ભારતીય નૌસેના (Indian Navy) નું પ્રખ્યાત સેઇલ ટ્રેનિંગ શિપ INS સુદર્શિની (INS Sudarshini) આજે 20 જાન્યુઆરી, 2026 થી 'લોકાયન 26' નામના 10 મહિનાના ભવ્ય ટ્રાન્સઓસેનિક અભિયાનનો પ્રારંભ કરી રહ્યું છે. રક્ષામંત્રાલયના જણાવ્યા અનુસાર, આ જહાજ 22,000 નોટિકલ માઇલનું અંતર કાપીને વિશ્વના 13 દેશોના 18 વિદેશી બંદરોની મુલાકાત લેશે.
INS સુદર્શિનીનો વૈશ્વિક પ્રવાસ: 'વસુધૈવ કુટુંબકમ' ના મંત્ર સાથે સાત સમંદર પાર
ભારતની સમૃદ્ધ દરિયાઈ વિરાસત અને આંતરરાષ્ટ્રીય સ્તરે મિત્રતાના સેતુ બાંધવાના ઉદ્દેશ્ય સાથે INS સુદર્શિની તેના સૌથી મોટા અભિયાન 'લોકાયન 26' (Lokayan 26) પર નીકળી રહ્યું છે. આ સફર માત્ર એક પ્રવાસ નથી, પરંતુ વૈશ્વિક મંચ પર ભારતની નૌકાદળની તાકાત અને પ્રોફેશનલિઝમનું પ્રદર્શન છે.
ફ્રાન્સ અને અમેરિકામાં ભારતીય ધ્વજ લહેરાશે
આ 10 મહિનાની સફર દરમિયાન INS સુદર્શિની બે અત્યંત પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય ઇવેન્ટ્સમાં ભાગ લેશે:
Escale a Sète (ફ્રાન્સ): ફ્રાન્સમાં યોજાનાર આ આંતરરાષ્ટ્રીય ટેલ-શિપ ઇવેન્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
SAIL 250 (ન્યૂયોર્ક, USA): અમેરિકાના ન્યૂયોર્ક ખાતે યોજાનાર ઐતિહાસિક કાર્યક્રમમાં ભારતીય નૌસેનાના ગૌરવશાળી સીફેરિંગ વારસાને રજૂ કરવામાં આવશે.
200 થી વધુ તાલીમાર્થીઓને મળશે કઠિન ટ્રેનિંગ
આ લાંબા અંતરના અભિયાન દરમિયાન ભારતીય નૌસેના અને ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) ના 200 થી વધુ તાલીમાર્થીઓ દરિયામાં પરંપરાગત સીમેનશિપ અને લોન્ગ-રેન્જ નેવિગેશનની તાલીમ મેળવશે. આ તાલીમાર્થીઓને અન્ય દેશોના નૌકાદળના જવાનો સાથે વાર્તાલાપ કરવાની અને તેમની ટેકનિક શીખવાની અમૂલ્ય તક મળશે, જે 'મહાસાગર' (MAHASAGAR) વિઝનને આગળ ધપાવશે.
સાંસ્કૃતિક રાજદ્વારી અને મૈત્રીનો સેતુ
INS સુદર્શિની અત્યાર સુધીમાં 1,40,000 નોટિકલ માઇલથી વધુનું અંતર કાપી ચૂકી છે. આ નવું અભિયાન વિવિધ દેશો સાથે દરિયાઈ સહયોગ મજબૂત કરવા અને પરસ્પર વિશ્વાસ વધારવા માટે 'બિલ્ડિંગ બ્રિજીસ' (Building Bridges) ના પ્રતીક તરીકે કામ કરશે. ભારતીય નૌસેનાનું આ પગલું હિંદ મહાસાગર અને તેની પેલે પાર સુરક્ષા અને મિત્રતા જાળવી રાખવાના ભારતના કટિબદ્ધ પ્રયાસોને દર્શાવે છે.


