • ન્યૂઝીલેન્ડમાં સૌથી મોટો ટીમ ટોટલ: આ ન્યૂઝીલેન્ડની ધરતી પર કોઈપણ ટીમ દ્વારા બનાવેલો સૌથી મોટો ટેસ્ટ સ્કોર છે. ભારતે 2019માં હેમિલ્ટન ખાતે બાંગ્લાદેશ સામે ન્યૂઝીલેન્ડ દ્વારા બનાવેલા 715/6 (ડિકલેર) રનના રેકોર્ડને પાછળ છોડી દીધો છે.

Tags: KL Rahul Rishabh Pant Shubman Gill Yashasvi Jaiswal Test cricket India national cricket team wellington New Zealand national cricket team Basin Reserve

સંબંધિત સમાચાર